કિશોર વ્યાસ
હિન્દુ ધર્મમાં ‘પુરાણો’નું ખૂબ મહત્ત્વ છે. ભારત વર્ષના વ્યવહારિક જીવન પદ્ધતિના ઘડતરમાં પુરાણોનો સિંહફાળો છસે. બધા મળીને 18 પુરાણ છે. તેમાંના મોટાભાગના પુરાણોમાં કહેવતોના પ્રયોગ થયા હોવાનું વાંચવા મળે છે. અથવા તો ત્યાંથી કહેવતોને પ્રાદુર્ભાવ થયો હોઈ શકે! એક કહેવત છે: ‘સતાં સાપ્તપદં મૈત્રમ્’ એટલે કે ‘સાત પગલાં સાથે ચાલનાર મિત્ર બની જાય છે.’ તો ચાણકય સૂત્ર નામના નીતિગ્રંથમાં ‘ના તપ્તલોહં લોહેન સંઘતે’ જેવી પ્રચલિત કહેવત પ્રયોજાઈ છે જેનો અર્થ છે: ‘ગરમ કર્યા વગર તો લોઢું પણ લોઢાં સાથે સંધાતું નથી.’
મુસ્લિમ ધર્મના એક પુસ્તક ‘મખઝને અખલાક’ના ‘મિશાલ’ નામના પ્રકરણમાં કહેવતોનો ઉલ્લેખ જોવા મળે છે જેમ કે ‘હાથમેં લીયા કાંસા તો રોટીકા ક્યા સાંસા’ ધગશ રાખનાર વ્યક્તિને ધંધો મળી રહે છે. એવો તેનો અર્થ થાય.
તો વળી ઈસાઈ ધર્મમાં, ધર્મગ્રંથ બાઈબલની ગુજરાતી આવૃત્તિમાં કહેવતોનો એક વિભાગ ‘દૃષ્ટાંત વચનો’ નામથી સમાવિષ્ટ છે. કહેવત સાહિત્યનું ધર્મમાં પણ એટલું જ મહત્ત્વ છે. બાઈબલમાં વપરાયેલી કહેવતોમાંની એક છે: ‘દુષ્ટતા કરવી મૂર્ખને રમત જેવું લાગે છે.’ આ રીતે તમામ ધર્મગ્રંથોમાં કહેવતોએ યથાસ્થાને ગોઠવાઈને પોતાનું મહત્ત્વ જાળવી રાખ્યું છે.
‘હલો હાણે કચ્છ... માતાના દૂધ જેવી કચ્છી ભાષાની સમૃદ્ધિના મૂળમાં જ (કહેવતો) ‘ચોવકું’ હોય તેવું અનુભવાય છે. ચોટદાર કચ્છી ભાષાને ‘ચોવકું’ એ ચમત્કૃતિ બક્ષી છે. ઘણી વાર તો એક જ વિચારને બે રીતે રજૂ કરવામાં આવેલો પણ જોવા મળે છે. જેમ કે, ‘લાડી ને પાડી નિવડે વખાણ’ અહીં ‘લાડી’ અને ‘પાડી’ને પ્રતીક બનાવવામાં આવ્યા છે.
‘લાડી’ એટલે ‘વહુ’ અને ‘પાડી’ એટલે દૂધ આપતી થાય તે પહેલાંની ભેંશની આવૃત્તિ! ‘ચોવક’ને ગુજરાતીમાં આ રીતે શકાય: ‘લાડી અને પાડી નિવડે જ વખાણાય’ આ ‘નિવડે’ શબ્દ બહુ મહત્ત્વનો છે આ ચોવકમાં. ‘પાડી’ની ફળદ્રુપતા અપેક્ષિત છે. તો ‘લાડી’માં તે ઉપરાંત, ‘વર’, ‘વટ’ અને ‘વ્યવહાર’ સાચવવા જેવા ગુણ અને સંસ્કાર અપેક્ષિત છે.
હવે એ જ ચોવક પ્રતીકો બદલીને પણ કચ્છી ભાષામાં જોવા મળે છે, જેમ કે ‘હોડી નેં નોં અગીયાં વેંધે ઓરખાજે’ હોડી એટલે હોડી - નાવ અને ‘નોં’ એટલે ઘરની વહુ. કહે છે કે બંનેનો સાચો પરિચય તો સમય જતાં જ થાય. પહેલી કહેવતનો અર્થ જ અહીં અભિપ્રેત છે, પણ જરા જુદી રીતે.
એક કહેવત છે: ‘અધ છડે સજીલા ન ધોડ જે’ કમાલજી ચોવક આય! જે મળ્યું તેમાં સંતોષ માની લેવાનો? અડધો રોટલો મળતો હોય તો આખા રોટલા માટે મહેનત નહીં કરવાની? સીધોસટ અર્થ એજ થાય પણ ગર્ભિત સંકેત છે, તેમાં સલાહ છે. આવક મેળવવા આંકરાંતિયા ન થવાની સલાહ. નીતિથી ચાલવાની સલાહ. જે મળે છે તે છોડી દઈને ‘વધુ મેળવવાનો દાવ ન રમાય. જે મળે છે તે જાળવી રાખીને ‘સજીલા’ ધોડ કાઢજે!
એક બીજી કહેવતમાં મૂળભૂત જરૂરિયાતોના અભાવને અદ્ભુત રીતે વણી લેવામાં આવ્યો છે. ‘અન, વસતર નેં આબરૂ તાંણ ફકત ત્રીંજી’ અન એટલે અનાજ, વસતર એટલે વસ્ત્રો અને આબરૂ એટલે પ્રતિષ્ઠા. ગુજરાતીમાં પણ આપણે આબરૂ કહીએ છીએ. ‘તાંણ’ એટલે ‘અભાવ’ ચોવકમાં કહેવા મુજબ ત્રણ વસ્તુઓનો જીવનમાં અભાવ છે. ‘અન્ન, વસ્ત્ર અને આબરૂ’. મૂળભૂત જરૂરિયાતોના અભાવની કરુણતા છલકે છે, એ ચોવકમાં અને છેલ્લે: ‘અછી ગંધી આધીયો, છીંટજા છ ઢીંગલા, કચ્છી કપડ્ કોરી.’