Wed Jun 17 2026

Logo

વિશ્વની આ ટોચની પિત્ઝા બ્રાન્ડ અધધધ 27 લાખ કરોડમાં વેચાઈ, જાણો કોણે ખરીદી ?

2026-06-17 13:51:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ વિશ્વની ટોચની પિત્ઝા બ્રાન્ડ પિત્ઝા હટ અધધ 27 લાખ કરોડમાં વેચાઈ હતી. જાણીતી પિત્ઝા બ્રાન્ડને  ઈક્વિટી ફર્મ લૉન્ગરેંજ કેપિટલ અને યમ ચાઈના હોલ્ડિંગ્સે ખરીદી હતી.

યમ બ્રાન્ડની આ કંપનીને 2.7 બિલિયન ડૉલરમાં વેચાઈ હતી. કંપનીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, તેમણે પિત્ઝા હટના કારોબારને વેચવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ શેરહોલ્ડર્સ માટે વધારે વેલ્યુએશન કરવા અને બીજી ગ્લોબલ રેસ્ટોરાં બ્રાન્ડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશથી સમીક્ષા કરી હતી, જે બાદ આ નિર્ણય લેવાયો હતો. કંપની મુજબ, પિત્ઝા હટને વેચવા માટે નવેમ્બર 2025માં વાતચીત શરૂ થઈ હતી અને સમીક્ષા બાદ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મળતી વિગત પ્રમાણે, ચીનની બહાર પિત્ઝા હટનો કારોબાર આશરે 1.5 બિલિયન ડૉલરમાં લૉન્ગરેંજ કેપિટલને વેચવામાં આવશે, જ્યારે પિત્ઝા હટ ચાઈનાનું અધિગ્રહણ યમ ચાઈન હોલ્ડિંગ્સમાં આશરે 1.2 બિલિયન ડૉલરમાં કરાશે.

કંપનીના જણાવ્યા અનુસાર, તેના નેતૃત્વ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તારણ કાઢ્યું છે કે અલગ-અલગ માલિકી હક ધરાવતા સ્ટ્રક્ચર્સ, પિત્ઝા હટના લોંગ ટર્મ ગ્રોથ માટે વધુ સારી તકો પૂરી પાડશે અને સાથે જ શેરધારકો માટે પણ ફાયદાકારક રહેશે. કંપનીએ જણાવ્યું કે નવા માલિકો પાસે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનો વ્યાપક અનુભવ છે અને તેઓ પોતપોતાના બજારોની જરૂરિયાતો અનુસાર વ્યૂહરચનાઓ તૈયાર કરશે.

2.3 બિલિયન ડૉલર ઉપરાંત પણ મળી શકે છે રકમ

કંપનીને આશા છે કે ટેક્સ, ટ્રાન્ઝેક્શન ચાર્જિસ  અને અન્ય એડજસ્ટમેન્ટ્સ બાદ તેને આશરે 2.3 બિલિયન ડૉલરની ચોખ્ખી રકમ મળશે. આમાં સંભવિત વધારાની પર્ફોર્મન્સ-બેઝ્ડ ચુકવણી સામેલ નથી. જો કેટલાક નિર્ધારિત પર્ફોર્મન્સ લક્ષ્યાંકો હાંસલ કરવામાં આવે, તો કંપનીને વર્ષ 2030 સુધીમાં લોન્ગરેન્જ કેપિટલ સાથે થયેલા કરાર હેઠળ વધારાના 75 મિલિયન ડૉલર પણ મળી શકે છે.

પિત્ઝા હટથી અલગ થયા પછી યમ બ્રાન્ડ્સનું પૂરું ધ્યાન તેની અન્ય મોટી બ્રાન્ડ્સ KFC અને Taco Bell પર રહેશે. કંપની આ બંને બ્રાન્ડ્સના વિસ્તાર અને ડિજિટલ બિઝનેસને મજબૂત બનાવવા પર ભાર મૂકશે. બિઝનેસના ટ્રાન્ઝિશનમાં કોઈ મુશ્કેલી ન આવે  તે માટે પિત્ઝા હટને ટેકનિકલ સપોર્ટ અને કેટલીક અન્ય સર્વિસિસ પહેલાંની જેમ જ મળતી રહેશે.  કંપનીનું કહેવું છે કે ગ્રાહકો અને ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ પર કોઈ અસર ન પડે તે માટે આ ફેરફાર આયોજનપૂર્વક કરાશે.

ભારતમાં પણ જોવા મળી અસર

ભારતમાં  યમ બ્રાન્ડ્સ હેઠળ પિત્ઝા હટ, KFC અને Taco Bell જેવી ફેમસ ફૂડ બ્રાન્ડ્સ ઓપરેટ થાય છે. દેશભરમાં આ બ્રાન્ડ્સના 2,000 થી વધુ આઉટલેટ્સ આવેલા છે. પિત્ઝા હટના વેચાણના સમાચાર સામે આવ્યા પછી ભારતીય શેરબજારમાં પણ તેની અસર જોવા મળી હતી. 

જો કે, નિષ્ણાતોનું માનવું છે કે આ ડીલ લાંબા ગાળે યમ બ્રાન્ડ્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને કંપનીને તેના મુખ્ય બિઝનેસ પર વધુ ધ્યાન આપવાની તક મળશે.