મનોરંજનનું મેઘધનુષ - ઉમેશ ત્રિવેદી
સૈફ અલી ખાને અભિનય કારકિર્દીની શરૂઆત જ મલ્ટીસ્ટાર ફિલ્મથી કરી હતી. 1993માં આવેલી આ ફિલ્મ હતી ‘પરંપરા’. આ ફિલ્મમાં સુનીલ દત્ત, વિનોદ ખન્ના, આમિર ખાન, નીલમ, રવિના ટંડન, રામ્યા કૃષ્ણન, અશ્ર્વિની ભાવે અને અનુપમ ખેર જેવા ધુરંધર કલાકારોની વચ્ચે આ રાજવી કુટુંબના નબીરાએ અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મ યશરાજ બેનરની હતી, પણ બોક્સ ઓફિસ પર જોઈએ એવી ચાલી નહોતી.
પ્રસિદ્ધ અભિનેત્રી શર્મિલા ટાગોર અને વિખ્યાત ક્રિકેટવીર એવા મન્સુર અલી ખાનના આ પુત્રનો જન્મ 16 ઑગસ્ટ, 1970ના નવી દિલ્હીમાં થયો છે. પટૌડી રિયાસતનો એ 10મો રાજા છે. મન્સુર અલી ખાનનું 2011ના અવસાન થયું ત્યારે હરિયાણાના પટૌડી ગામમાં વિધિસર પાઘડી પહેરાવીને સૈફ અલી ખાનને રાજા જાહેર કરવામાં આવ્યો હતો.
પહેલી ફિલ્મ મલ્ટીસ્ટારર હોવા છતાં ફ્લોપ ગઈ હતી. પણ બીજી ફિલ્મ તેણે સોલો હીરો તરીકે કરી. આ ફિલ્મ હતી ‘આશિક આવારા’. ફિલ્મમાં તેની હીરોઈન મમતા કુલકર્ણી હતી. આ ફિલ્મ ‘પરંપરા’ રિલીઝ થઈ એનાં 15 દિવસમાં જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ઠીક-ઠીક બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે સૈફ અલી ખાનને ‘બેસ્ટ મેલ ડેબ્યુ’નો તેની કારકિર્દીનો પહેલો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો હતો. આ ઉપરાંત સૈફ અલી ખાને તેની કારકિર્દીમાં એક નેશનલ એવોર્ડ (ફિલ્મ ‘હમ તુમ’) અને સાત ફિલ્મફેર એવોર્ડસ મળ્યા છે. ‘આશિક આવારા’ પછી ‘દિલ ચાહતા હૈ’, ‘કલ હો ના હો’, ‘ઓમકારા’, ‘તાન્હાજી’, ‘લવ આજ કલ’, ‘હમ તુમ’ માટે મળ્યા છે અને સૌથી અગત્યનું એ છે કે દર વખતે તેને એવોર્ડ અલગ-અલગ કેટેગરીમાં મળ્યા છે. આ સિવાય 2010માં તેને પદ્મશ્રી એવોર્ડસથી પણ નવાજવામાં આવ્યો છે.
હીરોથી લઈને સપોર્ટિંગ એક્ટર અને વિલન તરીકેની ભૂમિકા ભજવનારા સૈફ અલી ખાનની આગામી ફિલ્મ ‘હૈવાન’ છે. આ ફિલ્મમાં તે અંધ વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે. ‘હૈવાન’ એ એક ક્રાઈમ થ્રીલર છે, જેનાં લેખક-દિગ્દર્શક પ્રિયદર્શન છે. ફિલ્મમાં અક્ષય કુમાર પૂર્ણપણે નેગેટીવ ભૂમિકા ભજવી રહ્યો છે.
સન, 1994માં ‘મૈં ખિલાડી તૂ અનાડી’ ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાને પહેલી જ વાર સાથે કામ કર્યું હતું અને ‘હૈવાન’ એ આ બંનેની સાતમી ફિલ્મ છે. આ અગાઉ આ બંને કલાકારો ‘મૈં ખિલાડી તૂ અનાડી’, ‘યે દિલ્લગી’, ‘તૂ ચોર મૈં સિપાહી’, ‘કિમત’, ‘આરઝુ’, ‘ટશન’ જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. ‘હૈવાન’ એ પ્રિયદર્શનની જ 2016માં આવેલી મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ની રિમેક છે.
સૈફ અલી ખાનની કારકિર્દી 33 વર્ષની થઈ છે અને આ દરમિયાન તેણે લગભગ 75 થી 80 ફિલ્મોમાં અભિનય કર્યો છે, તેમાં બે-એક તેલુગુ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. છેલ્લાં કેટલાક સમયથી સૈફ અલી ખાન નેગેટીવ ભૂમિકાઓ પર વધુ ધ્યાન આપી રહ્યો છે.
એક અભિનેતા ઉપરાંત નિર્માતા તરીકે પણ તેણે નામના મેળવી છે. સૈફ અલી ખાન બે વાર પરણ્યો છે. પહેલી વાર 1991માં અમૃતા સિંહને. તેમનું આ લગ્નજીવન 13 વર્ષ ટક્યું હતું. તે દરમિયાન અમૃતા સિંહે સારા અલી ખાન અને ઇબ્રાહીમ અલી ખાનને જન્મ આપ્યો હતો. અમૃતા સિંહ અને સૈફ પરણ્યા ત્યારે તેમની વચ્ચે 12 વર્ષનો તફાવત હતો. અમૃતા સિંહ ત્યારે 33 વર્ષની હતી અને સૈફ માત્ર 21 વર્ષનો હતો.
સૈફ બીજી વાર કરીના કપૂરને પરણ્યો અને તેમની વચ્ચે 10 વર્ષનો તફાવત છે. સૈફ કરીનાને 2012માં પરણ્યો છે. તે સમયે તેની ઉંમર 42 વર્ષની અને કરીનાની ઉંમર 32 વર્ષની હતી. કરીના અને સૈફના બે સંતાન છે : તૈમુર અને જેહ (જહાંગીર અલી).
સૈફની પુત્રી સારા અલી ખાને હિન્દી ફિલ્મોમાં સારી એવી નામના મેળવી છે, જ્યારે ઇબ્રાહીમ અલી ખાન એકદમ સૈફ જેવો જ દેખાય છે, પણ હજી સુધી તેને ફિલ્મોમાં જોઈએ એવી સફળતા મળી નથી. ‘ટશન’ ફિલ્મમાં તેણે સૈફના બાળપણની ભૂમિકા ભજવી હતી. પછી 2023માં તેણે કરણ જોહરના સહાયક તરીકે કામ કર્યું છે. ઈબ્રાહીમ અલી ખાનની અત્યાર સુધીમાં બે ફિલ્મ રિલીઝ થઈ છે અને તે સીધી જ ઓટીટી પર આવી છે. ‘નાદાનિયા’માં તેણે કોમેડી ભૂમિકા કરી હતી, તો ‘સરઝમીન’માં તેની નેગેટીવ ભૂમિકા હતી.
સૈફ અલી ખાને પણ ઓટીટી માટે ફિલ્મો અને સીરિઝ કરી છે. તેમાં ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘તાંડવ’નો સમાવેશ થાય છે. આ સિવાય તેણે ‘ડાઈનિંગ વિથ ધ કપૂર્સ’માં સંચાલક તરીકે કામ કર્યું હતું.
2025ની શરૂઆતમાં એટલે કે 16મી જાન્યુઆરી-2025ના સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો હતો. તેનાં મુંબઈ-વાંદરાના ઘરમાં એક ચોર ઘૂસ્યો હતો,જેનો સૈફે સામનો કર્યો તો તેણે સૈફની ગરદન, છાતી અને કાંડા પર ચાકુથી વાર કર્યા હતા. આ બનાવને પગલે ત્યારે વિવાદ પણ ઊભો થયો હતો. સૈફ અલી ખાન ખુદ લોહી નીતરતી હાલતમાં રિક્ષામાં લીલાવતી હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. રાતના સમયે આ હુમલો થયો હતો, ત્યારે કરીના કપૂર ઘરમાં નહોતી. સૈફ પર હુમલો કર્યા પછી ચોર ભાગી ગયો હતો પણ સીસીટીવીના આધારે તેને પકડી લેવાયો હતો.
સૈફ અલી ખાને પોતના ‘લુક’ સાથે પણ અનેક ફેરફાર કર્યા છે. એક સમયે અભિનય કારકિર્દીની શરૂઆતનાં વર્ષોમાં અદ્દલ રાજકુમાર જેવો દેખાતો સૈફ ‘ટશન’ આવતાં સુધીમાં સાવ અલગ જ દેખાવા લાગ્યો છે અને તેણે વિવિધતાસભર ભૂમિકાઓ ભજવીને પોતાનું એક અલગ જ સ્થાન ઊભું કર્યું છે.
OTTનું હોટસ્પોટ
28 ઑગસ્ટથી ચાર સપ્ટેમ્બર મહિલા એશિયા કપનું જીવંત પ્રસારણ શરૂ
સોની લીવ અને જિયો હોટસ્ટાર પર આજથી (28 ઑગસ્ટથી) મહિલા એશિયા કપનું જીવંત પ્રસારણ જોવા મળશે. એ સિવાય કઈ ઓટીટી ચેનલ પર શું જોવા મળશે એનાં પર એક નજર નાખીએ.
* નેટફ્લિક્સ: આ ચેનલ પર ત્રીજી સપ્ટેમ્બરે તાપસી પન્નુ, ઈશ્વાક સિંહ, સ્વસ્તિકા મુખર્જી, મીતા વશિષ્ઠ અને જતીન સરણા અભિનિત ક્રાઈમ થ્રીલર ‘ગાંધારી’નું પ્રસારણ શરૂ થશે. તાપસી પન્નુ અભિનીત આ ફિલ્મ સીધી ઓટીટી પર રજૂ થઈ રહી છે. આ ફિલ્મનાં દિગ્દર્શક દેવાશિષ મખીજા છે.
આ જ ચેનલ પરથી આજથી (શુક્રવારથી) ‘ચુંબક’ નામની કોમેડી સિરીઝ રજૂ થવાની છે, જેના નિર્માતા જે. ડી. મજીઠિયા અને આતિષ કાપડિયા છે. સિરીઝનું દિગ્દર્શન આતિષ કાપડિયાનું છે અને તેનાં મુખ્ય કલાકારો સુમીત રાઘવન, નીના ગુપ્તા, દેવેન ભોજાણી અને અમાયરા દસ્તુર છે.
* જિયો હોટસ્ટાર: આ ઓટીટી ચેનલ પર 29 ઑગસ્ટે માઈકલ જેક્સનના જીવન પર બનેલી ફિલ્મ ‘માઈકલ’નું’ પ્રસારણ શરૂ થશે.
* એમેઝોન પ્રાઈમ વીડિયો: અહીં આજથી (28 ઑગસ્ટથી) થ્રીલર-ઈન્વેસ્ટિગેટીવ ડ્રામા સિરીઝ ‘બબિતા સિંહ કી રિપોર્ટિંગ’ શરૂ થશે. જેનાં દિગ્દર્શક અંબિકા પંડિત છે અને આ સિરીઝમાં મુખ્ય ભૂમિકા નિમિષા સંજયન, વરુણ સોબતી અને અંશુમાન પુષ્કરની છે.
* ઝી ફાઈવ: અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં અનેક ઈનામો જીતનારી ‘બંદર’ ફિલ્મ સીધી ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. અનુરાગ કશ્યપ દિગ્દર્શિત આ ફિલ્મનાં મુખ્ય કલાકારો બોબી દેઓલ, સાન્યા મલ્હોત્રા અને ઈન્દ્રજીત સુકુમારન છે.