હેન્રી શાસ્ત્રી
ચીનમાં ચશ્મીસ ચોરની ચાલબાજી
રમતિયાળ ગીતો માટે જાણીતા દેવાંગ પટેલના ‘ચશ્મીસ ચશ્મીસ મને લોગ બોલે’માં ઠઠ્ઠા - ઉપહાસનો ભાવ છે. કોલેજમાં કોઈને ‘એ ચશ્મીસ’ ઉતારી પાડવાના આશય સાથે જ કહેવામાં આવતું. જોકે, ચીનમાં ચશ્મીશ વિદ્યાર્થીઓ અતિ સ્માર્ટ ગણાય છે. પરીક્ષા ખંડમાં આવા વિદ્યાર્થીઓ પર ધ્યાન રાખવા સુપરવાઈઝરએ બિલોરી કાચ લઈ ફરવું પડતું હોય છે. પહેલી જુલાઈએ આપણે ‘મુંબઈ સમાચાર’ના સ્થાપના દિનની ઉજવણીમાં મશગૂલ હતા ત્યારે સાઉથ ચાઈના એગ્રિકલચરલ યુનિવર્સિટીમાં લિન અટક ધરાવતા ચશ્મીશ વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતા રંગે હાથ પકડાઈ ગયો હતો.
હાથમાં ચશ્મા સાથે, AIની કરામતવાળા ચશ્મા સાથે કહેવું વધુ યોગ્ય કહેવાશે. પરીક્ષા ખંડમાં દેખરેખ રાખતા સુપરવાઈઝરના ધ્યાનમાં આવ્યું કે લિનના ચશ્માના કાચ થોડીક વાર માટે લીલા રંગના બની જતા હતા. ’ઉતાર તારા ચશ્મા, મારે ચેક કરવા છે’ એવો આદેશ છૂટ્યો અને લિનએ તરત કબૂલી લીધું કે પોતે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI) સંચાલિત ચશ્મા પહેરી ચીટિંગ કરી રહ્યો હતો. લિન ચશ્માની ફ્રેમને સ્પર્શે એટલે પ્રશ્નપત્રનો ફોટો પડી જાય અને થોડીવારમાં એ ચશ્મા સવાલના જવાબ આપી દે અને લિનભાઈ ફટાફટ લખી નાખે. ફોટો લેતી વખતે ફ્રેમમાં થતી ગ્રીન લાઈટ કોઈના ધ્યાનમાં ન આવે એની સાવચેતી રાખવાની.
જોકે, સ્માર્ટ સુપરવાઈઝરની આંખોએ આ મોડર્ન ચોરી પકડી પાડી. આ ઘટના સોશ્યલ મીડિયામાં વાયરલ થતાની સાથે કેટલાક વિદ્યાર્થિઓએ ગ્રીન લાઈટ ધ્યાનમાં ન આવે એ માટે શું કરવું એના ઉપાય સૂચવ્યા. બીજી એક વાત એ પણ બની કે ઓનલાઈન મળતા આ ચશ્માના ભાવ અચાનક વધારી દેવામાં આવ્યા. બીજિંગ, હેનાન તેમજ અન્ય કેટલીક જગ્યાએ પણ આ પ્રકારની ચોરીના કિસ્સા નોંધાયા છે.
રખેવાળની રોકડ રકમ સાથે રમત
એકવીસમી સદી બહુ ઝડપથી ‘સેન્ચુરી ઓફ ફ્રસ્ટ્રેશન’ - હતાશાની સદીની ઓળખ મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. સવારે આંખ ઉઘડે અને રાત્રે બિડાય ત્યાં સુધીમાં આ આંખો ચકરાવે ચડી જાય, આંખે અંધારા આવી જાય કે એ પહોળી થઈ જાય એવી ઘટના દરરોજ બનતી હોય છે. કેટલીક ધ્યાનમાં આવે તો અનેક એવી પણ હોય કે નજરમાંય ન આવે. સાઉથ કોરિયામાં પૈસાના મામલે એક એવી ઘટના બની છે કે આર્થિક વ્યવહારમાંથી ચલણી નોટની બાદબાકી કરવાનો વિચાર કોઈને આવે તો એની નવાઈ નહીં લાગે.
કોરિયાના જોન્ગજુ શહેરની બેંકમાં મેનેજર જ રોકડ રકમ સાથે રમત રમી ગયો, રૂઢ અર્થમાં અને સૂક્ષ્મ અર્થમાં સુધ્ધાં. કોઈ કલ્પના પણ ન કરી શકે એવા સરળ કીમિયાથી બેન્કની તિજોરી- vault- માંથી 70 મિલિયન વન (દક્ષિણ કોરિયાનું ચલણ, આશરે 45 લાખ રૂપિયા)ની ઉચાપત કરવામાં સફળ રહ્યો. સ્થાનિક અહેવાલ અનુસાર બેન્કના વિશ્વાસુ મેનેજરે સાચી ચલણી નોટો તફડાવી એની જગ્યાએ ઓનલાઈન ઓર્ડર કરેલી બાળકોના રમવા માટેની રીંછ અને બતકના ચહેરા દર્શાવતી રમકડાંની નોટો ગોઠવી દીધી. નજીવો સ્ટાફ ધરાવતી બેંકમાં તિજોરીમાં જવાની પરવનગી માત્ર મેનેજરને જ હતી.
મેનેજર જ્યારે પણ ચલણી નોટોના બંડલ મૂકવા જતો ત્યારે અંદર અસલી સાથે નકલીની બદલી કરી નાખતો. લૂંટનો સિલસિલો ચાલી રહ્યો હતો એ દરમિયાન એક દિવસ કોઈ કર્મચારીને મેનેજરનું વર્તન શંકાસ્પદ લાગ્યું. એણે તરત મેનેજમેન્ટને ફરિયાદ કરી અને તાબડતોબ જાંચ માટે આદેશ છૂટ્યા અને મેનેજરની રમત પકડાઈ ગઈ.
બેન્કની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે એની તકેદારી તરીકે પોલીસ ફરિયાદ ટાળી બેંકે જાતે જ બધી તપાસ કરી. મેનેજરને બરતરફ કરવામાં આવ્યો અને સદનસીબે ચોરાયેલી બધી જ રકમ પાછી આવી ગઈ. બેન્ક દ્વારા કેસ બંધ કરી દેવામાં આવ્યો. જોકે, રમકડાંની બેન્કનોટના ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગયા અને જનતાને જાણ તો થઈ જ ગઈ.
અને પેસેન્જર હવામાં ઓગળી ગયો
અજબ દુનિયામાં એવી ગજબની ઘટનાઓ બનતી રહે છે કે એ જાણ્યા પછી બે ઘડી વિશ્વાસ ન બેસે. મન માનવા - સ્વીકારવા તૈયાર જ ન થાય. ટીકુ તલસાણીયાની જેમ બૂમ પાડવાનું મન થાય કે ‘યે ક્યા હો રહા હૈ?’ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી 55 વર્ષ જૂની એક ઘટના ‘કુછ ભી હો સકતા હૈ’ દલીલને સમર્થન આપનારી છે. ક્યારેક બુદ્ધિ કે તર્ક કામ ન કરે એવી ઘટના બનતી હોય છે.
વાત એમ છે કે 1971ની 24 નવેમ્બરે એક અનોખી ઘટના બની હતી. બપોરે બારના ટકોરે યુએસના ઓરેગોન રાજ્યના પોર્ટલેન્ડ શહેરથી એક વિમાન હવાઈપટ્ટી પર સરકી હવામાં ઉડાન ભરી વોશિંગ્ટનના સિએટલ શહેર જવા ઊપડ્યું. વિમાનમાં જે મુસાફરો હતા એમાં એક ડી. બી. કૂપર નામનો શખ્સ પણ હતો. તેણે ડેન કૂપરના નામે ટિકિટ બુક કરાવી હોવાની નોંધ છે. સાચું નામ કદાચ જુદું હોઈ શકે છે. વિમાન હવામાં ઊડવા લાગ્યા પછી મિસ્ટર કૂપરે પોત પ્રકાશ્યું અને વિમાન હાઈજેક થયું હોવાનું એલાન થયું.
વિમાન અને મુસાફરોને બાનમાંથી મુક્ત કરવા એ શખ્સે બાનાની રકમ તરીકે બે લાખ ડૉલર માગ્યા. આશ્ચર્યજનક રીતે એ રકમ એને ઉડતા વિમાનમાં જ ચૂકવી દેવામાં આવી અને પછી જે થયું એ જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ. વિમાન વોશિંગ્ટન વિસ્તારમાં પહોંચ્યું ત્યારે ખંડણીની રકમ લઈ પેરેશૂટની મદદથી તેણે વિમાનમાંથી કૂદકો માર્યો અને જાણે કે હવામાં ઓગળી ગયો. એની ક્યારેય ઓળખ ન થઈ શકી કે પોલીસ એની ધરપકડ પણ ન કરી શકી.
એવી માન્યતા છે કે ઊંચાઈએથી કૂદકો લગાવ્યા પછી કૂપર જીવતો નહીં બચ્યો હોય. જોકે ગુપ્તચર સંસ્થા એફબીઆઈએ 45 વર્ષ તપાસ ચાલુ રાખી અને છેવટે 2016માં કેસ બંધ કરી દીધો. કોઈ પણ પ્રકારના પુરાવા મળે તો કાર્યાલય પર પહોંચાડવા અપીલ પણ કરવામાં આવી હતી. જોકે, 10 વર્ષમાં કોઈ પણ જવાબ ન મળતા હવે આ કેસ કાયમ માટે માળિયે મૂકી દેવામાં આવ્યો છે.
કચરો વીણવા ગઈ’તી મોરી સૈયર...
દુનિયામાં પરિસ્થિતિ સાપેક્ષ હોય છે. એક જ ઘટના અલગ અલગ વ્યક્તિ માટે જુદા જુદા અર્થ ધારણ કરી શકે છે. કોઈનું જોણું કોઈના માટે રોણું હોઈ શકે છે, જેમ કે જો કોઈ વેપારીને મોંઘવારીના કારણે સારો એવો નફો થતો હોય (વેપારી માટે જોણું/આનંદ) પણ આ જ મોંઘવારી સામાન્ય ગરીબ માણસ માટે ભરણપોષણની મુશ્કેલી બની જાય છે (ગરીબ માટે રોણું/દુ:ખ). યુએસના આક્રમણને પગલે ચાલી રહેલું યુદ્ધ ઈરાન માટે આફત બની ગયું છે પણ એ જ યુદ્ધ ઈજિપ્ત માટે અવસર બની ગયું છે.
યુદ્ધના રણશિંગા વચ્ચે વાંસળીના સૂર રેલાઈ રહ્યા છે. યુએસના હુમલાને કારણે ઈરાનના અર્થતંત્રને ઘસારો પહોંચી રહ્યો છે ત્યારે બે હજાર કિલોમીટર દૂર સ્થિત ઈજીપ્તની રાજધાની કૈરોની સીમા પરનો સાડા પાંચ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ‘ગાર્બેજ સિટી’ - કચરાના શહેર તરીકે નામચીન વિસ્તારના અર્થતંત્રમાં અચાનક તેજી આવી છે. સિત્તેરેક હજારની વસતિવાળા આ ‘ઉકરડાના ઉદ્યાન’નું અર્થતંત્ર કૈરોથી ઠાલવવામાં આવેલી નકામી-ફેંકી દેવાયેલી ચીજવસ્તુ ફેંદી, એનું વર્ગીકરણ કરી એને ફરી ઉપયોગમાં લાવવાની કોશિશ ફરતે વીંટળાયેલું છે. અહીંના લોકો ઝબાલીન (ઉકરડો ફેંદનારા) તરીકે ઓળખાય છે.
આ લોકોની મુખ્ય પ્રવૃત્તિ ‘રિપરપઝિંગ’ની છે, જેમાં વીણી વીણીને અલગ તારવેલી આઈટમનું રૂપાંતર વાપરવા લાયક વસ્તુઓમાં કરી દેવામાં આવે છે. ટ્રમ્પના આક્રમણ પછી આ કચરો કરન્સી નોટ રળવાનું માધ્યમ બની ગયો છે. રિસાઈકલ્ડ આઇટમ્સની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે છેક બ્રાઝિલથી ઓર્ડર આવી રહ્યા છે. ‘કથીરમાંથી કંચન’ કહેવતનો સાક્ષાત અનુભવ લોકો કરી રહ્યા છે.
લ્યો કરો વાત
‘જીવતો હાથી લાખનો મરે તો સવા લાખનો’ બહુ જ જાણીતી કહેવત છે. જોકે, લુપ્ત થઈ ગયેલા મહાકાય પ્રાણી ડાયનાસોરની બાબતમાં આ કહેવત નવેસરથી ‘જીવતો ડાયનોસોર લાખોનો, પણ મર્યા પછી અબજોનો’ એ રીતે લખવી પડે એવું જોવા મળ્યું છે.
યુએસના ન્યુયોર્ક શહેરમાં ‘ગસ’ નામ ધરાવતું ડાયનાસોરનું એક હાડપિંજર અધધ કહી શકાય એવી રકમમાં- 483 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ સાથે ‘સૌથી મૂલ્યવાન મરણોત્તર ડાયનાસોર’નો રેકોર્ડ એના નામે થઈ ગયો છે. અગાઉ 2024માં 433 કરોડમાં વેચાયેલા બીકે એપેક્સના હાડપિંજરનો વિક્રમ તૂટી ગયો છે. 38 ફૂટ લાંબા અને ખાસ્સું વજન ધરાવતું આ હાડપિંજર વૈજ્ઞાનિકો માટે ખજાના જેવું છે, કારણ કે એના પર અનેક પ્રયોગો કરી ઉત્ક્રાંતિને નવેસરથી સમજવાની કોશિશ કરવામાં આવશે. 10 મિનિટ ચાલેલી નીલામી પછી ખરીદનારનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.