Sun Jul 26 2026

Logo

320 કિમીની ઝડપે દોડનારી બુલેટ ટ્રેન ભૂકંપ પહેલા આપમેળે ઊભી રહી જશે 15 ઓગસ્ટ, 2027ના દિવસે પ્રારંભ

2026-07-25 22:19:13
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન રૂટનું વીજળીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ૩૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનારી બુલેટ ટ્રેન માટે અવિરત અને સ્થિર વીજ પુરવઠો મળતો રહે એ માટે ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય પાવર ગ્રીડમાંથી એક ખાસ સબસ્ટેશન મારફત અને પછી બુલેટ રૂટ પરના સબસ્ટેશન દ્વારા વીજળી પૂરી પાડવામાં આવશે.

આ બુલેટ ટ્રેન એક અદ્યતન સિસ્ટમ દ્વારા સંચાલિત હશે. ટ્રેનનો પેન્ટોગ્રાફ 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી વખતે ઓવરહેડ વાયરમાંથી સતત પાવર ખેંચી શકે એવી યાંત્રિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ હાઇ-સ્પીડ મુસાફરી દરમિયાન સ્પાર્ક, પાવર વધઘટ અથવા વિક્ષેપો ટાળવામાં મદદ મળશે.રાષ્ટ્રીય ગ્રીડમાંથી વીજળી સૌપ્રથમ એક ખાસ ગ્રીડ સબસ્ટેશન પર લાવવામાં આવશે. ત્યારબાદ રૂટ પરના 14 ટ્રેક્શન સબસ્ટેશન દ્વારા બુલેટ ટ્રેનને વીજળી પૂરી પાડવામાં આવશે.

આ સબસ્ટેશનમાંથી પાંચ મહારાષ્ટ્રમાં છે, જ્યારે નવ ગુજરાતમાં છે. રાજ્યમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર અને થાણે ડેપોમાં સબસ્ટેશન સ્થાપિત કરવામાં આવશે. ગુજરાતમાં, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ડેપોમાં સબસ્ટેશન હશે.બુલેટ ટ્રેન માટે 1 હજાર 125 કિમી ટ્રેક પર ફેલાયેલા ખાસ ઓવરહેડ ઇલેક્ટ્રિકલ વાયરનું નેટવર્ક બેસાડવામાં આવ્યું છે. દરેક ટ્રેક્શન સબસ્ટેશન  સિસ્મોમીટરથી સજ્જ હશે, જે સેકન્ડોમાં ભૂકંપની ગતિવિધિઓ શોધી શકે છે અને રક્ષણાત્મક પગલાં શરૂ કરી શકે છે, જેથી ભૂકંપની સ્થિતિમાં બુલેટ ટ્રેનને તાત્કાલિક રોકી શકાય.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો પહેલો તબક્કો ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ ના રોજ કાર્યરત થશે. પહેલી ટ્રેન ગુજરાતમાં સુરતથી બીલીમોરા સેક્શન પર દોડશે. આ સમગ્ર રૂટ ૫૦૮ કિમી લાંબો છે. ત્યારબાદ આગામી રૂટ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. બુલેટ ટ્રેનમાં મુંબઈથી અમદાવાદ  માત્ર બે કલાક અને સાત મિનિટમાં પહોંચી જવાશે. મુંબઈ-અમદાવાદ કોરિડોર પછી, હૈદરાબાદથી ત્રણ હાઇ-સ્પીડ ટ્રેન દોડશે. મુંબઈ-પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-ચેન્નાઈ જેવા રેલ્વે કોરિડોરને લીલી ઝંડી આપવામાં આવી છે.