ભુજ: ભાવનગરના ઝેરી દારૂકાંડની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં સરહદી જિલ્લા કચ્છના આદિપુર શહેરના ૪-એ વિસ્તારમાંથી બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂ બનાવતી હાઈટેક મિનિ ફેક્ટરી પર બોર્ડર રેન્જ સાયબર સેલે દરોડો પાડી મોટો પર્દાફાશ કર્યો છે.
પૂર્વ બાતમીના આધારે પોલીસે એક ભાડાની દુકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાં 'રોયલ ચેલેન્જ' બ્રાન્ડના નામે નકલી દારૂ પેક કરવાનું લાંબા સમયથી કૌભાંડ ચાલી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી ૧૦૫૦ લિટર રો-કેમિકલ્સ, ૨૦૦ લિટર કેમિકલયુક્ત દારૂનું મિશ્રણ, ૧૮૦ એમ.એલ. ના ૬૦૦ ભરેલા ક્વાર્ટર, ૯,૪૦૦ ખાલી બોટલો, સીલ મારવાનું હાઈટેક મશીન મળી કુલ રૂ. ૭,૩૮,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દરોડા દરમિયાન પોલીસે મુંબઈના હિતેશ ખીમા બામણિયા (મૂળ રાપર) અને મથુરાના બિજેન્દ્ર લાલચંદ જાટ નામના બે આરોપીઓને અટકાયતમાં લીધા છે.
પોલીસના જણાવ્યા મુજબ, બોટલો પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો લગાવીને બજારમાં સપ્લાય કરવામાં આવે તે પહેલાં જ દરોડો પાડી મોટી દુર્ઘટના ટાળવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં આ આંતરરાજ્ય ટોળકી મુંબઈથી માલ મગાવતી હતી અને રાજસ્થાનના રાજુ નામના શખ્સ મારફતે આ નેટવર્ક ચલાવાતું હોવાનું બહાર આવ્યું છે. સાયબર સેલે કેમિકલનો જથ્થો ક્યાંથી આવ્યો અને સ્થાનિક સ્તરે તેમને આશ્રય આપનાર કોણ હતું તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.
ઉત્સવ વૈદ્ય