Wed Jun 17 2026

Logo

ચેક ડેમ, તળાવ અને સિંચાઈ અંગે રાજુ કરપડાનું નિવેદન, ખેડૂત આંદોલન મામલે પાળ્યું મૌન!

2026-06-17 14:38:00
Author: Vimal Prajapati
Article Image

સુરેન્દ્રનગર: ગુજરાતના ખેડૂતો પોતાની પડતર સમસ્યાઓ અને હક્કોને લઈને અત્યારે મેદાને આવ્યા છે. પાણી અને વાવણીની સમસ્યાઓને લઈને ખેડૂતો દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા જ ખેડૂતોએ પોતાની માગણીઓ સંતોષવા માટે એક વિશાળ ટ્રેક્ટર રેલી પણ કાઢી હતી, પરંતુ આ રેલીથી ખેડૂતોને કોઈ ખાસ આર્થિક કે વહીવટી ફાયદો થયો નથી. આ રેલી કોના કારણે નિષ્ફળ રહી તે ચર્ચા વચ્ચે મૂળી જિલ્લા પંચાયત સદસ્ય અને અગ્રણી નેતા રાજુ કરપડાનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. જ્યારે તેઓ ભાજપમાં નહોતા ત્યારે તો આવેગાત્મક ભાષણ આપતા હતા પરંતુ હવે પક્ષામાં રહીને શું કહી રહ્યાં છે તે જોવાનું છે. ચાલો વિગતે વાત કરીએ...

ઉલ્લેખનીય છે કે, રાજુ કરપડા જ્યારે ભાજપમાં નહોતા ત્યારે તેઓ ખેડૂતોના મુદ્દે સરકાર સામે અત્યંત આક્રમક અને આવેગાત્મક ભાષણો આપવા માટે જાણીતા હતા, પરંતુ હવે સત્તાધારી પક્ષમાં આવ્યા બાદ તેમના સુરમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. ખેડૂતોની સમસ્યાઓ અંગે વાત કરતા મૂળી જિલ્લા પંચાયત સદસ્ય રાજુ કરપડાએ મુખ્યત્વે પાણી, ચેકડેમ, તળાવો અને વાવણીના પ્રશ્નો પર જ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના હક્ક માટેની લડત આગામી સમયમાં વધુ તેજ કરવામાં આવશે અને આ માટે જિલ્લાના તમામ ખેડૂતોને એક મંચ પર આવવા આહ્વાન કર્યું હતું.

કેમ સરકારનો આભાર  માન્યો? 

રાજુ કરપડાએ ખાસ કરીને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી ‘સૌની યોજના’ (SAUNI Yojana - Saurashtra Narmada Avtaran Irrigation) અંગે વાત કરતા જણાવ્યું કે, આજથી જ 'સૌની યોજના લિંક-૩' ચાલુ કરી દેવામાં આવશે. જેનાથી મૂળી તાલુકા અને થાનગઢ તાલુકાના સૂકા તળાવોને પાણીથી ભરી દેવામાં આવશે. આ રાહત માટે તેમણે સરકારની કામગીરીની સરાહના કરી આભાર પણ માન્યો હતો.

સુરેન્દ્રનગરમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને મુળી જિલ્લા પંચાયત સદસ્ય રાજુ કરપડાએ જિલ્લાના તમામ ખેડૂતોને એક મંચ પર આવી સંગઠિત થવા અપીલ કરી હતી અને ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે આગામી કાર્યક્રમોની પણ માહિતી આપી હતી. મહત્વની વાત એ છે કે, અત્યારે રાજુ કરપડા માત્ર સરકારના વખાણ કરતા જ જોવા મળ્યાં છે. પહેલા જેવી રીતે ખેડૂતો માટે તેમના સમસ્યાઓ માટે સરકારને સવાર કરતા તેવો સૂર અત્યારે જોવા મળ્યો નથી. ખેડૂતોએ મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી કાઢી તે શા માટે હતી, તેમના પર સરકાર શું કામગીરી કરશે તે અંગે રાજુ કરપડાએ બોલવાનું ટાળ્યું છે.

ટ્રેક્ટર રેલી પર બોલવાનું ટાળ્યું

ખેડૂતો દ્વારા જે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી, તે શા માટે યોજાઈ હતી અને તેના પર સરકાર હવે આગામી સમયમાં શું નક્કર કામગીરી કરવાની છે, તે અંગે રાજુ કરપડાએ કંઈપણ બોલવાનું સ્પષ્ટપણે ટાળ્યું હતું. પહેલાની જેમ સરકારને સીધા સવાલ કરવાને બદલે હવે તેઓ મધ્યસ્થીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં પણ અલગ-અલગ ચર્ચાઓએ જોર પકડ્યું છે.