Tue Oct 06 2026

Logo

કચ્છમાં અસહ્ય બફારા વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ: ભુજ સહિતના વિસ્તારોમાં અમીછાંટણા

2026-06-17 13:47:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં અસહ્ય બફારા વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ: ભુજ સહિતના વિસ્તારોમાં અમીછાંટણા

ભુજઃ મેઘતૃષ્ણાનાં મુલક સમા કચ્છમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસાદી છાંટા પડતાં નજીકના દિવસોમાં ચોમાસાનું સત્તાવાર આગમન થાય તેવી આશા પ્રબળ બની છે. ખાસ કરીને જિલ્લાના સરહદી રણકાંધીના વિસ્તારો તેમજ મુંદરા અને નખત્રાણા તાલુકાના કેટલાંક ગામોમાં વહેલી સવારે જમીન ભીંજાય તેવો હળવો વરસાદ વરસ્યો હતો, જ્યારે બુધવારે સવારે આઠેક વાગ્યે ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ છુટો છવાયો વરસાદ પડ્યો હતો. 

હવામાન વિભાગે આ વાતાવરણને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ ગણાવ્યો છે. બીજી તરફ, જિલ્લામાં સરેરાશ 15 થી 20 કિલોમીટરની ઝડપે વેગીલો વાયરો ફૂંકાવાનું યથાવત રહ્યું હતું, જેના કારણે હાઈવે અને ગ્રામ્ય માર્ગો પર ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળી હતી. પવન હોવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને લીધે અસહ્ય બફારા અને ઉકળાટે નાગરિકોને મૂંઝવી મૂક્યા હતા.  

કચ્છમાં સરેરાશ મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 28 થી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહીમાં વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નકારી છે, પરંતુ આ છૂટાછવાયાં વરસાદી ઝાપટાંને પગલે ધરતીપુત્રોમાં સારા ચોમાસાને લઈને આશા પ્રબળ બની છે.

(ઉત્સવ વૈદ્ય)