Thu Aug 20 2026

Logo

સધર્ન કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કરે ભુજ અને ક્રીક સેક્ટરની સમીક્ષા કરી, બાલ્ડ ઈગલ બ્રિગેડની કામગીરી બિરદાવી

2026-08-20 11:10:00
Author: Vimal Prajapati
Article Image

ભુજ: ભારતીય સેનાના સધર્ન કમાન્ડના આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કરે ભુજ મિલિટરી સ્ટેશન સહિત કચ્છના સંવેદનશીલ રણ અને ક્રીક સેક્ટરના અગ્રિમ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા, ઓપરેશનલ સજ્જતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

પોતાના પ્રવાસ દરમિયાન આર્મી કમાન્ડરે ભુજ સ્થિત 'બાલ્ડ ઈગલ બ્રિગેડ'ની યુદ્ધ સજ્જતા, ક્ષમતા વિકાસ તેમજ આધુનિક ટેકનોલોજીના ઉપયોગનું મૂલ્યાંકન કર્યું હતું. આ સાથે તેમણે ક્રીક વિસ્તારમાં સેનાના મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા સાધનોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કરે બ્રિગેડના ઉચ્ચ વ્યાવસાયિક ધોરણો  અને નિષ્ઠાની પ્રશંસા કરી હતી તેમજ ભવિષ્યના કોઈપણ સુરક્ષા સબંધી પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.

પુણે સ્થિત ભારતીય સેનાના સધર્ન કમાન્ડ હેઠળ કચ્છથી લઈને દક્ષિણ ભારત સુધીની જમીની અને દરિયાઈ સરહદોની રક્ષા કરવાની મહત્વપૂર્ણ જવાબદારી છે. કચ્છના રણ અને ક્રીક વિસ્તારમાં તૈનાત 'બાલ્ડ ઈગલ બ્રિગેડ' આકરી ગરમી, કાદવ-કીચડ અને અત્યંત વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે દેશની સરહદોની રાઉન્ડ ઘી ક્લોક  રખવાળી કરે છે.

સરક્રીકનો વિસ્તાર મુખ્યત્વે કાદવ અને પાણીથી ઘેરાયેલો હોવાથી ત્યાં સામાન્ય વાહનો દ્વારા પેટ્રોલિંગ કરવું અશક્ય બની રહે છે. આથી, ઘૂસણખોરી રોકવા અને સરહદી સલામતી સુનિશ્ચિત કરવા માટે ભારતીય સેના દ્વારા વિશેષ મરીન બોટ્સ, હોવરક્રાફ્ટ અને ઓલ-ટેરેન વ્હીકલ્સ (એટીવી)નો ઉપયોગ કરવામાં આવે છે.