Tue Jun 16 2026

Logo

ડૉલર સામે રૂપિયામાં બે પૈસાની નરમાઈ

2026-06-16 19:54:56
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
પશ્ચિમ એશિયામાં તણાવ હળવો થતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 200.05 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન એક તબક્કે 102 પૈસા મજબૂત થયા બાદ અંતે સાધારણ બે પૈસાની નરમાઈ સાથે 94.60ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે વિશ્વ બજારમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ઘટી આવતા રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.58ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 94.69ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.71 અને ઉપરમાં 93.56ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસા ઘટીને 94.60ની સપાટીએ બંધ રહ્યો હતો. 

એકંદરે વૈશ્વિક સ્તરે જોખમી પરિબળોમાં થયેલા ઘટાડાની સાથે ક્રૂડતેલના ભાવ ઘટી આવતા ફુગાવામાં ઘટાડાની શક્યતા અને ઈક્વિટી માર્કેટમાં વિદેશી ફંડોનો આંતરપ્રવાહ જોવા મળે તેવા આશાવાદને ધ્યાનમાં લેતા આગામી સમયગાળામાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં 94.10થી 94.90 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી. વધુમાં સીઆર ફોરેક્સ એડ્વાઈઝરના મેનેજિંગ ડિરેક્ટર અમીત પાબારીએ જણાવ્યું હતું કે ભારત તેની ક્રૂડતેલની કુલ આવશ્યકતા પૈકી 90 ટકા આયાત કરે છે અને ક્રૂડતેલના ભાવ ઘટી આવતા તેની રૂપિયા પર સકારાત્મક અસર થતી હોય છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.68 ટકા ઘટીને બેરલદીઠ 81.77 ડૉલર આસપાસ અને ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.01 ટકા ઘટીને 99.61 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 544.15 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 135.25 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.