Wed Jun 17 2026

Logo

ગુજરાતના ત્રણ શહેરની મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

2026-06-17 12:51:00
Author: Vimal Prajapati
Article Image

સુરત / જામનગર / વડોદરાઃ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અનેક શહેરોમાં બોમ્બની ધમકીઓ મળી રહી છે. જો કે, તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા કોઈ શંકાસ્પદ સામે આવતી નથી. તપાસ બાદ તમામ ધમકીઓ પોકળ અને ખોટી હોવાનું પુરવાર થતું હોય છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જામનગર, સુરત અને વડોદરા શહેરની મહાનગરપાલિકાને બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલઈ દ્વારા મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ત્રણેય શહેરની મનપાને બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને સઘન તપાસ શરૂ કરી દીધી છે. 

મહાનગરપાલિકાઓને ઈ-મેલ મારફતે ધમકી મળી

વિગતે વાત કરવામાં આવે તો, વડોદરા મહાનગરપાલિકાને સવારે 9:06 વાગ્યે ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, મેયર કચેરી અને મહાપાલિકા કમિશનરને ઈ-મેલ મારફતે ધમકી આપવામાં આવી છે. જેમાં મેયર ઓફિસ, કમિશનર કચેરી અને શાળાઓને નિશાન બનાવવાની ચીમકી આપવામાં આવી છે. આ ઈમેઈલમાં આગામી 18 જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે હુમલાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ ધમકી ખાલિસ્તાનના નામે મોકલાઈ હોવાનું જાણવા મળ્યું છે. બોમ્બની ધમકી મળતાની સાથે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. 

બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ સાથે સાથે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડીંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સાથે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અત્યારે સમગ્ર મહાનગરપાલિકા કચેરીને ખાલી કરાવી દેવામાં આવી છે. વિવિધ કામગીરી માટે કચેરીમાં આવેલા લોકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યાં છે. અત્યારે બોમ્બ સ્ક્વૉડ અને ડોગ સ્ક્વૉડની ટીમો દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ટીમ દ્વારા મહાનગરપાલિકાના તમામ વિભાગો, રૂમ અને પાર્કિંગ સહિત આસપાસના વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા અને જામનગર સાથે સાથે સુરત મહાનગરપાલિકાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરત મહાનગરપાલિકાની કચેરીને પણ આ જ પ્રકારે ધમકીભર્યો મેઈલ આવ્યો છે. આ મામલે જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો, ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ અને કચેરી વિસ્તારનું સઘન ચેકિંગ હાથ ધરી દીધું છે. હજી સુધી કોઈ શંકાસ્પદ બાદ સામે નથી, તેમ છતાં પણ અત્યારે પાસ ચાલી રહી છે.