સુરતઃ અમદાવાદમાં ઘણી ગગનચુંબી ઈમારતો આકાર લઈ રહી છે. આ દરમિયાન સુરતમાં પણ ગગનચુંબી ઈમારતને મંજૂરી આપવામાં આવી છે. ડાયમંડ નગરી સુરતમાં 40 માળની સૌથી ઊંચી ઈમારતને મંજૂરી મળી ગઈ છે. રાજ્ય સરકારની સ્પેશિયલ ટેકનિકલ કમિટી એ પાલ RTO નજીક 142.99 મીટરની બહુમાળી કોમર્શિયલ ઇમારતને મંજૂરી આપી દીધી છે. નિર્માણ પૂર્ણ થયા પછી, 40 માળની ઈમારત શહેરની સૌથી ઊંચી ઇમારત બનશે તેવી ધારણા છે. આ પ્રોજેક્ટ, સુરતમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી હાલની બંને ઇમારતોને પાછળ છોડી દેશે.
ઊંચી ઇમારતો માટેની માર્ગદર્શિકા હેઠળ, આ પ્રોજેક્ટને મહત્તમ 5.40 FSI ની મંજૂરી આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાને આ પ્રોજેક્ટમાંથી વધારાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ તરીકે રૂ. 30.356 કરોડ મળશે. આ 142.99 મીટરનો આઇકોનિક કોમર્શિયલ ટાવર પશ્ચિમ (રાંદેર) ઝોનમાં ટીપી સ્કીમ નંબર 14 (પાલ) ના ફાઇનલ પ્લોટ નંબર 144 પર આકાર લેશે. 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતો માટે રાજ્ય સરકારની સ્પેશિયલ ટેકનિકલ કમિટીની મંજૂરી મેળવવી ફરજિયાત હોય છે.
આ દરખાસ્ત શરૂઆતમાં 17 જૂનના રોજ સ્પેશિયલ ટેકનિકલ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ સમિતિની જરૂરિયાતો અનુસાર તેમાં સુધારો કરવામાં આવ્યો અને અંતિમ મંજૂરી માટે ફરીથી સબમિટ કરવામાં આવી હતી. આ કમિટીનું નેતૃત્વ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્ર સચિવ કરે છે, જેમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, સોઇલ મિકેનિક્સ, ફાયર સર્વિસિસ અને અન્ય વિશિષ્ટ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
ગુજરાતનું 50મું અને સુરતનું સૌથી ઊંચું બિલ્ડિંગ આ મંજૂરી સાથે રાજ્યની સૌથી ઊંચી ઈમારતોમાં ફણ સ્થાન મેળવશે. આ આઈકોનિક બિલ્ડિંગ સુરતના સ્કાઈલાઈનને નવી ઓળખ સાથે આધુનિક લુક પણ આપશે.