Wed Jun 17 2026

Logo

મગજ મંથનઃ ભણતર રોટલો રળી આપે, પરંતુ એને મીઠો બનાવે કેળવણી

2026-06-17 08:09:04
Author: વિઠ્ઠલ વઘાસિયા
Article Image

વિઠ્ઠલ વઘાસિયા 

માનવજીવનમાં શિક્ષણનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. શિક્ષણ માણસને જ્ઞાન આપે છે, જીવન જીવવાની દિશા આપે છે અને સમાજમાં સન્માનપૂર્વક જીવવાની શક્તિ આપે છે, પરંતુ માત્ર શાળાકીય કે ડિગ્રી આધારિત ભણતર જ માણસને સંપૂર્ણ બનાવતું નથી. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઊંચી ડિગ્રી ધરાવતો માણસ પણ સંસ્કાર, વિનમ્રતા અને માનવતા વિનાનો હોય છે, જ્યારે કોઈ ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતો વ્યક્તિ જીવનમૂલ્યો, સંસ્કાર અને વ્યવહારની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ હોય છે.

‘ભણતર’ અને ‘કેળવણી’- આ બંને શબ્દો સમાન લાગતા હોવા છતાં અર્થમાં ઘણો ફરક ધરાવે છે. ભણતરનો અર્થ માત્ર પુસ્તકિયું જ્ઞાન કે પરીક્ષામાં ગુણ મેળવવા પૂરતો સીમિત છે. જ્યારે કેળવણીનો અર્થ માણસના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલો છે. કેળવણી માણસમાં માનવતા, સંસ્કાર, શિસ્ત, સહાનુભૂતિ, સત્યનિષ્ઠા અને જવાબદારી જેવા ગુણો વિકસાવે છે. ભણતર માણસને બુદ્ધિશાળી બનાવે છે, પરંતુ કેળવણી તેને સજ્જન બનાવે છે.

આજના સમયમાં શિક્ષણનો વ્યાપ ઘણો વધ્યો છે. લોકો ઊંચી ડિગ્રી મેળવે છે, વિદેશોમાં અભ્યાસ કરે છે અને મોટી મોટી નોકરીઓ મેળવે છે. છતાં સમાજમાં ભ્રષ્ટાચાર, અહંકાર, અસહિષ્ણુતા અને અનૈતિકતા વધી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે લોકો પાસે ભણતર છે, પરંતુ કેળવણીનો અભાવ છે. વિદ્યા છે, પણ સદ્વિદ્યા નથી. ટેક્નિકલ ડિગ્રીનો ઉપયોગ દેશને વિકાસના માર્ગે લઈ જવાને બદલે નકલી નોટો છાપવાનું ષડયંત્ર રચવા માટે કરે છે. વિસ્ફોટક બૉમ્બ બનાવી વિદ્રોહી પ્રવૃતિમાં પોતાની આવડતનો ઉપયોગ કરે છે. જો ભણતર સાથે સંસ્કાર અને માનવતા ન જોડાય તો તે નકામું બની જાય છે.

માત્ર જ્ઞાનનો અહંકાર માણસને સાચા અર્થમાં મહાન બનાવી શકતો નથી. કેળવાયેલો માણસ હંમેશાં વિનમ્ર હોય છે. તે પોતાના જ્ઞાનનો દેખાવ કરતો નથી, પરંતુ તેનો ઉપયોગ સમાજના હિત માટે કરે છે.

આપણી ભારતીય સંસ્કૃતિમાં કેળવણીને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગુરુકુલ પરંપરામાં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ જીવન મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. વિદ્યા સાથે સદ્વિદ્યા અને બ્રહ્મ વિદ્યા પણ આપવામાં આવતાં હતાં. ગુરુ પોતાના શિષ્યોને વિનય, શિસ્ત, સેવા અને કરુણાનું મહત્ત્વ સમજાવતા હતા. પરિણામે સમાજમાં સારા અને આદર્શ નાગરિકો તૈયાર થતા હતા. આજના સમયમાં આધુનિક શિક્ષણ પ્રણાલીમાં ટેક્નોલોજી અને સ્પર્ધા વધી છે, પરંતુ આજે આવા મૂલ્યનિષ્ઠ શિક્ષણમાં ઘટાડો થયો છે.

પરિવાર પણ કેળવણીનું પ્રથમ શાળાનું કામ કરે છે. બાળક પોતાના માતા-પિતા પાસેથી સંસ્કાર શીખે છે. જો ઘરે સત્ય, શિસ્ત અને સદાચારનું વાતાવરણ હોય તો બાળક જીવનમાં સારો માણસ બને છે. તેથી શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન પણ એટલું જ જરૂરી છે.

આજની યુવા પેઢીએ સમજવાની જરૂર છે કે જીવનમાં માત્ર નોકરી, પૈસા અને પ્રતિષ્ઠા મેળવવી જ સફળતા નથી. સાચી સફળતા એ છે કે માણસ પોતાના વર્તન અને માનવતાથી બીજાના હૃદયમાં સ્થાન મેળવે. ભણતર માણસને રોજગાર અપાવે છે, પરંતુ કેળવણી તેને જીવનમાં આદર અને પ્રેમ અપાવે છે.