Wed Jun 17 2026

Logo

કચ્છી ચોવક: એ વરસાદનાં એંધાણ બતાવે છે

2026-06-17 08:48:59
Author: કિશોર વ્યાસ
Article Image

કિશોર વ્યાસ

કચ્છમાં લોકો ચાતકની નજરે સારા અને સમયસર વરસાદ પડે તેની રાહ જોઈ રહ્યા છે. કચ્છ બહાર વસતો કચ્છીમાડૂ ત્યારે જ ભીંજાશે જ્યારે કચ્છમાં વરસાદ પડશે! તો ચાલો આજે વરસાદને નક્ષત્રો અને ઋતુઓ સાથે કેવા સંબંધો છે તે અંગેની ચોવકો માણીએ...!

ઋતુ કોઈ પણ હોય પરંતુ વરસાદની એંધાણી છે, આકાશની લાલિમા! ચોવક કહે છે : ‘અભ રતો ત મીં મતો’ ‘અભ’ એટલે  આકાશ, ‘રતો’ એટલે લાલ કે રતાસ, ‘મીં’ એટલે વરસાદ અને ‘મતો’ એટલે તો, વરસાદ પડે! અર્થ એવો થાય છે કે જો આકાશ લાલ રંગનું થાય એ વરસાદ વરસવાની એંધાણી છે.

વળી, અંધી નક્ષત્રના વરસાદનો કોઈ ભરોસો ન રખાય તેવું પણ ચોવકો કહે છે: ‘અંધી ચગઈત ચગઈ નેં ફગઈ ત ફગઈ’ ‘અંધી’ નક્ષત્ર છે, ‘ચગઈ’ એટલે જામી અને ‘ફગઈ’ એટલે વરસાદ પડ્યા વગર એ નક્ષત્રના  દિવસો ચાલ્યા જવા...! એવી પણ અર્થસભર ચોવક છે, એજ નક્ષત્ર માટે કે, ‘અંધી વસંધે અંધારો’ મતલબ કે અંધી નક્ષત્રમાં વરસાદ વરસે એ સારું ન કહેવાય! 

વરસ નબળું જાય! ઘણીવાર ઝરમર વરસાદ અંધી નક્ષત્રમાં પડતો હોય છે, એમ એક ચોવક કહે છે: ‘અંધી વિઠી અખીયૂં, ગિરમાઈંધી’ એ નક્ષત્રની ઝરમર આંખોને જરૂર મોજ કરાવે, પણ ખેડૂત માટે એ વરસાદ સારો નથી ગણાતો એવું જ ‘અસ્મી’ નક્ષત્રને કહેવાય છે. ‘અસ્મી ગરંધે અન જા નાશ’ અસ્મી નક્ષત્રનો વરસાદ પણ અનાજના પાક માટે સારો નહીં.

આદ્રા નક્ષત્રમાં પણ એવું માનવામાં આવે છે કે ‘આધર કરે સાધર’ એટલે કે એ નક્ષત્રમાં પણ જાણે ભેજ થાય તેવો જ વરસાદ પડે! એક ‘ઉત્તરા’ નક્ષત્ર એવું છે કે ‘ઉતરા ત બધો જોતરા’ આ નક્ષત્રમાં જો વરસાદ પડે તો, પોખ સારી થાય છે. ચોવક કહે છે કે, ‘ઘેલી ચિત્રા કરે ખેલ, બરે બિપોરેં આંણે રેલ’ મતલબ કે ચિત્રા નક્ષત્રમાં જો વરસાદ પડે તો પણ વરસ સારું જાય! એવું જ ‘હાથીઆ’ નક્ષત્રનું છે. ‘જ વસે હાથીઓ, ત મોતીયેં જો સાથીઓ’ આ નક્ષત્રમાં જો વરસાદ પડે તો પણ વરસ ભર્યું-ભાદર્યું બની જાય! પણ પાછું, ‘ભયણી’ માટે તો એવું કહેવાય છે કે એ નક્ષત્રમાં જો વરસાદ પડે તો ઘર ચલાવવામાં પણ તકલીફ પડે તેવી માઠી અસર થાય છે: 

‘જ વસે ભયણી, ત પેણ્યો છડે પયણી’  ચોવકનો શબ્દાર્થ તો એવો છે કે જો ભયણી નક્ષત્રમાં વરસાદ વરસે તો એવી તકલીફ ઊભી થાય છે, પરણ્યો પોતાની પરણેતરને છોડી દે! તો વળી, પુષ્ય નક્ષત્ર કે જેને કચ્છીમાં ‘પુખ’ બોલાય છે, તેમાં જો વરસાદ પડે તો તે અતિશય લાભકારક હોય છે. ‘પુખ જો પાણી, નેં અમૃત વાણી!’ પૂર્વા નક્ષત્રમાં જો કચ્છમાં વરસાદ પડે તો કચ્છમાં સુખના દિવસો આવે... ‘પૂરભડી વ્યો કચ્છ વારે!’

‘મઘા’ અને ‘અશ્ર્લેષા’ માટે કહેવાય છે કે ‘મઘાજા મુંડ, અશ્ર્લેષા જા ચોરા, પોય ધાંઈ મેડે ધોરા’ મતલબ કે એ નક્ષત્રમાં વરસાદ પડે તો મગ અને ચોળાનો પાક સારો થાય. રોહિણી નક્ષત્રમાં મેઘગર્જના થાય તેને શુકન માનવામાં આવે છે. ચોવક છે: ‘રોંણ ગજે ત ઢૉલ વજે’ ‘રોંણ ગજે, બૌતેરો બારે’.

વરસાદનાં એંધાણ તો ચૈત્ર મહિનાથી મળતાં થઈ જાય છે. ‘ચૈતર ચોખો ત વરેં ચોખો’ ચૈત્ર મહિનામાં વરસાદનું બુંદ પણ ન પડવી જોઈએ! એવું જ વૈશાખ મહિનાનું છે. ‘ચૈતર તપે ને વૈશાખ વાય, ચોમાસે મેં ગજણ ગીત  ગાય’ આ બે મહિના પર સમગ્ર ચોમાસાનો આધાર હોવાનું ચોવક જણાવે છે. જેઠ મહિનામાં વરસાદ પડે એ તો જાણે પહેલા ખોળાના પુત્ર જન્મ જેવો આનંદ થાય! ‘જેઠીયા મીં નેં પુણેંઠી જો પુતર’ પાછું એવું પણ માનવામાં આવે છે કે, જેઠ મહિનો બેસે તેના આગલા દિવસોમાં જો આકાશમાં વીજળી થાય તો પછી બૌંતેર  દિવસ સુધી વરસાદ ન પડે! ‘જેઠીયા મૂર ખિવેંત, બોંતેરો લગે!’

વરસાદ માટે આષાઢ અને શ્રાવણ મહિના પર મોટો મદાર હોય છે. ‘અષાઢ જા બ ડીં સારા, આઠમ-પૂનમ ઘોર અંધારા’ અષાઢી પૂનમના રોજ જો ચંદ્ર ડૂબે તો ચોમાસું સારું થાય. ‘આષાઢી પૂનમ, ચંધર બુડે, ચોટે ચોમાસો, છડયો ન છડે’ અષાઢી બીજ તો કચ્છી નવું વર્ષ! ‘અષાઢી બીજ, વરડ કાં વીજ’ વરસાદના વાદળાં  ને વીજળી જોવા મળે તો એ સારા સંકેત ગણાય છે.

શ્રાવણ મહિનાનો વરસાદ સરોવરો છલકાવનારો ગણાય છે. ચોવક છે: ‘શ્રાંણ જા સરવરીયા’ અને જો શ્રાવણ અધિક માસ હોય તો ‘અધીક મેંણૂં શ્રાંણ અચે, ત ચોમાસો મચ્યો મચે’ અધિક શ્રાવણ સારો ગણાય છે. શ્રાવણ મહિનામાં આવતો દીવાસાનો દિવસ વરસાદ માટે સારો ગણાય છે. કહેવાય છે કે, ‘ડીવાસો મીં જો માસો’ અને ‘રુઠો મીં ડીવાસે વરે.’

કચ્છમાં અલગ અલગ વિસ્તારમાં પહેલો વરસાદ થાય તેના પર કચ્છના ભવિષ્યનો આધાર ગણાય છે. ચોવક કહે છે તે મુજબ: ‘કંઠી વસે કરવડો, વાગડ વસે ડુણર, જ વસે ગેડો, ત કચ્છ તેં અલીલ સુગાર.’