સંજય છેલ
માણસ એક પ્રાણી હોવા છતાંય એવું શું છે જે એને બીજાં પ્રાણીઓથી એક ખાસ જાતનું પ્રાણી બનાવે છે? આવા મોટા સવાલોના જવાબો મોટા વિદ્વાનો જ આપી શકે, કારણ કે એ લોકો આવા જવાબ આપવા માટે જ જન્મ્યા છે ને આખી જિંદગી પોતે કોઈ સાચો સવાલ નથી પૂછતા એટલે બુદ્ધુના બુદ્ધુ જ રહે છે!
એક વિદ્વાને કહ્યું કે માણસ એટલે હથિયાર ઓજાર બનાવી શકતું પ્રાણી. બીજાએ કહ્યું કે માણસ: વિચારતું પ્રાણી. બેઉ અર્ધસત્ય છે. વિચારે તો કૂતરોય છે, એય વળી નાકથી વિચારે! પોલીસ ઇન્સ્પેક્ટર પણ ચોરને શોધે ને પોલીસનો કૂતરો પણ એક જાસૂસી કૂતરાની કિંમત ઇન્સ્પેક્ટરના આખી જિંદગીના પગાર ને ખાસ તો કટકીચાપાણીની કમાણી ભેગી કરો તોય એના કરતાં વધારે હોય છે!
વળી ઓજાર બનાવવાના મામલામાં તો કીડીને મોકો મળે તો કદાચ એય માણસ કરતાં સારા બનાવી શકે. બેમાંથી એકેય વાતથી માણસ મહાન પ્રાણી નથી બનતો. મેં નવું જ કારણ શોધ્યું છે: મનુષ્ય એટલે ઓફિસે જતું પ્રાણી! ધરતી પર બીજું કોઈ પ્રાણી ઓફિસે જતું નથી. તમે ગધેડાને પૂછી જુઓ: ‘માણસ બનવું છે?’ તો ગધેડોયે તરત કહેશે, હોઇ કંઇ.. એમાં તો ઓફિસના ધક્કા ખાવા પડે!’
આ જ્ઞાન અચાનક જ અંદરથી નથી આવ્યું. તપ વગર કાંઈ જ્ઞાન થોડું મળે? હું છેલ્લા 3-4 દિવસથી ઓફિસે જવાનું મોટું તપ કરી રહ્યો હતો. ફિલોસોફરો કહે છે કે મનુષ્ય જીવને દુ:ખ ભોગવવા માટે જ ધરતી પર પાર્સલ કરવામાં છે. એ હિસાબે જે દુ:ખ ભોગવવાં કમ્પલસરી છે, તેમાં સૌથી મોટું દુ:ખ ઓફિસે જવાનું છે. કોઈ-કોઈ જીવ આ દુ:ખમાંથી બચી પણ જાય. જ્યારે એવો પૂણ્યશાળી જીવ શરીર ત્યાગીને ઉપર જાય, ત્યારે પૂછવામાં આવે છે:
‘તું ઓફિસે ગયેલો કે નહીં?’
પેલો કહે, ‘ના ભાઈ, નોકરી મળવાનું મારું નસીબ ક્યાંથી?’ તો એવા અભાગ્યા જીવને ફરીથી પૃથ્વી પર ધકેલવામાં આવે ને ફરીથી માણસ જ બનાવવામાં આવે, કારણ કે બીજું કોઇ પ્રાણી કોર્ટમાં કે ઓફિસમાં જતું નથી. જ્યારે કોઈ જીવ જન્મજન્માંત ઓફિસનાં પુષ્કળ દુ:ખો ભોગવી લે છે ત્યારે જ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે. મોક્ષ મેળવવા માટે વેપારીઓ પણ રોજ લાલ ચોપડા બગલમાં દબાવીને પોતાની જ ઓફિસે-દુકાને જાય છે.
ખરેખર, આજે મને જીવનનું અસલી જ્ઞાન લાધ્યું! બુદ્ધને જ્ઞાન મેળવવા માટે આટલાં બધાં તપ કે ચિંતનની જરૂર જ નહોતી. તે જો 24 દિવસ આપણી કોઈપણ ઓફિસમાં આંટો મારી આવ્યા હોત તો એ ઇન્સ્ટન્ટ બુદ્ધ બની જાત! પહેલાં મને હતું કે અર્જુન યુદ્ધ કરવા નહોતો માગતો, પણ શ્રીકૃષ્ણએ બળજબરીથી લડાવી દીધો પણ જો અર્જુન યુદ્ધ ન કરત, તો બીજું શું કરત? ઓફિસે જાત! એ ઓફિસ એટલે કોર્ટ કચેરી સૌથી ખતરનાક ઓફિસ. કૌરવો પર જમીન પચાવી જવાનો કેસ ઠોકત!
જોકે વનમાંથી ફાટેલાં કપડે પાછા ફરેલા પાંડવો માંડ-માંડ કોર્ટ ફી ભરતા હોય ત્યાં વકીલોની ફી ક્યાંથી લાવત ને સાક્ષીઓને રૂપિયા ક્યાંથી ચૂકવતે? અને વળી ઓફિસમાં યુધિષ્ઠિર જેવા સત્યવાદીની શું હાલત થાત? શું સત્યવાદીઓ ક્યારેય કેસ લડી શકે? કોર્ટ કચેરીના ચક્કરમાં તો ભીમ જેવા ભીમનીય ચરબી ઊતરી જાય.
મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં પતી ગયેલું, પણ ઓફિસમાં તો 18 વર્ષ નીકળી જાય અને જીત દુર્યોધનની જ થાત, કારણ કે એની પાસે બેફામ પૈસો હતો. સત્ય એક સૂક્ષ્મ વસ્તુ છે ને પૈસો એ રોકડી હકીકત છે. ન્યાયના દેવતાને પણ પૈસો ચોખ્ખો દેખાય છે, પણ સત્ય દેખાતું નથી! પાંડવો તો કેસ લડતાં-લડતાં જ મરી જાત, કારણ કે દુર્યોધન તો વકીલ રોકીને તારીખ પર તારીખ પાડતો જાત! શ્રીકૃષ્ણએ સારું કર્યું કે અર્જુનને લડાવીને 18 દિવસમાં ફેંસલો કરાવી દીધો, નહીં તો આજેય પાંડવોના વંશજો કોઈ કોર્ટમાં એ જ જૂના કેસો લડતા હોત!
આખો દિવસ મેં અદાલતમાં અદીલોવકીલો જોયા, સાચા-ખોટા સાક્ષીઓની જુબાનીઓ અને ઊલટતપાસ સાંભળીને એક વિદ્વાનને પૂછ્યું, આ બધું નાટક શા માટે ચાલે છે?
ન્યાયના દેવતા એક પછી એક ચાળણી ફેરવતા જાય છે અને એમાંથી અસત્યને ચાળીચાળીને અલગ કરે છે. છેલ્લે માત્ર અસલી સત્ય જ બચે ! વિદ્વાને મસ્ત જવાબ આપ્યો, ‘પણ ન્યાય તો આંધળો હોય છેને? આંધળાને શું ખબર પડે કે કચરો ચળાય છે કે લોટ?’ મેં પૂછેલું.
વેલ, આનો જવાબ નહોતો.
આમેય આખરતે ન્યાય પણ દેવતા જ છેને? અને દરેક દેવતાને પ્રસાદ તો ચઢાવવો જ પડેને? જો ભક્ત સીધો પ્રસાદ ધરે તો વાંધો નહીં, પણ દરેક દેવતાનો એક વચેટિયો હોય જ છે. આપણા આ વચેટિયા કલ્ચરથી ક્યારેય છુટકારો નથી મળવાનો? ન્યાયના દેવતાનો વચેટિયો એટલે વકીલ! દુશ્મનથી છુટકારો મળી શકે, પણ વકીલની ચુંગલમાંથી છૂટવું અશક્ય છે.
એકવાર કોર્ટની ઓફિસ કે કચેરીમાં સામેવાળી દુશ્મનપાર્ટીથી એટલો ડર નથી લાગતો, જેટલો ખુદના વકીલથી લાગે છે. તમને એવી કાનૂની જાળમાં ફસાવશે કે ખબર પણ નહીં પડે કે તમે ક્યાં જઈ રહ્યા છો. આનો કડવો અનુભવ મનેય છે. મારો કેસ તો જેવો-તેવો હતો જ, પણ મારા વકીલે સલાહ આપી કે સામેવાળી પાર્ટી પર બીજા બે ખોટા કેસ ઠોકી દો!
મેં પૂછ્યું, ‘શેના માટે?’
સામેવાળો જબરદસ્ત હેરાન-પરેશાન થઈ જશે! મને આ વાત ભેજામાં ન ઊતરી. ‘અરે ભાઈ, હું ખોટો કેસ શા માટે ચલાવું? સામેવાળો તો જાણે જ છે કે કેસ સાવ બોગસ છે ને ફગાવી દેવાશે તો હેરાન કોણ થશે? પેલો કે હું પોતે?’
વકીલોની ટેકનિક ડોક્ટર જેવી હોય છે. સફળ ડોક્ટર એજ છે જે દર્દીને મરવા ન દે, પણ એની સારવાર લાંબી ચાલુ રાખે! એ જ રીતે સફળ વકીલ એ છે, જે અસીલને ન તો જીતવા દે કે ન તો હારવા દે.
જો ભૂલથી તમારા હાથે કોઈ ઉંદર મરી ગયો હોય ને આ વાત તમે કોઈ મોટા વકીલને કહેશો તો તરત પૂછશે, ‘શું કહ્યું? ઉંદર મારી નાખ્યો?! તમે પોતે? કઈ રીતે?’ પછી તમારે સમજાવવું પડે કે ઘરમાંથી લોખંડની તિજોરી ખસેડતી વખતે ઉંદર વચ્ચે આવીને કચડાઈ ગયો. વકીલ પૂછશે, ‘શું એણે પહેલાં તમારા પર હુમલો કરેલો?’ તમે ના પાડશો એટલે વકીલ તમને એમ જોશે જાણે તમને હમણાં જ ફાંસીએ લટકાવવાના હોય:
‘અરે સાહેબ, તમે તો સીધો મર્ડર કરી બેઠા! તમારા કેસમાં તો સ્વબચાવની દલીલ પણ નહીં ચાલે!’ આ સાંભળીને તમારો પરસેવો છૂટી જશે. તમે વકીલના પગ પકડશો, પણ વકીલ નાટક કરીને કેસ લેવાની ના પાડશે કે, ‘મામલો બહુ ગંભીર છે, તમને ફાંસી થશે જ!’
ત્યાર પછી જેવો ભારેખમ ચેક ધરી દેશો કે તરત જ એનો મૂડ ચેન્જ. ‘અરે ટેન્શન ના લો, કેસ જીતેલો જ સમજો, તમે બચી જ જશો!’
તમને થશે કે જે કેસ ફી આપતા પહેલાં સાવ પાણી વગરનો હતો, તે માલપાણી મળતા જ આટલો મજબૂત બની ગયો? ભાઈ, પૈસાની માયામાંય ગજબનું વિટામિન હોય છે! કોર્ટની કચેરી કે સરકારી ઓફિસ બધે પૈસા જ ચાલે ને પૈસા કમાવા જ મનુષ્યોએ ઓફિસ જવું પડે.