Tue Oct 06 2026

Logo

તેલ વર્ષ 2025-26માં સોયાબીનની આયાત વધીને નવ લાખ ટન થવાનો સોપાનો અંદાજ

2026-06-16 19:48:22
Author: Ramesh Gohil
તેલ વર્ષ 2025-26માં સોયાબીનની આયાત વધીને નવ લાખ ટન થવાનો સોપાનો અંદાજ

નવી દિલ્હીઃ સોયાબીન પ્રોસેસિંગ ઉદ્યોગનાં સંગઠન સોયાબીન પ્રોસેસર્સ એસોસિયેશન ઑફ ઈન્ડિયા (સોપા)એ સ્થાનિકમાં સોયાબીનની ઓછી ઉપલબ્ધિને ધ્યાનમાં લેતા તાજેતરમાં ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલા તેલ વર્ષ 2025-26 માટેનો સોયાબીનની આયાતનો અંદાજ જે અગાઉ છ લાખ ટનનો મૂક્યો હતો તે વધારીને નવ લાખ ટનનો મૂક્યો છે. જોકે, ગત વર્ષ 2024-25ની મોસમમાં સોયાબીનની આયાત માત્ર 2000 ટનની સપાટીએ રહી હતી. 

આ વર્ષે સોયાબીનની ઓછી ઉપલબ્ધિને ધ્યાનમાં લેતા આયાતનો અંદાજ જે અગાઉ અમે છ લાખ ટનનો મૂક્યો છે તે વધારીને નવ લાખ ટન કર્યો હોવાનું સોપાના અક્ઝિક્યુટીવ ડિરેક્ટર ડી એન પાઠકે એક યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે આ ઉપરાંત અમે સોયાબીનનાં પીલાણનો અંદાજ પણ જે અગાઉ 102 લાખ ટનનો મૂક્યો હતો તે સાધારણ વધારીને 104 લાખ ટનનો મૂક્યો છે. તેમ જ સોયાબીન ખોળની નિકાસનો અંદાજ જે અગાઉ 10 લાખ ટનનો મૂક્યો હતો તે વધારીને 11 લાખ ટનનો મૂક્યો છે. 

યાદીમાં જણાવ્યાનુસાર વર્તમાન તેલ મોસમમાં સોયાબીનનો આગલી મોસમનો સ્ટોક અને ઉત્પાદન સહિત કુલ પુરવઠો આગલી મોસમના 137.76 લાખ ટન સામે ઘટીને 117.92 લાખ ટન રહેવાનો અમે અંદાજ મૂકવામાં આવ્યો છે.