Sat Sep 05 2026

Logo

કસ્ટમ-DRIની મોટી કાર્યવાહી: મુન્દ્રા પોર્ટથી કરોડોની લાલ રેતીના 5 કન્ટેનર ઝડપાયા

2026-08-26 13:19:00
Author: Mumbai Samachar Team
કસ્ટમ-DRIની મોટી કાર્યવાહી: મુન્દ્રા પોર્ટથી કરોડોની લાલ રેતીના 5 કન્ટેનર ઝડપાયા

ભુજ: મુન્દ્રા બંદર પરથી કસ્ટમ્સ અને ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન પ્રતિબંધિત ગાર્નેટ એટલે કે,લાલ રેતી તથા શંકાસ્પદ ચાઈનીઝ માલસામાનનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

પ્રથમ બનાવમાં, મુન્દ્રા કસ્ટમ્સની ડોક્સ એક્ઝામિનેશન અને આઈઆઈઆઈબી શાખાએ ક્વાર્ટઝ પાઉડરના નામે નિકાસ કરવામાં આવી રહેલા પાંચ કન્ટેનરો અટકાવી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન ક્વાર્ટઝને બદલે ભારત સરકારના એટમિક એનર્જી ડિપાર્ટમેન્ટ હસ્તગત જ નિકાસ કરી શકાય તેવી પ્રતિબંધિત ગાર્નેટ (લાલ રેતી) નો ૧૬૮ મેટ્રિક ટન જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. ૫ કરોડથી વધુ આંકવામાં આવી છે. કસ્ટમ તંત્રે સેમ્પલ મેળવી લેબોરેટરીમાં મોકલી નિકાસકાર અને સીએફએસ એજન્ટ સામે કાયદેસરની કાર્યવાહી આદરી છે.

બીજા બનાવમાં, કેન્દ્રીય એજન્સીઓની દિલ્હીથી મળેલી ગુપ્ત સૂચનાના આધારે મુંદરા બંદર પરથી ૧૬ જેટલા શંકાસ્પદ કન્ટેનર અટકાવવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, ચીનથી આવેલા આ કન્ટેનરોમાં ગેરકાયદેસર અને નિયમોનું ઉલ્લંઘન કરીને લવાયેલો ચાઈનીઝ માલસામાન હોવાની આશંકા છે. હાલ સુરક્ષા એજન્સીઓએ તમામ કન્ટેનર સ્થગિત કરી માલના અંતિમ ડેસ્ટિનેશન અંગે ઊંડાણપૂર્વક સઘન તપાસ શરૂ કરી છે.

(ઉત્સવ વૈદ્ય)