નવી દિલ્હીઃ દેશમાં સતત આઈટી ક્ષેત્રના વિસ્તરણ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરમાં વૃદ્ધિ અને કોવિડ મહામારી પશ્ચાત્ ડિજિટલ ડિલિવરી સર્વિસીસમાં વધારો થવાને કારણે વર્ષ 2014-15માં દેશની કુલ નિકાસમાં સર્વિસીસ ક્ષેત્રની નિકાસનો હિસ્સો જે 33.8 ટકા હતો તે વર્ષ 2025-26માં વધીને 48.8 ટકાની સપાટીએ પહોંચ્યો છે.
વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર આ સમયગાળામાં નિકાસ જે વર્ષ 2014-15માં 158.1 અબજ ડૉલરના સ્તરે હતી તે વધીને 421.3 અબજ ડૉલરની સપાટીએ પહોંચી છે. તેમ જ ગૂડ્સ અને સર્વિસીસની નિકાસ જે વર્ષ 2014-15માં 468 અબજ ડૉલરના સ્તરે હતી તે વર્ષ 2025-26માં વધીને 863 અબજ ડૉલરના સ્તરે રહી છે. એકંદરે છેલ્લાં 12 વર્ષમાં એકમાત્ર કોવિડ મહામારીનાં વર્ષ 2020-21નો બાદ કરતાં તમામ વર્ષોમાં સર્વિસીસ નિકાસે નોંધપાત્ર વધારો દાખવ્યો છે.
વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર સર્વિસીસની કુલ નિકાસમાં સોફ્ટવેર સર્વિસીસ 40 ટકા જેટલો બહોળો હિસ્સો ધરાવતું હોવાથી વૃદ્ધિનું મુખ્ય ચાલક પરિબળ રહ્યું છે. ત્યાર બાદ પ્રોફેશનલ અને મેનેજમેન્ટ ક્નસલ્ટીંગ બીજા ક્રમાંકના ચાલક પરિબળ તરીકે ઊભર્યું છે. તેમ જ છેલ્લાં 12 વર્ષમાં સર્વિસીસ ક્ષેત્રનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર 9.3 ટકાના સ્તરે રહ્યો છે. જોકે, આ બાર વર્ષના સમયગાળામાં ગૂડ્સનાં શિપમેન્ટનું મૂલ્ય જે વર્ષ 2014-15માં 310 અબજ ડૉલરનું હતું તે પણ વધીને 442 અબજ ડૉલરની સપાટીએ પહોંચ્યું છે.
આ બાર વર્ષનાં સમયગાળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળની સરકારે વેપાર વૃદ્ધિ માટે શ્રેણીબદ્ધ પગલાંઓ લીધાં છે. જેમાં ખાસ કરીને 47 પ્રોસેસનું સરળીકરણ, ઑટોમેટેડ વિદેશ વેપાર નીતિની પ્રક્રિયા, ઑટો વેલિડેટેડ ઈમ્પોર્ટર એક્સપોર્ટર કૉડ ઈશ્યૂઅન્સ અને એક્સપોર્ટ પ્રમોશન મિશન સ્થાપવું વગેરેનો સમાવેશ થાય છે.
Chat GPT Generated Image