Tue Jun 16 2026

Logo

ચાંદી રૂ. 2309 ગબડી, સોનામાં રૂ. 17નો ધીમો સુધારો

2026-06-16 19:57:03
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
પશ્ચિમ એશિયામાં તણાવ હળવો થતાં ક્રૂડતેલના ભાવ ઘટી આવતા ફુગાવામાં વધારો થવાની ચિંતામાં ઘટાડો અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે તેવો આશાવાદ સપાટી પર આવતાં આજે લંડન ખાતે સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આગળ વધ્યો હતો. જોકે, આજથી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક શરૂ થઈ રહી હોવાથી રોકાણકારોએ અમુક અંશે સાવચેતીનો અભિગમ પણ અપનાવ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં  ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 2309 ગબડી ગયા હતા, જ્યારે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 17નો સાધારણ સુધારો આવતાં એકંદરે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે ચાંદીમાં ગઈકાલના ઉછાળા પશ્ચાત્‌‍ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2309ના ઘટાડા સાથે રૂ. 2,49,179ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત છૂટીછવાઈ રોકાણલક્ષી માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 17ના સુધારા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,50,060 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,50,663ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 4341.39 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 4363 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.5 ટકા વધીને આૈંસદીઠ 70.37 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આગામી શુક્રવારે ઈરાન સાથે શાંતિકરાર થશે સહીસિક્કા થયા બાદ તેની લેખિત પ્રત જાહેર કરવામાં આવશે અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ પણ સંપૂર્ણપણે ખોલી નાખવામાં આવશે. શાંતિકરારના આ અહેવાલોને પગલે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવતા ફુગાવાલક્ષી દબાણનું જોખમ હળવું થતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો ન કરે તેવા આશાવાદે સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું એક્ટિવ ટ્રેડનાં વિશ્લેષક રિકાર્ડો ઈવાનજેલિસ્ટાએ જણાવ્યું હતું. 

ફુગાવાલક્ષી દબાણ હળવું થતાં આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર અમેરિકી ફેડરલ રિઝર્વ ડિસેમ્બરના અંત સુધીમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો જે અગાઉ 70 ટકા વ્યક્ત થઈ રહી હતી તેની સામે હવે ઘટીને 56 ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે, હવે રોકાણકારોનું ધ્યાન આવતીકાલે સમાપન થતી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. એકંદરે બેઠકના અંતે વ્યાજદર યથાવત્‌‍ રાખવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ ફેડરલના નવાં અધ્યક્ષ કેવિન વાર્શ ભવિષ્યની નાણાનીતિ અંગે કેવો અણસાર આપે છે તેના પર બજાર વર્તુળોની મીટ મંડાયેલી રહેશે.