Sun Jul 26 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુઃ ફિલ્મ્સ તથા સિરિયલ્સ એ કંઈ સાચા દસ્તાવેજ નથી!

2026-07-22 09:14:00
Author: Jaywant Pandya
Article Image

જયવંત પંડ્યા

તમે ના પાડો છો પણ ‘રામાયણ’ ધારાવાહિકમાં તો બતાવ્યું હતું કે શ્રી રામે ધોબીના કહેવા પર સીતાજીને વનવાસ આપ્યો હતો. શું રામાયણ ધારાવાહિકમાં અસત્ય બતાવ્યું હોય?

સોનમ વાંગચુક તો મહાન વૈજ્ઞાનિક છે. તમને ખબર છે, તેમના નામે 400થી વધુ પેટન્ટ બોલે છે.
સોનમ વાંગચુક એટલે ‘થ્રી ઇડિયટ્સ’ના ફૂનસુખ વાંગડુ. ફિલ્મમાં કહે છે કે તે ગરીબ ઘરના દીકરા હતા. એક ધનવાનને ત્યાં તેના પિતા માળીનું કામ કરતા હતા. તે બહુ જિનિયસ છે. ભારતમાં તેનું માન નથી.

...આવા સંવાદો તમને ઠેરઠેર સાંભળવા મળશે. કારણ કે આપણી જનતા બહુ ભોળી છે. ફિલ્મો અને ધારાવાહિકોને સચ્ચાઈનું પ્રતીક માની બેસે છે. ‘રામાયણ’ ધારાવાહિકમાં જે કહેવાયું તે જ મૂળ વાલ્મીકિ રામાયણમાં હશે તેમ લોકો માની લે છે. ‘થ્રી ઇડિયટ્સ’નો ફૂનસુખ વાંગડુ એ જ સોનમ વાંગચુક અને સોનમ વાંગચુક એ જ ફૂનસુખ વાંગડુ તેવો ભ્રમ પાળી બેસે છે.

આમિર ખાને તાજેતરમાં બ્રિટનમાં આયોજિત લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘લગાન’ની 25મી વાર્ષિક તિથિની ઉજવણીના અવસરે ચોખ્ખેચોખ્ખું કહ્યું હતું કે ફૂનસુખ વાંગડુના પાત્રને સોનમ વાંગચુકના પાત્ર સાથે કંઈ લાગતું વળગતું નથી. અમે જ્યારે ફિલ્મનું શૂટિંગ કરવા ગયા ત્યારે અમે તેમને ઓળખતા પણ નહોતા.

જોકે ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મના ચતુર રામલિંગમ્નું પાત્ર ભજવનારા ઓમી વૈદ્યે જે કહ્યું તેને શું બદમાશી કહીશું? તેણે કહ્યું કે ફૂનસુખ વાંગડુ (એટલે કે સોનમ વાંગચુક ઉપવાસથી) મરી જાય તેમ હું નથી ઇચ્છતો. ફિલ્મનું એક મુખ્ય પાત્ર ભજવનારો ઓમી વૈદ્ય શું એ હકીકતથી અજાણ હોય ખરો કે ફૂનસુખ વાંગડુનું પાત્ર સોનમ વાંગચુક પર આધારિત નથી?

કોઈ કહી શકે કે આમિરનું નિવેદન તો હમણાં -17 જુલાઈએ ધ્યાનમાં આવ્યું, ઓમી વૈદ્યે તો 15મી જુલાઈએ નિવેદન આપ્યું હતું, પરંતુ થોભો ! સોનમ વાંગચુકે પોતે આજથી નવ વર્ષ પહેલાં પ્રસારિત ‘કૌન બનેગા કરોડપતિ’માં આ વાત કરી હતી.

અગાઉ ફિલ્મના નિર્દેશક રાજકુમાર હિરાણીએ પણ કહ્યું હતું કે ફૂનસુખ વાંગડુનું પાત્ર સોનમ વાંગચુક પરથી નહીં, પરંતુ એક એવી વ્યક્તિ પરથી છે જે ફિલ્મ નિર્માણમાં કારકિર્દી બનાવવા માગતો હતો પરંતુ તેને પ્રતિષ્ઠિત સંસ્થા- ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ નહોતો મળ્યો.

સોનમ વાંગચુકે તો એમ પણ કહ્યું કે એ લોકો (થ્રી ઇડિયટ્સ)ના લોકો કંઈ કહ્યા વગર તેમની શાળામાં શૂટિંગ માટે આવ્યા હતા, પરંતુ પ્લાસ્ટિકનો કચરો લઈને આવ્યા હતા અને શાળાના બીજા સંચાલકોએ તેમને શૂટિંગ માટે ના પાડી એટલે બીજી શાળામાં ચાલ્યા ગયા.

-તો પછી આટલો મોટો ભ્રમ કેવી રીતે ફેલાયો? તે સમયે ભૂલતો ન હોઉં તો મીડિયામાં સોનમ વાંગચુક પરથી જ ફૂનસુખ વાંગડુનું પાત્ર આધારિત હોવાની મોટી-મોટી સ્ટોરીઓ છપાઈ હતી. તે શું ગપ્પાં-ગપ્પાં હતાં? જેમ અમેરિકાના ‘ટાઇમ’ સામયિકે બાલેન શાહને કાઠમંડુના મેયર તરીકે ચમકાવ્યા અને પછી જેન-ઝીના આંદોલન પછી બાલેન શાહ નેપાળના વડા પ્રધાન બન્યા તેમ શું સોનમ વાંગચુક ભવિષ્યમાં રાજનીતિમાં આવે તે માટે એક પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં આવી રહી હતી?

સચ્ચાઈ શું છે? સોનમ વાંગચુક પાસે ટેન્ટ ડિઝાઇન સિવાય કોઈ વિશેષ પેટન્ટ નથી. તે ગરીબ પરિવારના નથી. તેના પિતા સોનમ વાંગયાલ લદાખના પ્રતિષ્ઠિત કૉંગ્રેસી નેતા હતા. તે કૉંગ્રેસના લેહ એકમના અધ્યક્ષ હતા. ઈ. સ. 1957માં તે લેહ બેઠક પરથી જમ્મુ-કાશ્મીર ધારા પરિષદમાં ચૂંટાયા હતા અને તે સરકારમાં પ્રધાન પણ બન્યા હતા. 1987માં પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે તેને કૉંગ્રેસે કાઢી મૂક્યા હતા.

એવું જ ‘રામાયણ’નું છે. કૉંગ્રેસના નેતા જે બાદમાં સ્વતંત્ર પક્ષના નેતા બન્યા હતા, તેવા દિગ્ગજ સી. રાજગોપાલાચારીએ તેમના પુસ્તક ‘રામાયણ’ના પૃષ્ઠ ક્ર. 475-476 પર લખ્યું છે:

લોકોમાં ચર્ચા છે કે રાવણના કબ્જામાંથી સીતાજીને પાછાં મેળવ્યા બાદ, કૌભાંડના ભયે, શ્રી રામે તેમને વનમાં મોકલી દીધાં. આ કરુણ પ્રકરણ અત્યારની આપણી સ્ત્રીઓની દુ:ખ ભરી કલ્પનામાંથી જ ચોક્કસ ઉદ્ભવ્યું હશે. હજારો વર્ષ પહેલાં લખાયેલા હસ્તલિખિત ગ્રંથ, જેમાં ચેડા થવાની સંભાવના છે, તેના પર આપણે કેવી રીતે ટીપ્પણી કરી શકીએ?

આ જ રીતે ન્યૂ યોર્કમાં સેન્ટ બોનવેન્ચર યુનિવર્સિટિમાંથી ઓલોજીના પ્રાધ્યાપક કે. આર. સુંદરરાજને તેમના પુસ્તક ‘હિન્દુ સ્પિરિચ્યુઆલિટી : વેદ્સ થ્રૂ વેદાંત’ ભાગ 1માં પૃષ્ઠ 106-107 પર લખ્યું છે, વિદ્વાનોના મતાનુસાર ઉત્તરકાંડ (જેમાં સીતાજીના ત્યાગની વાત આવે છે) ત્રીજી સદીમાં ઉમેરાયું હોવાની સંભાવના છે. શ્રી રામ વિષ્ણુના અવતાર હતા તે વાત પણ ઈશુની પ્રથમ સદીમાં ઉમેરાઈ હોવાનું સંભવ છે. વાલ્મીકિએ તો શ્રી રામને માનવ નાયક તરીકે જ આલેખ્યા છે.

જે ‘રામાયણ’ ધારાવાહિકના આધારે લોકોમાં એવી દૃઢ માન્યતા પેસી ગઈ છે કે શ્રી રામે સીતાજીનો ત્યાગ કર્યો હતો તે બનાવનાર રામાનંદ સાગર પોતે પોતાના આ ધારાવાહિકમાં ઉત્તરકાંડ બનાવવા નહોતા માગતા, પરંતુ વડા પ્રધાન કાર્યાલય (તે સમયે વડા પ્રધાન રાજીવ ગાંધી હતા) તરફથી કહેવામાં આવ્યું કે ‘રામાયણ’નો બીજો ભાગ એટલે કે ઉત્તર કાંડ બનાવો. તો શું શ્રી રામને સ્ત્રી વિરોધી ચિતરવા માટેનું એ ષડયંત્ર હતું? કારણકે તે પછી રાજકુમાર સંતોષીની ‘લજ્જા’ અને અનેક પુસ્તકો-સોશ્યલ મીડિયામાં શ્રી રામ વિશે આ જૂઠાણું ચાલ્યું છે. ફિલ્મો અને ધારાવાહિકો એ ઐતિહાસિક સાચા દસ્તાવેજ નથી. એ માત્ર મનોરંજન જ છે અને તેને તે રીતે જ લેવાં જોઈએ.