સ્ટાર-યાર-કલાકાર - સંજય છેલ
કોઇની ભૂખ ભાંગવાનો પ્રેમ કરતાં વધુ નિષ્ઠાવાન પ્રેમ બીજો કોઈ નથી.
બર્નાર્ડ શો
..
પહલે ખાના, બાદ મેં ગાના
ગાયક-અભિનેતા કિશોરકુમાર
.
માં કે હાથ કા ખાના દુનિયા મેં કહીં નહીં મિલતા!
-હિન્દી ફિલ્મોનો ટિપિકલ ડાયલોગ
આજકાલ ફિલ્મ જોવા જઈએ ત્યારે ફિલ્મની ટિકિટ કરતાં મોંઘી પોપકોર્ન ખાઈએ છીએ અને પડદા પર પણ કોઈ ને કોઈ સતત ખાતું જ હોય છે! પ્રેમી પ્રેમિકાને કોફી પર બોલાવે, પરિવાર તૂટતો હોય તો ડાઇનિંગ ટેબલ પર ઝઘડે ને ગરીબી બતાવવી હોય તો ખાલી થાળી બતાવી દે. ટૂંકમાં સિનેમા અને ભોજનનું બહુ જૂનું અફેર ચાલે છે.
સમાજમાં અમીરગરીબના વર્ગભેદનો એક કિસ્સો મને મારી જ લખેલી ‘રંગીલા’ પરથી યાદ આવે છે. આમિર ખાન મુન્ના ટપોરી છે. મિલી (ઉર્મિલા)ને પ્રપોઝ કરવા ફાઇવ સ્ટાર હોટેલમાં લઇ જાય છે. આસપાસ છરી ચમચીની શિસ્ત ને પહેલીવાર ઝાકઝમાળ જોઇ રહેલો ગરીબ મુન્નો!
ગરમી લાગે છે તો છોકરી સામે વટ પડવા એ વેઇટરને જાણે ગલીની હોટેલનો છોકરો હોય એમ હુકમ કરે છે, એ.સી. ઇધર ઘુમા...! આ નાનકડી ક્ષણમાં હાસ્ય સાથે લોઅર મિડલક્લાસની સચ્ચાઇ પણ હતી. મુન્ના અમીરોની દુનિયામાં આવ્યો છે, પણ પોતાની ટપોરી દુનિયા સાથે લઈને આવ્યો છે.
અત્યારે અહીં ફૂડપુરાણ યાદ આવવાનું કારણ છે- તુકારામ મુંઢે. મુંબઈની રેસ્ટોરાં- ડેરી- કેન્ટિન- મીઠાઈની દુકાનોથી માંડીને નાની લારીઓ સુધી સ્વચ્છતાની સરકારી ઈમાનદાર ઓફિસર મુંઢેજી દ્વારા ઠેરઠેર તપાસ ચાલી રહી છે. બચ્ચાંઓનાં પ્યારા મેકડોનાલ્ડ્સ, ટાઉનમાં ક્રિકેટ સંસ્થાની કેન્ટિન, જુહૂની તિવારી સ્વીટ્સ જેવી જાણીતી જગ્યાઓ પણ સપાટામાં આવી ગઇ. ક્યાંક નોટિસ, ક્યાંક કાર્યવાહી.... મુંબઈગરાઓને અચાનક ફાસ્ટફૂડના મેનુની પાછળનું ગંદું રસોડું પણ દેખાણું! વાનગી સ્વાદિષ્ટ છે એ જીભ કહે, પણ એ જ્યાં બને છે એ જગ્યા, પદાર્થો સ્વચ્છ છે કે નહીં એ કોણ કહે?
સિનેમામાં ખાવાપીવામાં પ્રેમની શરૂઆત થતી હોય છે. ગુરુદત્તની ક્લાસિક ફિલ્મ ‘પ્યાસા’માં કવિ વિજય પાસે શાયરી ને સ્વાભિમાન તો છે, પણ ખિસ્સામાં ખાવા માટે પૈસા નથી. ત્યારે સમાજ જેને ‘ઇજ્જતદાર’ નથી ગણતો એવી તવાયફ ‘ગુલાબો’ (વહીદા રહેમાન) કવિની ભૂખ સમજે છે ને રેસ્ટોરાંમાં જમાડે છે. કેવી કરુણતા છે કે જે સમાજ કવિની કવિતાને ઓળખતો નથી ત્યાં એક વેશ્યા એની ભૂખ ઓળખે છે અને ત્યાંથી બંને વચ્ચે લાગણીનો દોર બંધાય છે.
સુપર સ્ટાર રાજેશ ખન્ના અને આપણાં ગુજજુ સુપરહિટ નિર્દેશક મનમોહન દેસાઇની ‘રોટી’ ફિલ્મમાં રોટલી ફિલ્મનું નામ પણ છે ને પ્રતીક પણ. શરૂઆતમાં જ તંદૂરમાં રોટલી બનતી જાય છે અને સાથે કલાકાર-કસબીઓના ટાઇટલ્સ દેખાય છે. પછી એ જ રોટી માટે માણસોની ખેંચતાણ ને ઝઘડો થાય છે. જાણે આખી ફિલ્મનો મુદ્દો દર્શાવતા હોય કે માણસજાત ગમે એટલી પ્રગતિ કરે, તેની સૌથી જૂની લડાઈ રોટી માટે જ છે એટલે જ મનોજ કુમારની હિટ ફિલ્મ ‘રોટી કપડા ઔર મકાન’ માત્ર ફિલ્મનું નામ નહોતું, સામાન્ય માણસની જીવનકથા ત્રણ જ શબ્દોમાં બયાન થતી હતી.
બોલિવૂડમાં તો આખેઆખું મેનુ ફિલ્મોનાં નામમાં ઘૂસી ગયું છે. ‘રોટી’, ‘ભૂખ’, ‘નમક હલાલ’, ‘નમક હરામ’, ‘ચીની કમ’, ‘મિર્ચ મસાલા’, ‘ગરમ મસાલા’, ‘બર્ફી’ અને ‘લંચબોક્સ’....ક્યાંક મીઠું વફાદારીનું પ્રતીક, ક્યાંક મરચું આક્રોશનું. જો આમને આમ ચાલશે તો વડા પાંવ કે પાણીપુરી નામની ફિલ્મોયે બની જશે!
હૃષીકેશ મુખર્જીની ફિલ્મ ‘બાવર્ચી’માં રાજેશ ખન્નાનો રસોઈયો માત્ર શાક, દાળ કે ચટણી નથી બનાવતો, વેરવિખેર પરિવારને એક કરીને એક ટેબલ પર બેસાડે છે. ઘણી વાર જે કામ મનોવૈજ્ઞાનિક ન કરી શકે તે ગરમ રોટલી કરી જાય છે! અહીં રસોડું બાવર્ચી કે રસોયા માટેની માત્ર જગ્યા નથી, આખા ઘરનું હૃદય છે...
- અને હિન્દી ફિલ્મોની માતાઓ! દીકરો બે વર્ષ પછી ઘરે આવે તો ગળે મળતાં પહેલાં કહે, બેટા, આજ મૈંને તેરે લિયે અપને હાથોં સે ગાજર કા હલવા બનાયા હૈ!
મને હંમેશાં સવાલ થાય કે માને કેવી રીતે ખબર હતી કે હીરો આજે જ આવવાનો છે? હીરો ગોળી ખાઈને આવ્યો હોય કે પ્રેમમાં દગો મળ્યો હોય, ગાજરનો હલવો જોઈને નોર્મલ થઈ જાય! દીકરા માટે હલવો, પ્રેમિકા નારાજ હોય તો કોફી અને વિલનને કોઈની હત્યા કરવાની હોય તો પહેલાં દારૂનો પેગ અને સુહાગણની સ્ટાન્ડર્ડ નિશાની એટલે ‘કરવા ચૌથ’નો ઉપવાસ!
ફિલ્મ ‘ચીની કમ’માં અમિતાભ બચ્ચન લંડનની રેસ્ટોરાંનો ઘમંડી શેફ છે. તબુ તેની વાનગીમાં ખામી કાઢે છે અને રસોઈમાંથી રોમાન્સ શરૂ થાય છે. પ્રેમનો આરંભ અહીં આંખ મળવાથી નહીં, વાનગીમાં ભૂલ કાઢવાથી થાય છે! ઇરફાન અને રીતેશ બત્રાની ઇન્ટરનેશનલી વખણાયેલી ‘ધ લંચબોક્સ’ અલગ જ ફૂડરોમાન્સ છે.
મુંબઈના ડબ્બાવાળાની વ્યવસ્થામાં એક ડબ્બો ખોટી જગ્યાએ પહોંચે છે અને બે એકલાં માણસોની જિંદગી સાચી જગ્યાએ પહોંચવા લાગે છે. ઇલા બનાવે છે, સાજન ફર્નાન્ડિસ ખાય છે અને ટિફિન સાથે ચિઠ્ઠીઓની આપ-લે થાય છે. આ ફિલ્મનો રોમાન્સ રેસ્ટોરાંમાં નથી, સ્ટીલના ડબ્બામાં છે. ક્યારેક ‘આઇ લવ યુ’ ને બદલે ટિફિન પણ પ્રેમપત્ર બની શકે છે.
હોલિવૂડની કલ્ટ ક્લાસિક ગણાતી ‘પલ્પ ફિક્શન’માં બર્ગર પણ પિસ્તોલ જેટલો ખતરનાક લાગે છે. જ્યુલ્સ સામેના માણસનો બર્ગર ઉઠાવીને ખાય છે અને સામાન્ય નાસ્તો મૃત્યુની ધમકી બની જાય છે તો અંડરવર્લ્ડની ‘ગુડફેલાઝ’ ફિલ્મમાં ગેંગસ્ટરો જેલમાં રસોઈ કરે છે ને લસણ એટલું પાતળું કાપે છે કે જાણે રસોઈની સ્પર્ધામાં આવ્યા હોય. માણસ હત્યા કરી શકે, પણ પાસ્તાના સોસમાં બેદરકારી નહીં કરે!
‘રેટાટુઈ’ સ્વીટ ફિલ્મમાં પેરિસની મોટી રેસ્ટોરાંમાં ઉંદર રસોઈ બનાવે છે. તુકારામ મુંઢે એ ફિલ્મમાં અધિકારી હોત તો કદાચ ઇન્ટરવલ પહેલાં જ રેસ્ટોરાં સીલ થઈ ગઈ હોત! પણ આ ફિલ્મમાં આખું ઓડિયંસ પોતાના બાળપણમાં પહોંચી જાય છે. અહીં ‘સ્વાદ’ જાણે ટાઇમમશીન બની જાય છે.
બોલિવૂડમાં ફિલ્મી રેસ્ટોરાંનું એક રહસ્ય તો આજ સુધી ઉકેલાયું નથી. હીરો - હીરોઇન ડિનર કરવા જાય. મોંઘી વાનગીઓ આવે ને બેચાર સંવાદ પછી હીરોઇન કહે, મુઝે તુમસે યે ઉમ્મીદ નહીં થી! ને ઉઠીને ચાલી જાય. ‘બિલ કોણ ભરે?’- એનો ખુલાસો હિન્દી સિનેમાએ આજ સુધી કર્યો નથી...!
પોલીસ ઇન્સ્પેક્ટર પણ લારી પર ચાનો પહેલો ઘૂંટ લે ત્યાં કોઈ દોડતું આવે, સાબ, લાશ મિલી હૈ! પોલીસ જીપમાં નીકળી જાય ને બિચારો ચાવાળો પૈસાની રાહ જોતો હજી સુધી કદાચ ઊભો હશે.
નાનપણમાં જોયેલી, પહેલવાન હીરો દારાસિંગને હનુમાન તરીકે દર્શાવતી પૌરાણિક ફિલ્મમાં એક મસ્ત સીન હતો. લંકા વિજય પછી સીતામાતા હનુમાનજી અને વાનરસેનાને જમવા બોલાવે છે ત્યારે હનુમાનજી ‘માતાજી ઔર પરોસીએ’ કહી કહીને પહેલાં તો આખા મહેલનું ને પછી આખી અયોધ્યાનું ખાવાનું જમી લે છે!
ફિલ્મમાં જમવાનો સીન નબળો હોય તો એને કાપી શકાય, પણ જિંદગીમાં વાસી કે ભેળસેળિયું ખાવાથી જો પેટ ખરાબ થાય પછી ટોઇલેટ તરફ ભાગવાનાં રીટેક થયા જ કરે છે!
સલામ તુકારામજી મુંઢેજીને, હવે જો એમના પર બાયોપિક ફિલ્મ બને તો મુંબઇગરાઓનું બહારનું ખાવાનું કાયમ માટે છૂટી જાય.