નવી દિલ્લીઃ દેશના ચાર રાજ્યોમાં નમો સિટી બનશે. આ માટે 5000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નેશનલ કેપિટલ રીઝન (NCR)માં ચાર ગ્રીનફિલ્ડ નમો સિટી વિકસાવવામાં આવશે.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન મનોહર લાલે જણાવ્યું કે, નેશનલ કપિટલ રીજનમાં (NCR) ચાર ગ્રીનફિલ્ડ નમો સિટી વિકસાવાશે. દિલ્લી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં એક-એક જિલ્લા માટે પાંચ વર્ષમાં 5000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. NCRનો વર્તમાન 55083 કિલોમીટરના વિસ્તાર મૂળભૂત સ્થિતિમાં જ રહેશે. તેમજ આ વિસ્તારમાં હાલ સામેલ કોઈપણ જિલ્લાને બહાર નહીં કરવામાં આવે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નમો સિટી તરીકે ઓળખનાર નવા શહેરોને રીજનલ પ્લાન અંતર્ગત વિકસાવાશે. દરેક રાજ્ય ત્રણ પ્રસ્તાવ મોકલશે અને તેમાંથી એકની પસંદગી કરાશે. સિટી નોડનો મતલબ શહેરોનું ટ્રાન્સપોર્ટ નેટવર્ક બીજા શહેરો સાથે જોડાયેલું હોય અને ત્યાં મકાન, કોમર્શિયલ ગતિવિધિ, રોજગારી, હેલ્થકેર તથા શિક્ષણ સંબંધિત જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેવો છે.
નમો સિટીની વિશેષતા
આધુનિક અને પર્યાવરણ-અનુકૂળ વિકાસ: આ શહેરો બિલકુલ નવી રીતે બનાવવામાં આવશે. તેમને આધુનિક ટેકનોલોજી, ગ્રીન કવર અને 'સ્માર્ટ સુવિધાઓ' સાથે આયોજિત રીતે વિકસાવવામાં આવશે.
પ્રદૂષણ અને ટ્રાફિક જામમાંથી રાહત: દિલ્હી પરની નિર્ભરતા ઘટાડવા માટે આ શહેરોને ત્યાં 'કામ માટે પગપાળા' જવાનું કલ્ચર વિકસે તે રીતે બનાવવામાં આવશે.
પરિવહન વ્યવસ્થા: નમો શહેરોને રેપિડ રેલ કે મેટ્રો જેવા હાઇ-સ્પીડ ટ્રાન્સપોર્ટ નેટવર્ક સાથે જોડવામાં આવશે, જેનાથી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે પણ દિલ્હી આવવા-જવાનું ખૂબ જ સરળ અને ઝડપી બની જશે.
રોજગારીની તકો ઉભી થશે: દિલ્હી-NCRમાં નવી ટાઉનશિપ અને ઔદ્યોગિક હબ બનાવવાથી રોજગારીની નવી તકો ઊભી થશે, જેનાથી વ્યવસાયો અને ઉદ્યોગોને દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારોમાંથી બહાર શિફ્ટ થવામાં મદદ મળશે.
આધુનિક સુવિધાઓ: આ નવા ગ્રીનફિલ્ડ શહેરો ખાલી અથવા અવિકસિત જમીન પર બનાવવામાં આવશે અને તેમાં 'વોક-ટુ-વર્ક' (કોન્સેપ્ટ, કોર્પોરેટ હબ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે.
પ્રદૂષણ મુક્ત હરિયાળું વાતાવરણ: આ સ્માર્ટ શહેરોનો વિકાસ પર્યાવરણને અનુકૂળ અને આધુનિક માપદંડો પર કરવામાં આવશે.
નમો સિટી બનાવવાનો કેમ લેવામાં આવ્યો નિર્ણય
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનસીઆરમાં વસતી આગામી 15 વર્ષમાં બમણી થઈને 15 કરોડ સુધી પહોંચવાની અને 2041 સુધીમાં શહેર વસતી આશરે 67 ટકા થવાનો અંદાજ છે. જેને લઈ નવા શહેર વસાવવાની જરૂરિયાત હોવાનું લાગતા નમો સિટી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યોએ રીજનલ પ્લાનની દરેક બાબત પર ચર્ચા કરી અને કહ્યું કે, બે મહિના બાદ વધુ એક બેઠક થશે. જેમાં તેને અંતિમ રૂપ આપવામાં આવશે.