Tue Sep 15 2026

Logo

વલસાડના ઉમરગામમાં બે કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ, ઔરંગા નદી ગાંડીતૂર

2026-07-23 09:18:00
Author: Mayur Patel
વલસાડના ઉમરગામમાં બે કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ, ઔરંગા નદી ગાંડીતૂર

વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. આ વખતે વરસાદે વલસાડનો વારો પાડ્યો છે. આજે સવારના બે કલાકમાં જ વલસાડના ઉમરગામમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ઔરંગા નદી ગાંડીતૂર બની છે. શહેરના ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે અને  નીચાણવાળા વિસ્તારમાં તો મકાનના એક માળ ડૂબી ગયા છે. વલસાડમાં જળબંબાકારની સ્થિતિ છે. દાણા બજાર વિસ્તારમાં અસંખ્ય વાહનો ડૂબી ગયા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ સવારે 6 થી 8 ના સમયગાળામાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના ઉમરગાવમાં  સૌથી વધુ 7.20 ઇંચ,  સુરતના ઉમરપાડામાં 5.12 ઇંચ, વલસાડના પારડીમાં 3.70 ઇંચ, વલસાડના કપરાડામાં 3.31 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 3.27 ઇંચ, વલસાડના ધરમપુરમાં 2.99 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.56 ઇંચ, ભરૂચમાં 2.28 ઇંચ, વલસાડના વાપીમાં 2.28 ઇંચ, ડાંગમાં 2.24 ઇંચ વરસાદ વરસ્યો હતો.

સમગ્ર વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને આંતરિક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક સ્થળોએ વાહનવ્યવહાર થંભી ગયો છે અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

વલસાડ જિલ્લાની તમામ શાળાઓ રજા જાહેર

વલસાડ જિલ્લા કલેક્ટલના આદેશથી અતિભારે વરસાદના કારણે અવર-જવરમાં મુશ્કેલી થતી હોવાથી અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે આજે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જો શક્ય હોય તો ઓનલાઈન શિક્ષણ આપી શકાશે. કલેક્ટરના નિર્દશનું તમામ શાળાઓને પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આજે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલમાં રેડ ઍલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરુચ, સુરત, ભાવનગર, અમરેલી, બોટાદમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.