Sat Sep 05 2026

Logo

મનુસ્મૃતિ મામલે રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, કોંગ્રેસના બહિષ્કારની આપી ચેતવણી

2026-08-28 08:56:00
Author: Vimal Prajapati
મનુસ્મૃતિ મામલે રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, કોંગ્રેસના બહિષ્કારની આપી ચેતવણી

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા મનુસ્મૃતિ અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ તેમનો વિરોધ સતત વધી રહ્યો છે. હવે આ મુદ્દે સાધુ-સંતોએ પણ રાહુલ ગાંધી સામે મોરચો ખોલ્યો છે. જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રાહુલ ગાંધીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, સનાતન ધર્મગ્રંથોનું વારંવાર અપમાન સહન કરવામાં આવશે નહીં.  

રાજકીય લાભ માટે ધર્મગ્રંથોનું અર્થઘટન કરવું યોગ્ય નથી

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સ્પષ્ટ કર્યું કે, રાજકીય લાભ-હાનિ ધ્યાનમાં રાખીને ધર્મગ્રંથોનું અર્થઘટન કરવું યોગ્ય નથી. જો રાહુલ ગાંધીને કોઈ શંકા હોય તો તેમણે પહેલાં ધર્માચાર્યો પાસે જઈને સાચો અર્થ સમજવો જોઈએ. હવે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીને માફી માંગવા માટે કહ્યું છે. જો આવું કરવામાં આવે તો શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ કોંગ્રેસનો ખુલ્લો વિરોધ કરશે. 

માફી નહીં માંગે તો કોંગ્રેસના બહિષ્કારની ચીમકી

તાજેતરમાં પુણેમાં આયોજિત ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ મનુસ્મૃતિ પર ટિપ્પણી કરતાં તેની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના જણાવ્યાં પ્રમાણે, જો રાહુલ ગાંધી પોતાના નિવેદન બદલ માફી નહીં માગે તો દેશભરના હિંદુઓ કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ બહિષ્કાર કરે અને તેમને વોટ ન આપે તેવી ઝુંબેશ ચલાવવામાં આવશે. ધર્મગ્રંથો દરેક સનાતની માટે શ્રદ્ધા અને આદરનું કેન્દ્ર છે. જે વ્યક્તિ ધર્મ અને તેની પરંપરાઓને સમજતી નથી, તેને તેના પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.  

 

વધુમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, ભાજપ હોય કે કોંગ્રેસ, આ દેશમાંથી હોય કે વિદેશમાં, કોઈ પણ આપણા શાસ્ત્રોનું અપમાન કરી શકે નહીં. આપણા શાસ્ત્રો આદરને પાત્ર છે અને આપણી શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે; આપણે તેમના ઉપદેશોને સમજીએ છીએ. જે આપણા ધર્મનો નથી તે તેને કેવી રીતે સમજી શકે?’ હવે જોવાનું એ રહેશે આ મામલે રાહુલ ગાંધી દ્વારા કેવી પ્રતિક્રિયા આપવામાં આવે છે.