કિશોર વ્યાસ
છાસ, એ કચ્છી પ્રજા માટે અમૃત સમાન છે. પણ હવે છાસના બદલે ચાયનું ચલણ વધી ગયું છે. કચ્છી પ્રજામાં આદરણીય કવિ શ્રી કારાણી સાહેબે ‘ચાય’ અને છાસ પર લખેલી ‘સંઘર’ (સાંકળ) આજે પણ અતિ પ્રચલિત છે. ચાયનું ચલણ વધી જતાં એક ચોવક બની છે : ‘છાયજા પીંધલ વ્યા, ને ચાયના પીંધલ રયા’ આમ તો સાંપ્રતકાળને ધ્યાનમાં રાખીએ તો, ચાય માટે દૂધ જોઇએ અને દૂધ માટે દુઝણું જોઇએ!
સમાજના ચોક્કસ વર્ગ માટે વધારે દૂધ ખરીદવું અને છાસ બનાવવી અને પીવડાવવી એ બન્ને માટે શ્રી અને સમયની અછત ઊભી થઇ છે. પણ છાસે વિદાય નથી લીધી એ પણ એક સત્ય છે. ખેર ! મૂકેલી ચોવકનો આમતો એવો અર્થ થાય છે કે, ગુણવત્તામાં ઘટાડો થવો, ગુણવતા શબ્દનો અનેકાર્થ માટે મેં ઉપયોગ કર્યો છે. વળી, તેનો શબ્દાર્થ તો સ્પષ્ટ છે જ કે, ‘છાસ પીવાવાળાનું પ્રમાણ ઓછું થઇ ગયું અને ચા પીવાવાળા વધી ગયા.’ આમ જોઇએ તો, છાસ પીવડાવવા વાળાનું પ્રમાણ પણ ઘટી ગયું છે. છાસે ચોવકમાં હજુ પણ સ્થાન જાળવી રાખ્યું છે.
ચાલો, માણીએ કેટલીક રસપ્રદ ચોવકો જે છાસનું મહત્ત્વ બતાવે છે. એક એવી ચોવક છે જે છાસનું અદ્ભુત મહત્ત્વ દર્શાવે છે, ચોવક છે : ‘છેલો ઓસડ છાય’ હવે સવાલ થાય છે કે, છાસને ઓસડનો છેલ્લો વિકલ્પ કેમ ગણી શકાય ? છાસ શક્તિદાયક પીણું છે, એ વાત સાચી પણ શું એ વૈકલ્પિક ઔષધ ગણી શકાય?
તેનો એક હૃદયસ્પર્શી અર્થ પણ નીકળી શકે... કે જયારે ભૂખ લાગી હોય અને ઘરમાં ખાવાનું કંઇ ન હોય, કે ખાવાનું કોઇ સ્થળ કે સંજોગોમાં ઉપલબ્ધ ન હોય ત્યારે તો એક તાંસળી ભરીને છાસ પી લીધી હોય તો, પેટ ભરાઇ જવા જેવો ઓડકાર આવે! આ અર્થમાં પણ તેને ઓસડ ગણાવામાં આવી હોવાની શકયતા છે.
છાસ અંગે એક બીજી પણ ચોવક છે : ‘છાય તો માઇતર પાણી’ અહીં જે ‘માઇતર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે, ‘માવિત્ર’ અથવા ‘ઉદ્ધારક’! છાસ ઓછી કે અપૂરતી જણાય તો તરત જ તેમાં ગુણવત્તા જળવાઇ રહે તે રીતે પાણી નાખીને તેનું પ્રમાણ વધારી શકાય છે!
છાસ શબ્દનો અન્યથા પણ પ્રયોગ કરવામાં આવ્યો છે : ‘છાય મેં મખણ વિંઝેને રન ફૂવડ ચોવા જે.’ જેનો શબ્દાર્થ છે. ‘છાસમાં માખણ જાય અને, રન એ ઘરની ગૃહિણી માટે વપરાયેલો થોડો હલકી કોટીનો શબ્દ છે. પણ જેટલો હલકી કોટીનો એ શબ્દ છે, એ અર્થમાં ચોવકમાં નથી વપરાયો ! અહીં એ હળવા કટાક્ષ માટે ઉપયોગમાં લેવાયો છે.
માખણવાળી છાસ પીવા માટે કોઇની સામે ધરવામાં આવે એ એક ઐશ્ર્વર્યનાં દર્શન સ્વરૂપ છે. પણ જો માખણ છાસમાં ચાલ્યું જાય તો ઘી કયાંથી બને? એટલે છાસ પરથી માખણ ઉતારી લેવાની ત્રેવડ જે ગૃહિણીમાં નથી તેને ફૂવડ, એટલે કે અણઆવડતવાળી ગણવામાં આવે છે. તેનો અભિભૂત અર્થ એવો પણ થાય કે, ‘કોઇની લાગણીનો અવળો અર્થ કરવો!’
છાસમાં પાણી ઉમેરવાની વાત આવી એટલે પાણી શબ્દના પ્રયોગ સાથે બનેલી કેટલીક ચોવકોનું સ્મરણ થયું! ચોવક છે : ‘ભોં મે પાણી ઉતર્યો ત ન ચડે! ઘરની વહુવારુનું એક વખત ‘પાણી’ ઊતરે તો પાછું ન ચઢે! ઘરમાં સતત અપમાનિત થતી સ્ત્રીને સમાજ પણ માન ન આપે! અહીં પાણી ‘આબરુ’ના સંદર્ભમાં પણ વપરાયો છે.
‘પાણી જંઘે સે કીં ન વરે.’ જંઘવું એટલે વલોણું, કરવું. છાસના (દહીંના) વલોણા હોય, પાણીનાં ન હોય! છાસનું વલોણું કરવાથી માખણ મળે, પાણીનાં વલોણાંથી પાણી જ મળે! મતલબ કે ફોગટની મહેનત!