Tue Sep 01 2026

Logo

ગુજરાતમાં મેઘરાજા ફરી ક્યારે મહેરબાન થશે? પરેશ ગોસ્વામીએ જણાવ્યું વરસાદ ખેંચાવાનું અસલી કારણ

2026-08-26 08:14:00
Author: Mayur Patel
ગુજરાતમાં મેઘરાજા ફરી ક્યારે મહેરબાન થશે? પરેશ ગોસ્વામીએ જણાવ્યું વરસાદ ખેંચાવાનું અસલી કારણ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ અટકી ગયો છે, તો કેટલાક જિલ્લાઓમાં બિલકુલ દુષ્કાળ જેવી સ્થિતિ છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદ હજુ પણ ખેંચાઈ રહ્યો છે. વાતાવરણમાં કોઈ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું નથી અને કેટલાક વિસ્તારોમાં પાણીની તંગીની પણ શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે બંગાળની ખાડીમાં ઘણી સિસ્ટમ બની છે પરંતુ ગુજરાત તરફ એ આવી નથી. તેના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો જ વરસાદ પડે છે.ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે, જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ખેડૂતો ચાતક ડોકે વરસાદની રાહ જોઈ રહ્યા છે, પણ વરસાદ હજુ પણ સતત ખેંચાઈ રહ્યો છે. ગુજરાતમાં વરસાદ આવશે કે નહીં, આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તે અંગે મુંબઈ સમાચારે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે વાત કરી હતી.

પરેશ ગોસ્વામીએ કહ્યું, વરસાદ ખેંચાય એટલે ખેડૂતો અને અન્ય બીજા વર્ગને પણ અસર થતી હોય છે.  અન્ય બિઝનેસમાં પણ મંદી જોવા મળે છે. આપણો દેશ ખેતી પ્રધાન છે, જો ખેતી અટકી પડે તો બધા જ કામ અટકી પડે છે.આમાં સૌથી વધારે મુશ્કેલી ખેડૂતોને પડતી હોય છે. અત્યારની સ્થિતિ જોવા જઈએ તો ખૂબ ગંભીર છે.

પરેશ ગોસ્વામીએ કહ્યું, રાજ્યમાં ભલે સરેરાશ એકંદરે સારો વરસાદ નોંધાયો હોય, પરંતુ તે સમગ્ર ગુજરાતમાં સમાન નથી. સુરતમાં બે વાર અતિવૃષ્ટિ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો (માંગરોળ, સુત્રાપાડા, માળિયા હાટીના)માં 40 ઇંચથી વધુ વરસાદ થવાના કારણે આ સરેરાશ ઊંચી દેખાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર (દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર), જૂનાગઢનો વિસાવદર તાલુકો, ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન સરહદના વિસ્તારો, દાહોદના ગ્રામ્ય વિસ્તારો અને કચ્છના કેટલાક ભાગોમાં માત્ર 1% થી 10% જેટલો જ વરસાદ થયો છે, જ્યાં વાસ્તવમાં દુષ્કાળ જેવો માહોલ છે.

રાજ્યમાં 5 ઓગસ્ટ પછી સતત 20 દિવસથી વરસાદ ન પડવાથી ઊભો પાક સુકાઈ રહ્યો છે અને બોર-કૂવામાં પાણી પણ ખૂટવા લાગ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલી ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ચોમાસા દરમિયાન જો સત 4 અઠવાડિયા વરસાદ ન પડે, તો સરકાર સહાય પેકેજ આપે છે. દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં 8થી 9 અઠવાડિયાથી વરસાદ ન હોવાથી સરકારે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ જેથી ખેડૂતોને આર્થિક ટેકો મળી રહે. જે ખેડૂતો પાસે કેનાલ કે પિયતની કોઈ સુવિધા નથી, તેઓ પોતાના પાકને નજર સામે સુકાતો જોવા મજબૂર બન્યા છે.

વરસાદ ન આવવા પાછળનાં હવામાન કારણો અંગે વાત કરતાં પરેશ ગોસ્વામીએ કહ્યું, અલ-નીનોનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સક્રિય થયેલો ‘સુપર મેગા અલ-નીનો’ ખૂબ મજબૂત છે, જેના કારણે પ્રશાંત મહાસાગરનું તાપમાન વધતાં ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયાનું વેધર સિસ્ટમ ખોરવાયું છે.  ઉત્તર અરબ સાગરમાંથી આવતા ગરમ પવનોને કારણે બંગાળની ખાડીમાંથી આવતી કોઈપણ વરસાદી સિસ્ટમ ગુજરાત પહોંચતા સુધીમાં નબળી પડી જાય છે અથવા પોતાની દિશા બદલી નાખે છે. હાલ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તે મજબૂત લો-પ્રેશર નથી પરંતુ માત્ર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે ગુજરાત આવતા સુધીમાં વિખેરાઈ જશે. હિંદ મહાસાગરનું તાપમાન (IOD) પોઝિટિવ હોવાથી અત્યાર સુધી વરસાદ મળ્યો છે અને આગળ જતાં પણ થોડી આશા જીવંત રાખે છે.

https://bombaysamachar.com/uploads/fileUploads/1787712617-BYAk7L.pdf

આગામી દિવસોની આગાહી

પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તેની આગાહી કરતાં જણાવ્યું, ઓગસ્ટના અંતમાં સામાન્ય વરસાદ પડશે. 27 થી 29 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માત્ર હળવા કે સામાન્ય ઝાપટાં પડી શકે છે, પરંતુ મોટા અને સાર્વત્રિક વરસાદની કોઈ શક્યતા નથી.  જન્માષ્ટમીના તહેવાર સુધી મોટાભાગના ખેડૂતોને રાહત મળવાની શક્યતા ઘણી ઓછી છે.

સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં સારા વરસાદની આશા છે. ચોમાસું 10 થી 15 ઓક્ટોબર સુધી લંબાઈ શકે છે અને સપ્ટેમ્બર મહિનામાં પાછોતરો સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે.

 પર્યાવરણીય અસંતુલન અને માનવીય ભૂલો પર ચિંતન જરૂરી હોવાનું પરેશ ગોસ્વામીએ કહ્યું  વધતાં જતાં વાહનો, ઉદ્યોગો, વૃક્ષોનું નિકંદન અને રાસાયણિક ખાતરો-જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે પર્યાવરણનું સંતુલન બગડ્યું છે. પરંપરાગત ભડલી વાક્યો અને પ્રકૃતિના આગોતરા સંકેતો (જેમ કે જાંબુ કે બોર વધુ પાકવા, લોખંડમાં કાટ લાગવો વગેરે) છતાં વરસાદ ન પડવો એ દર્શાવે છે કે માનવીય હસ્તક્ષેપને કારણે કુદરતી ઋતુચક્ર ખોરવાઈ ચૂક્યું છે . જો પર્યાવરણનું જતન નહીં કરવામાં આવે અને પ્રદૂષણ ઘટાડવા પર કામ નહીં થાય, તો આવનારી પેઢી માટે જીવન જીવવું અત્યંત મુશ્કેલ બની જશે 

ચોમાસામાં ઉકળાટનો થશે અહેસાસ

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, રાજ્યમાં રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. ભારે વરસાદની શક્યતા નહિવત, સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી, મહત્તમ તાપમાન 30 થી 33 ડિગ્રી રહેશે. જેના કારણે ચોમાસામાં ઉકળાટનો અનુભવ થશે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા 

ગુજરાતમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 16 તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 0.71 ઇંચ વરસાદ પડ્યો હતો. નાનાપોંઢામાં 0.24 ઇંચ,વાપીમાં 0.24, વસોમાં 0.20 ઇંચ, ડેસરમાં 0.16 ઇંચ, ઉમરગામમાં 0.12 ઇંચ વરસાદ પડ્યો હતો.