Thu Jul 23 2026

Logo

મહારાષ્ટ્રના ચાર જિલ્લામાં ‘ઑરેન્જ એલર્ટ’ જાહેર, મુંબઈમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ...

2026-07-23 09:14:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રમાં થોડા દિવસોના વિરામ બાદ ફરી એકવાર મોનસૂન સક્રિય થતાં રાજ્યભરમાં મેઘમહેર શરૂ થઈ છે. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પડેલા મુશળધાર વરસાદ બાદ હવામાન શાંત થયું હતું, પરંતુ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમના કારણે મધ્ય ભારતમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

4 જિલ્લામાં ‘ઑરેન્જ એલર્ટ’ અને મુંબઈની સ્થિતિ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્રના બંડારા, ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાઓ માટે આગામી 72 કલાક માટે 'ઑરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ 100 mm કરતા પણ વધુ ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજધાની મુંબઈમાં પણ સતત વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અને શહેર માટે 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. મુંબઈમાં પણ આજે ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

નદી-નાળાં છલકાવાની શક્યતા, તંત્ર એલર્ટ મોડ પર

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, લો-પ્રેશર સિસ્ટમ પૂર્વ વિદર્ભ અને આસપાસના વિસ્તારોમાં મજબૂત બની છે. તેના કારણે આગામી 48 કલાકમાં નાગપુર, વર્ધા અને પશ્ચિમ વિદર્ભમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મૂશળધાર વરસાદ પડી શકે છે. ભારે વરસાદથી નદીઓ, નાળાં અને જળાશયોમાં પાણીની આવક ઝડપથી વધી શકે છે. પૂરની શક્યતા ધરાવતા વિસ્તારો અને નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

સુકાઈ રહેલા પાકને નવું જીવન મળતા ખેડૂતોમાં હરખ

વરસાદની આ વાપસીથી ખાસ કરીને વિદર્ભના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતાં સોયાબીન, કપાસ, તુવેર અને મકાઈ જેવા ખરીફ પાકો સુકાઈ રહ્યા હતા. પરંતુ હવે વરસાદ શરૂ થયો હોવાના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. સોમવારથી શરૂ થયેલા વરસાદથી જમીનને જરૂરી ભેજ મળી રહ્યો છે. આ વરસાદ ખરીફ પાકના વિકાસ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.