Sun Jul 26 2026

Logo

ઔર યે મૌસમ હંસીં...: તૂટેલા ઘા પર સોનાનો ઢોળ... જાપાનની ‘વાબી-સાબી’ કળા તથા જિંદગીનો વૈભવ

2026-07-22 11:47:00
Author: Deval Shashtri
Article Image

દેવલ શાસ્ત્રી

જાપાનીઓ માને છે કે સોનાથી સંધાયેલું વાસણ હવે પહેલાં કરતાં પણ હજાર ગણું કિંમતી, સુંદર અને ‘અનુભવી’ બની ગયું છે.

સવારની નિરાંતની પળોમાં હાથમાં ચાનો કિંમતી કપ કે ચાઈના ક્લેનું સુંદર વાસણ પકડ્યું હોય અને અચાનક હાથમાંથી છટકીને જમીન પર પછડાય તો? કાચ કે માટીના પાત્રમાં એક લાંબી તિરાડ પડી જાય. કદાચ ટુકડા થઇ જાય. એ ક્ષણે આપણો મૂળભૂત સ્વભાવ, આપણી પેઢીઓથી ચાલી આવતી આદત શું કરાવે છે? આપણે એ વાસણને નકામું, ભંગાર કે અપશુકનિયાળ સમજીને સીધું કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ. આપણે બધાય આજના યુગમાં બિનજરૂરી ‘પર્ફેક્શન’ના એટલા આગ્રહી થઈ ગયા છીએ કે જિંદગીમાં કે ઘરમાં જરા સરખી ખામી મંજૂર નથી. આપણને બધું જ ચમકતું, અકબંધ અને લગભગ દોષરહિત જોઈએ છે.

પણ ઊભા રહો, પૃથ્વીના બીજા છેડે બેઠેલું જાપાન આ બાબતમાં સાવ નોખું, અલગ અને નિરાળું વિચારે છે! ત્યાં સદીઓ જૂની મજાની કલાત્મક ફિલોસોફી છે, જેને જગત ‘વાબી-સાબી’ તરીકે ઓળખે છે. આ ફિલોસોફી શેની છે? આપણા માટે તેનું શું મહત્ત્વ છે?

‘વાબી-સાબી’ એટલે દુનિયામાં કોઈ પણ વસ્તુ ક્યારેય સંપૂર્ણ નથી, કાયમી નથી અને 100 ટકા પર્ફેક્ટ પણ નથી તેમ છતાં જો જોવાની સાચી દૃષ્ટિ હોય તો એ અપૂર્ણતામાં, એ અધૂરાપણામાં જ જિંદગીનો વૈભવ છુપાયેલો છે.

‘વાબી-સાબી’ના ગર્ભમાંથી જન્મેલી અનેરી જાપાની કળાને તેઓ ગર્વથી ‘કિંત્સુગી’ કહે છે, જેનો અર્થ થાય છે ‘સોનાથી સાંધવું’. જ્યારે જાપાનમાં પેઢીઓ જૂનું કે કોઈ અત્યંત ગમતું વાસણ તૂટીને ટુકડા થઈ જાય ત્યારે ત્યાંના લોકો એને ફેંકતા નથી. એ લોકો તૂટેલા ટુકડાઓને બહુ જતનથી ભેગા કરે છે અને એક ખાસ પ્રકારના કુદરતી ગુંદર અને અસલી સોનાના ગરમ કરેલા રસનો ઉપયોગ કરીને ટુકડાઓને ફરીથી જોડે છે!

ઋષિકેશ મુખર્જીની ‘આનંદ’ ફિલ્મ વાર્તાનો નાયક આનંદ ઉર્ફે રાજેશ ખન્ના એના શરીર પર ‘કેન્સર’ નામની મરણતોલ તિરાડ લઈને જીવતો હતો. સામાન્ય માણસ આવી તિરાડ જોઈને જિંદગીને ભંગાર સમજીને આશા છોડી દે, પણ આનંદે શું કર્યું? એણે પોતાની અપૂર્ણ અને તૂટેલી જિંદગીના છેલ્લા દિવસોમાં પ્રેમ, હાસ્ય અને દોસ્તીનું અસલી ‘સોનું’ મઢી દીધું! એના શરીરનો ઘા છુપાયો નહીં, પણ સોનાની રેખા બનીને એવો ચમક્યો કે આજે પચાસ વર્ષ પછી પણ આનંદ બધાના હૃદયમાં અમર છે. જિંદગી લાંબી નહિ, ‘બડી’ હોવી જોઈએ જેવો સંવાદ બીજું કંઈ નથી, પણ આપણી ખામીઓ વચ્ચે પણ ઠસ્સાથી જીવવાની ભારતીય કિંત્સુગી કળા જ છે!

ચમત્કાર તો જુઓ, તૂટેલું વાસણ સંધાઈ ગયા પછી એની તિરાડોને કોઈ નકલી કલરથી છુપાવવામાં નથી આવતી, પણ એ અસલી સોનાની ચમકતી પીળી રેખાઓ બનીને આખા વાસણની દીવાલ પર ઉભરી આવે છે! જાપાનીઓ માને છે કે સોનાથી સંધાયેલું વાસણ હવે પહેલાં કરતાં પણ હજાર ગણું કિંમતી, સુંદર અને ‘અનુભવી’ બની ગયું છે, કારણ કે હવે એ જૂનું વાસણ નથી રહ્યું, એની પાસે પોતાની અનોખી વાર્તા છે, ખાસ કહી શકાય એવો પોતાનો સંઘર્ષમય ઈતિહાસ છે. એ તૂટ્યા પછી પણ ફરી બેઠું થવાનો ઠસ્સો ધરાવે છે, એ પાછું લટકામાં...

હકીકતમાં તો, કિંત્સુગીની કળા માત્ર માટીના વાસણો પૂરતી મર્યાદિત નથી, એ આપણા મનનો અને આપણી જિંદગીનો જીવતો-જાગતો અરીસો છે. આપણે સોશ્યલ મીડિયાના કૃત્રિમ, નકલી યુગમાં શ્વાસ લઈ રહ્યા છીએ. ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર દરેક માણસ ફિલ્ટરો લગાવીને પોતાની જાતને ‘પર્ફેક્ટ’ અને સુખી બતાવવાની આંધળી હોડમાં લાગ્યો છે. આપણા અંદરના ઘા, ભૂતકાળની હૃદય તોડી નાખનારી નિષ્ફળતાઓ અને તૂટેલા સંબંધોના ડંખ પડ્યા છે. આખી દુનિયાથી એ બધું છુપાવવા માટે રાત-દિવસ મથીએ છીએ, થાકીએ છીએ અને ફાઈનલી હારીએ છીએ...

જે માણસ પોતાની ભીતર રહેલી ખામીઓ, નબળાઈઓ કે ભૂતકાળની ભૂલોને દુનિયા સામે છુપાવવાનો મિથ્યા પ્રયાસ કરે છે, એ અંદરથી એટલો જ ખોખલો, એકલવાયો અને તણાવગ્રસ્ત બને છે. એનાથી વિપરીત, જે માણસ મોટું મન રાખીને પોતાની અપૂર્ણતાનો, અધૂરાપણાનો સ્વીકાર કરી લે છે. એનું માનસિક સ્વાસ્થ્ય પથ્થર જેવું મજબૂત રહે છે. એને દુનિયાના કોઈ જજમેન્ટનો ડર નથી લાગતો.

જિંદગીની તૂટેલી તિરાડો પર આત્મવિશ્વાસનું ‘સોનું’ ઓગાળીને લગાવીએ ત્યારે આપણું વ્યક્તિત્વ પહેલાં કરતાં પણ વધુ ખીલી ઉઠે છે. મનમાં ઘા હોવા એ તો જીવતા માણસની નિશાની છે. એ ઘાના ડાઘ સાથે પણ હસતા મુખે, સન્માનપૂર્વક જીવવું એ તો જિંદગી માણવાની કળા છે.

ભવિષ્યમાં કદાચ માણસ ગમે તેટલો આધુનિક થઈ જાય, ટેક્નોલોજી ગમે તેટલી આગળ વધી જાય અને આપણે ગમે તેટલા મશીની પર્ફેક્શન અને અલ્ગોરિધમ વચ્ચે ઘેરાઈ જઈએ, પણ છેલ્લે તો માણસ થાકીને પોતાની સાદગી, પોતાના મૂળિયાં અને અસલી વહેતા વહાલ તરફ જ પાછો ફરશે. સાચું સુખ કોઈ નકલી મુખવટો પહેરીને દુનિયા સામે પર્ફેક્ટ દેખાવાના નાટકમાં નથી.

ધ એન્ડ  
જો તમે કોઈને ચાહતા હોવ તો એને આઝાદ કરી શકો છો, જો એ પાત્ર પાછું ફરે તો એ તમારું જ છે અને ના આવે તો એ ક્યારેય તમારું થયું નહોતું. (રિચાર્ડ બાખ)