- ડૉ. નિરંજન રાજ્યગુરુ
પિંડ બડો અપરાધી, પાપી રાજ કરત મેં દેખ્યા..
ઉલટ ચલ્યા સો નગરીમેં પહોંચ્યા, મારગ ચલ્યા સો લૂંટાણા રે,
એક વેલડિયે સબ જગ બાંધા, કૌન છૂટા કૌન બંધાણા રે..
ઝાડ ચડત એક મછલીકો દેખ્યા, ચન્દ્ર સૂરજ દોનું સાખે રે,
કીડી ને કુંજર લડતા દેખ્યા, કૌન જીત્યા કૌન હારા રે..
- પિંડ બડો અપરાધી, પાપી રાજ કરત મેં દેખ્યા..0
નાગો કહે મારા વસ્ત્ર હેરાણા, અંધા કહે મેં દેખ્યા રે,
બહેરા કહે મેં તો બૂમ જ સાંભળી, પંગુ કહે મેં પહૂંચા રે..
અગન કહે મને સીત લગત હે, પાની કહે મેં પ્યાસા રે,
- પિંડ બડો અપરાધી, પાપી રાજ કરત મેં દેખ્યા..0
કહત કબીર સૂનો ભાઈ સાધુ, એ પદ વીરલા બૂઝે રે,
આપ તરે, ઓરન કું તારે, તિનોં ભવન વાકું સૂઝે રે...
- પિંડ બડો અપરાધી, પાપી રાજ કરત મેં દેખ્યા..0
શરીર કહે છે કે મેં એવાં તે ક્યાં અપરાધો કર્યાં છે કે મારા પર એક પાપી રાજા મન રાજ કરે છે? અને મને અનેક પ્રકારના અપરાધો કરાવ્યા જ કરે છે? એ મન મારી અંદર વસેલા શુદ્ધ આત્માનું કંઈ ચાલવા દેતું જ નથી અને બધી ઈન્દ્રિયોને નચાવ્યા કરે છે?
યોગીજનો કે જેમણે પોતાના શ્વાસ-ઉચ્છવાસ ઉપર કાબૂ મેળવ્યો છે અને પવન રૂપી- શ્વાસ રૂપી ઘોડાને ઊલટી ચાલે ચલાવ્યો છે, નાભિથી ખેંચીને બહાર કાઢ્યો છે તે પોતાના ગંતવ્યસ્થાને- એટલે કે નિજધામમાં, શૂન્ય શિખર સુધી, પોતાની નગરી સુધી પહોંચી ગયા છે પણ શ્વાસની આવન જાવનને ઓળખ્યા વિના અણજાણપણે જ જે સૌ પ્રાણીઓની માફક પોતાના શ્વાસની ધમણ ચલાવતા રહ્યા છે તે કાળ રૂપી લૂંટારાને હાથે લૂંટાઈ જાય છે. માયા રૂપી એક વેલમાં સૌ બંધાયેલા છે એમાંથી કોઈ સંત, ભક્ત, યોગીપુરૂષો છૂટા રહી શકે છે.
યોગી પુ્રૂષ પોતાની અધોગામી વૃત્તિઓને ઉર્ધ્વગામી બનાવીને, જેમ માછલી હંમેશાં ઊલટા જળપ્રવાહમાં તરી શકે એમ, ચન્દ્ર- સૂર્ય નાડી, ગંગા યમુના નાડી, ઈડા પિંગલા નાડીને સ્થિર કરીને, સાક્ષ્ાી રૂપ બનાવીને, સુષુમ્ણા નાડીને જાગૃત કરીને, પોતાની ચેતનાને-પોતાની સુ2તાને શૂન્ય શિખર પર પહોંચાડે છે, કીડી એટલે જીવાત્માની સામે વિષયોની આસક્તિ, કાયાની આસક્તિ સમાન પ્રચંડ હાથી યુદ્ધ કરે છે, એમાં સામાન્ય જીવ હારે પણ યોગી-સાધક-સિદ્ધ-ભક્ત-સંતનો જીવાત્મા એ હાથીને પણ યુદ્ધમાં પરાસ્ત કરી દે છે.
યોગીજનો કહે છે કે મા2ા આત્માને કોઈ વસ્ત્ર-આવરણ નથી, માયાના અનેક આવરણોને મેં ફગાવી દીધાં છે, પોતાની બાહ્ય આંખોને બંધ કરીને આંધળો થયો એથી અંતરની આંખોથી પરમાત્માને જોઉં છું, મારા બાહ્ય કર્ણોને બંધ કરી દીધાં છે એટલે તો અનાહત-અનહદ બ્રહ્મનાદને અવિરત સાંભળી રહ્યો છું, ભૂખ, તરસ, આળસ, કામ, ક્રોધ, મોહ, લાલચ, ઈર્ષ્યા, અદેખાઈ જેવી અનેક કામનાઓથી રહિત થઈને હું પંગુ એટલે કે પાંગળો થયો છું અને એટલે જ પરમાત્માના ઘર સુધી, અલખધણીના મહેલ સુધી પહોંચી ગયો છું.
આ પંક્તિઓનું અર્થઘટન આપણા સંતોએ અનેક રીતે ર્ક્યું છે. કોઈ કોઈ સંતો નીચે મુજબ પણ અર્થ કરે છે કે- બ્રહ્મજ્ઞાન વિનાના આંધળા તો વારંવાર બૂમો પાડી પાડીને કહેતા ફરે છે કે મેં ભગવાનને જોયો છે, બહિર્મુખી વૃત્તિવાળા, જેમણે કદી પોતાના આત્માના મૂળ અવાજને સાંભળ્યો જ નથી એ કહે છે કે મેં ભગવાનનો અવાજ સાંભળ્યો છે અને મારા શરણે આવો, મારી કંઠી બંધાવો તો તમને સંભળાવી શકું તેમ છું અને જે સાવ પાંગળા છે, વૃત્તિઓથી ઘેરાયેલા ને બંધાયેલા છે એવા અપંગ કહે છે કે હું તો આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાનના શિખર સુધી પહોંચી ગયો છું.
અગ્નિને ક્યારે ય ઠંડી લાગે?, પાણી ક્યારે ય તરસ્યું હોય? અનાજને ભૂખ લાગે? ગ્રથ (ઘૃત-ઘી) ક્યારેય સ્નિગ્ધતા-ચીકાશ વિનાનું હોય? પણ આ અવળવાણી છે. જે પિંડમાં કામાગ્નિ, વૈરાગ્નિ, જઠરાગ્નિ જેવી આગ ભડભડતી હોય એને તો બળવાનું જ હોય પણ જો બ્રહ્માગ્નિ પ્રગટે તો અન્ય તમામ અગ્નિ ઠરી જાય અને સાધકને પરમ કૃપાની શીતળતા પ્રાપ્ત થઈ જાય. જળ-પાણી-બિન્દુ-રજ-વીર્ય પોતે કાયમ વાસના માટે તરસ્યાં જ રહે છે, તરફડતાં રહે છે પણ એને જો એકવાર પ્રભુપ્રેમની તરસ-પ્યાસ જાગૃત થઈ જાય તો પછી એ હરિરસ-પ્રેમરસ-ભક્તિરસ સિવાય બીજી કોઈ વાસનામાં ખેંચાતા નથી. એક વખત સત્સંગનો, ભજનનો આહાર કર્યો હોય પછી સતત એની જ ઝંખના રહે છે, પછી એને તમામ શાસ્ત્ર-પુરાણો-ગ્રંથો લુક્ખાં લાગે છે, કારણ કે એમાં માત્ર શબ્દો છે, એનો મર્મ જાણે અને એ મુજબ જીવતર જીવે, આત્મસાધના કરે તો જ અનુભૂતિના ક્ષ્ોત્રમાં પ્રવેશી શકે.
સદ્ગુરુ કબીરસાહેબ સાધુજનોને ઉદેશીને કહે છે કે આ ઉલટવાણીને કોઈક વીરલા જ પારખી શકે છે અને એ પદ- એ સ્થાન સુધી પહોંચી શકે છે, જે પોતે ભવસાગર તરી ગયા હોય અને અન્ય જિજ્ઞાસુઓને પણ તારી શકે, જેમને ત્રણે ભવન-પૃથ્વી, પાતાળ અને આકાશ.. ત્રણે કાળ ભૂત, વર્તમાન અને ભવિષ્ય તથા ત્રણે ગુણ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના તમામ રહસ્યોનું જ્ઞાન થઈ ગયું હોય, જેને આપણે ત્રિકાળજ્ઞાની, બ્રહ્મવેત્તા, અવધૂત, સિદ્ધ કે યોગી તરીકે ઓળખીએ છીએ.