ફિલ્મનામા - નરેશ શાહ
ચાર કેટેગરીમાં વહેચાયેલાં આપણા શહેરોમાં પ્રથમ ત્રણ કેટેગરી (ટાયર-વન, ટૂ, થ્રી અથવા એક્સ, વાય અને ઝેડ કેટેગરી)ની કોમન સમસ્યા ગીચતા, વરસાદી પાણીનો ભરાવો, મોંઘવારી કે ટ્રાન્સપોર્ટેશન ભલે લાગતી હોય ,પરંતુ ખરેખર મોટી સમસ્યા પાર્કિંગ છે. પ્રાથમિક લેવલનું વાહન હોય કે લક્ઝૂરિયસ ફોર વ્હીલર... તેને પાર્ક કરવું, એ મોટો માથાંનો દુ:ખાવો છે. મોટાં શહેરોમાં તો પાર્કિંગ સ્પેસ માટે છ આંકડાની ડિપોઝિટ ભરવાની વાત હવે કોમન છે તો જાહેર માર્ગો પર કરવામાં આવતાં વાહન પાર્કિંગ બાબતે થતાં ઝઘડા હવે રૂટિનનો એક ભાગ છે અને પાર્કિંગની આ લમણાંઝીક થવા કાયમી કડાકૂટ કેવું વરવું સ્વરૂપ લઈ શકે છે તેની વાત 2023માં આવેલી ‘પાર્કિંગ’ કરે છે.
ત્રણ વરસ જૂની આ ફિલ્મની આજે વાત કરવાના બે કારણ છે. એક ‘ફિલ્મનામા’ના લેખકથી 71મો નેશનલ એવોર્ડ જીતેલી આ તામિલ ફિલ્મ ચૂકી જવાઈ હતી. બીજું કારણ એ કે બજેટ કરતાં ત્રણ ગણું બોક્સ ઓફિસ કલેકશન કરનારી ‘પાર્કિંગ’ ફિલ્મમાં સામાજિક સમસ્યાના નામે કહેવાતી વાતમાં ગૂઢ પદાર્થપાઠ એ છે કે, વાહનની જેમ માણસ માત્રને પોતાના અહં, ઘમંડ, ઈગો કે સ્વમાન ઘવાયાની લાગણીને જો વ્યવસ્થિત પાર્ક કરતાં ન આવડે તો ટ્રાફિક જામ જેવું ઘમાસાણ જીવનમાં સર્જાઈ શકે છે.
આપણે આ વાત અને ‘પાર્કિંગ’ ફિલ્મને સમજીએ....
આઈટી કંપનીમાં નોકરી કરતો અને લવમેરેજ કરીને પરિવારથી અલગ રહેતો ઈશ્ર્વર (હરિશ કલ્યાણ) જૂનું ઘર છોડીને એક ટેનામેન્ટમાં પ્રથમ માળે પત્ની અર્પણા (પ્રાર્થના નાથન) સાથે ભાડેથી રહેવા જાય છે. અર્પણા છ મહિનાથી પ્રેગનન્ટ છે. ટેનામેન્ટમાં ગ્રાઉન્ડ લેવલ પર પત્ની અને કોલેજિયન પુત્રી સાથે કોર્પોરેશનના અધિકારી ઈલમપરૂતિ પણ દસ વરસથી ભાડે રહે છે. પચાસથી વધુ ઉંમરના આ અધિકારી (એમ.એસ. ભાસ્કર - આ પાત્ર માટે તેમને બેસ્ટ સર્પોટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે!) થોડાં જુનવાણી અને ચિંગૂસ છે.
દરરોજ સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ ટૂ વ્હીલર વાપરતાં અધિકારી ઈલમપરૂતિ એકદમ પ્રમાણિક છે અને એ વાતનો અન્ડર કરંટ તેમના દિમાગે વળગેલો છે. આજ સુધી ટેનામેન્ટના કાર પાર્કિંગમાં અધિકારીસાહેબનું બાઈક જ પાર્ક થતું હતું, પરંતુ એક વખત પ્રેગનન્ટ પત્નીને ઓટોરિક્ષામાં બહાર લઈ જવા દરમિયાન (દરરોજ કંપનીની કારમાં ઓફિસ જતાં) નવા ભાડૂત ઈશ્ર્વરને વિચાર આવે છે અને પ્રેગનન્ટ પત્નીને કમ્ફર્ટ રહે એ માટે ત તરત જ ઈએમઆઈથી કાર ખરીદે છે.
હવે ટેનામેન્ટના કાર પાર્કિંગમાં અધિકારી ઈલમપરૂતિના બાઈક સાથે કાર પણ રાખવાની આવે છે અને ધીમે ધીમે અધિકારીસાહેબનો ગરાસ લૂંટાવાનું શરૂ થાય છે.
નેચરલી, બન્ને ભાડૂઆત વચ્ચે એ પછી પાર્કિંગ બાબતે કમઠાણ શરૂ થાય છે. અહીં સુધીનો પ્લોટ વાંચીને આપણને આગળની કથામાં કોમેડીનું ખૂબ જ પોટેન્સિયલ દેખાય. થાય કે હવે આ પાર્કિંગ પળોજણમાંથી રમૂજનું રમખાણ સર્જાશે, પરંતુ ફિલ્મના ડિરેક્ટર રામકુમાર બાલક્રિષ્નને લખેલી ફિલ્મની વાર્તા અને પટકથાને આપણી ધારણાં કરતાં વેગળો વળાંક આપ્યો છે. સમસ્યાને તેમણે સંઘર્ષના વાઘા પહેરાવ્યાં છે. ગ્રંથિઓ કેવી ગમખ્વાર બની શકે એ દર્શાવીને રાઈટર-ડિરેક્ટર રામકુમારે સંકેત તો એ આપ્યો છે કે માણસ જો પોતાના ઈગો કે માન-સન્માનના કૂંડાળામાં જ પડ્યો રહે તો તેની સારપ પર ધૂળ બાઝી જાય છે. નવા ભાડૂત ઈશ્ર્વરને દેખાડી દેવા અને જુના ભાડૂત તરીકેનો રૂવાબ અકબંધ રાખવા માટે ઈલમપરૂતિ પણ નવી કાર ખરીદે છે.
ઈશ્ર્વર સમજી જાય છે કે માત્ર પોતાની સાથે ટસલને કારણે કંજૂસ ઈલમપરૂતિએ નવી કાર ખરીદી છે, જેથી ટેનામેન્ટના પાર્કિંગ પર હક બરકરાર રહે. બન્ને ભાડૂઆત વચ્ચે વધતી જતી પાર્કિંગની ભેજામારી એવો રસપ્રદ વળાંક છે કે મામલો એકબીજાને
જેલવાસ સુધી દોરી જવા સુધી જાય છે અને પછી તો બન્ને એકબીજાની હત્યા કરવા સુધીનો દૃઢ નિર્ધાર કરીને તેનો અમલ પણ કરી દે છે, પરંતુ...
કોમર્શિયલ હિટ થયેલી ‘પાર્કિંગ’માં જીત તો તપી ગયેલા દિમાગની પછી તે લપાઈ ગયેલી માણસાઈની થાય છે. એ સમજવા માટે, અનુભવવા માટે અને જીવનમાં ઉતારવા માટે ‘ડિઝની હોટસ્ટાર’ અને યુટ્યૂબ પર મળતું ‘પાર્કિંગ’નું હિન્દી વર્ઝન જોઈ લેવા જેવું છે.