Wed Jun 17 2026

Logo

સંજય રાઉત 2 સાંસદો સાથે સ્પીકરને મળવા પહોંચ્યા, બળવાખોરો વિરુદ્ધ એકશનમાં શિવસેના UBT

2026-06-17 13:37:00
Author: mumbai samachar team
Article Image

મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના બળવાખોર સાંસદો નવી દિલ્હી પહોંચી ગયા છે. દરમિયાન પાર્ટીમાં ભંગાણના સમાચાર ખોટા સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે UBTના બે સાંસદો - રાજાભાઉ વાજે અને સંજય પાટીલે શિંદે જૂથમાં જોડાવાની અટકળોને નકારી કાઢી છે. તેમના નિવેદન પછી મહારાષ્ટ્રમાં UBTના બળવાખોરોની આખી રમત પલટાતી જોવા મળી રહી છે. જો કે, સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે UBTના બળવાખોર સાંસદો થોડી વારમાં લોકસભા સ્પીકરના નિવાસસ્થાને મુલાકાત કરી શકે છે. બીજી તરફ ઉદ્ધવ જૂથે સ્પીકરને બળવાખોર જૂથને  માન્યતા ન આપવાની માંગ કરી છે. 

લોકસભામાં UBTના બળવાખોર સાંસદોને પક્ષાંતર માટે 7 સાંસદોના સમર્થનની જરૂર છે, કારણ કે લોકસભામાં UBTના સાંસદોની કુલ સંખ્યા 9 છે. આ પહેલા માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી ઇમરજન્સી બેઠકમાં નવમાંથી માત્ર ચાર જ સાંસદો પહોંચ્યા હતા, જેને કારણે પાર્ટીમાં મોટા ભંગાણના સમાચારોને વેગ મળ્યો હતો.

દરમિયાન એવી માહિતી મળી રહી છે કે શ્રીકાંત શિંદે અત્યારે સ્પીકર (અધ્યક્ષ)ને નથી મળી રહ્યા. સૌથી પહેલા બળવાખોર જૂથે સ્પીકરને પત્ર સોંપવો પડશે, ત્યાર બાદ જ મુલાકાત થઈ શકે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે સવારે શિંદેના નિવાસસ્થાને પણ કોઈ બેઠક થઈ નથી.