વિઠ્ઠલ વઘાસિયા
ઓસ્ટ્રેલિયાએ સોશ્યલ મીડિયાના વધતા દૂષણથી બાળકો અને કિશોરોને બચાવવા માટે જે કાયદો બનાવ્યો છે, તે વિશ્વના અનેક દેશો માટે વિચારણીય છે. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં આ પ્રકારનો કાયદો અમલમાં મૂકી શકાય કે નહીં, તે અંગે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને વિચાર કરવાની જરૂર છે.
સોશ્યલ મીડિયા આજે માનવજીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. માહિતી મેળવવી હોય, મિત્રતા જાળવવી હોય, મનોરંજન મેળવવું હોય કે અભ્યાસ કરવો હોય- દરેક ક્ષેત્રમાં સોશ્યલ મીડિયાનો પ્રભાવ જોવા મળે છે, પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે. સોશ્યલ મીડિયાના ફાયદા જેટલા મોટા છે, તેનાં દૂષણો પણ એટલાં જ ગંભીર છે. ખાસ કરીને યુવાપેઢી તેનું સૌથી વધુ ભોગ બનતું જાય છે.
આથી ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે કેટલાક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર નિયંત્રણ મૂકતો કાયદો બનાવ્યો છે. એ મુજબ સોશ્યલ મીડિયા કંપનીઓએ બાળકોની ઉંમરની ચકાસણી કરવી પડશે અને નિયમોનું પાલન ન કરનાર કંપનીઓ સામે ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ પગલું માત્ર પ્રતિબંધ નથી, પરંતુ બાળકોના માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને લેવામાં આવેલો નિર્ણય છે.
હવે પ્રશ્ન એ છે કે શું ભારત જેવા દેશમાં આવો કાયદો સફળતાપૂર્વક અમલમાં મૂકી શકાય?
આ પ્રશ્નનો જવાબ ‘હા’ કે ‘ના’માં આપી શકાય તેવો સરળ નથી. ભારતની વસતી, ભાષાકીય વૈવિધ્યતા, ડિજિટલ પહોંચ અને સામાજિક પરિસ્થિતિ ઓસ્ટ્રેલિયા કરતાં ઘણી જુદી છે.
ભારતમાં આજે કરોડો યુવાનો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ગામડાંથી લઈને મહાનગરો સુધી ઈન્ટરનેટ પહોંચી ગયું છે. ઑનલાઈન શિક્ષણ, ડિજિટલ પેમેન્ટ અને સરકારી સેવાઓ માટે પણ સોશ્યલ મીડિયાનો ઉપયોગ થવા લાગ્યો છે. આવી સ્થિતિમાં સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારુ ન બની શકે. પરંતુ બીજી તરફ જોવામાં આવે તો સોશ્યલ મીડિયાના કારણે અનેક ગંભીર સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે.
વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેની એકાગ્રતા ઘટી રહી છે. રાત્રે મોડે સુધી મોબાઈલ વાપરવાને કારણે ઊંઘની સમસ્યાઓ વધી રહી છે. ડિપ્રેશન, ચિંતા અને એકલતાની લાગણીઓ વધી રહી છે. સાયબર બુલિંગ અને ઓનલાઈન હેરાનગતિના બનાવો વધી રહ્યા છે. અશ્લીલ, હિંસક અને ભ્રામક સામગ્રી બાળકો સુધી સરળતાથી પહોંચી રહી છે. ખોટી માહિતી અને અફવાઓ સમાજમાં અશાંતિ ફેલાવે છે. આવા સંજોગોમાં સરકાર હાથ પર હાથ ધરીને બેસી રહે તે યોગ્ય નથી. આમ છતાં ભારત માટે સીધું ઓસ્ટ્રેલિયાનું મોડેલ અપનાવવું મુશ્કેલ બની શકે છે. તેનાં અનેક કારણ છે:
પ્રથમ, ભારતની વસતિ 140 કરોડથી વધુ છે. દરેક વ્યક્તિની ઉંમરની સાચી ચકાસણી કરવી ટેક્નિકલ રીતે ખૂબ જ પડકારજનક છે.
બીજું, ઘણા વિદ્યાર્થીઓ ઑનલાઇન શિક્ષણ માટે પણ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે. સંપૂર્ણ પ્રતિબંધ તેમના અભ્યાસને પણ અસર કરી શકે છે.
ત્રીજું, લોકશાહી દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ મહત્ત્વપૂર્ણ અધિકાર છે. તેથી કોઈપણ કાયદો સંતુલિત હોવો જોઈએ.
ચોથું, ઘણાં બાળકો માતા-પિતાના મોબાઈલ દ્વારા સોશ્યલ મીડિયા વાપરે છે. માત્ર કાયદાથી આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવી શકે નહીં.
તો પછી ભારતે-આપણે શું કરવું જોઈએ?
ભારત માટે સંપૂર્ણ પ્રતિબંધ કરતાં જવાબદાર નિયંત્રણ વધુ યોગ્ય માર્ગ બની શકે. સરકારે સોશ્યલ મીડિયા કંપનીઓ માટે કડક ઉંમર ચકાસણીની વ્યવસ્થા ફરજિયાત બનાવવી જોઈએ.
બાળકો માટે અલગ અને સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવા જોઈએ. શાળાઓમાં ડિજિટલ સાક્ષરતા અને સોશિયલ મીડિયા અંગે જાગૃતિનો અભ્યાસક્રમ શરૂ કરવો જોઈએ. બાળકોના મોબાઈલ ઉપયોગ અંગે માતા-પિતાને તાલીમ અને માર્ગદર્શન આપવું જોઈએ. સાયબર ક્રાઈમ સામે ઝડપી કાર્યવાહી થાય તેવી વ્યવસ્થા મજબૂત બનાવવી જોઈએ. બાળકો માટે સ્ક્રીન ટાઈમ અંગે માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ.
સોશ્યલ મીડિયા કંપનીઓને નુકસાનકારક સામગ્રી ઝડપથી દૂર કરવાની કાનૂની જવાબદારી સોંપવી જોઈએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે માત્ર કાયદાથી સમસ્યા હલ થતી નથી. સમાજ, પરિવાર, શિક્ષકો અને સરકાર-ચારેયની સંયુક્ત જવાબદારી જરૂરી છે. માતા-પિતા પોતે જ કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે અને પછી બાળકોને મોબાઈલ ન વાપરવાની સલાહ આપે, તો તે અસરકારક બનતી નથી. બાળકો ઉપદેશ કરતાં ઉદાહરણથી વધુ શીખે છે. શિક્ષકો પણ વિદ્યાર્થીઓને સોશ્યલ મીડિયાનાં જોખમો વિશે સમયાંતરે માર્ગદર્શન આપે તો ઘણો ફેર પડી શકે.
આખરે એટલું કહી શકાય કે ઓસ્ટ્રેલિયાનો કાયદો એક સકારાત્મક દિશા સૂચવે છે, પરંતુ ભારતે તેને યથાવત્ અપનાવવાને બદલે પોતાની સામાજિક, શૈક્ષણિક અને ટેક્નોલોજીકલ પરિસ્થિતિને અનુરૂપ સુધારાઓ સાથે અમલમાં મૂકવો જોઈએ. પ્રતિબંધ કરતાં સમજણ પૂર્વકના ઉપયોગની સંસ્કૃતિ વિકસાવવી વધુ જરૂરી છે.