Wed Jun 17 2026

Logo

અમેરિકાના પેસેફિક કમાન્ડે ભારતનો ખોટો નકશો દર્શાવ્યો, PoKને પાકિસ્તાનમાં બતાવ્યું

Wasington D.C.   2026-06-17 12:09:00
Author: mumbai samachar team
Article Image

Image Credit : Instagram


વોશિંગ્ટન: અમેરિકાના સંરક્ષણ વિભાગે 'ઇન્ડો-પેસિફિક કમાન્ડ'નું નામ બદલીને 'પેસિફિક કમાન્ડ' કરી દીધું છે. આ ભારત માટે એક વ્યૂહાત્મક સંદેશ છે, પરંતુ તેણે જે નવો નકશો જાહેર કર્યો છે તેમાં ભારતના નકશા સાથે છેડછાડ કરવામાં આવી છે. યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડે ભારતના એક ખોટા નકશાનો ઉપયોગ કર્યો છે, નકશામાં આખું જમ્મુ-કાશ્મીર નથી બતાવ્યું, એટલું જ નહીં PoKને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો છે. આ નકશામાં ભારતને આછા લીલા રંગથી દર્શાવવામાં આવ્યું છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના ઉત્તરી અને પશ્ચિમી ભાગો (PoK અને અક્સાઈ ચીન)ને ભારતના મુખ્ય લીલા રંગના નકશામાંથી બહાર રાખવામાં આવ્યા છે.

આ નકશો એવા સમયે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડનું નામ બદલીને 'પેસિફિક કમાન્ડ' કરવામાં આવ્યું છે. બીજી તરફ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની છે. મોદી-ટ્રમ્પની મુલાકાત પહેલા જ અમેરિકાએ ભારતનો નકશો ખોટી રીતે દર્શાવતા એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. આ નકશામાં ભારતની સરહદોની બરાબર વચ્ચેથી એક કાળી રેખા પસાર થઈ રહી છે, જે અમેરિકી સૈન્ય કમાન્ડના કાર્યક્ષેત્રને વિભાજિત કરે છે.

અમેરિકાએ ભારતનો ખોટો નકશો દર્શાવ્યો

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સતત ભારત વિરોધી નિર્ણયો લઈ રહ્યું છે. તેણે ફરી એકવાર ભારત વિરોધી પગલું ભર્યું છે. ભારત પોતાની સમગ્ર જમીની અને દરિયાઈ સરહદની સુરક્ષાને અખંડ માને છે, પરંતુ અમેરિકી સૈન્ય કમાન્ડનો આ નકશો ભારતના પશ્ચિમી પાડોશી પાકિસ્તાન અને ભારતને બે અલગ-અલગ સૈન્ય કમાન્ડો (CENTCOM અને INDOPACOM)માં વહેંચીને જુએ છે.  નકશામાં સ્પષ્ટ દેખાય છે કે (POJK - પાક અધિકૃત જમ્મુ-કાશ્મીર) એ USPACOM) ના કાર્યક્ષેત્ર (AOR) નો ભાગ નથી. તમે આ નકશાની સરખામણી ભારતના સત્તાવાર નકશા સાથે કરી શકો છો.

અમેરિકાએ જે નકશો દર્શાવ્યો છે તેમાં પાકિસ્તાન USCENTCOM હેઠળ દેખાઈ રહ્યું છે. ભારતની પશ્ચિમે આવેલું પાકિસ્તાન આ કમાન્ડના કાર્યક્ષેત્રની બહાર હોવાના કારણે તેને આછા કથ્થઈ/સફેદ રંગમાં દર્શાવવામાં આવ્યું છે. જોકે, આ નકશામાં અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે 'ઇન્ડો-પેસિફિક કમાન્ડ'નું નામ બદલીને 'પેસિફિક કમાન્ડ' કરવાનો અર્થ એ છે કે પેકોમ (PACOM) ની વાપસી થઈ ગઈ છે. આ એક વિચિત્ર વાત છે કે ટ્રમ્પ 1.0 (પ્રથમ કાર્યકાળ) માં તેનું નામ બદલીને ઇન્ડોપેકોમ (INDOPACOM) કરવામાં આવ્યું હતું અને હવે ટ્રમ્પ 2.0 (બીજા કાર્યકાળ) માં પોતાના જ નિર્ણયને ફેરવી નાખવામાં આવ્યો છે.

ટ્રમ્પ 2.0 'ઇન્ડો-પેસિફિક'ને એક જિયો-સ્ટ્રેટેજિક ફ્રેમ તરીકે નવી નજરે જોઈ રહ્યા છે. વાસ્તવમાં, તેમણે સત્તાવાર નિવેદનોમાં ઘણી વખત 'એશિયા-પેસિફિક' શબ્દનો ઉપયોગ પણ કર્યો છે. આનાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તેઓ ચીન સાથે વધુ જોડાણ વધારવાનું વિચારી રહ્યા છે, નહીં કે તેની સામે આક્રમક વલણ અપનાવવાનું. બીજી તરફ, ભારતનો ખોટો નકશો દર્શાવવાનો અર્થ ટ્રમ્પ વહીવટીતંત્રનો પાકિસ્તાન પ્રત્યેનો તાજેતરનો લગાવ છે.