Wed Sep 09 2026

Logo

શો-શરાબા: પેક સામે ફેમિલી પેક સિનેમા ગાયબ!

2026-08-28 07:40:00
Author: Divyakant Pandya
શો-શરાબા: પેક સામે ફેમિલી પેક સિનેમા ગાયબ!

 


બોલિવૂડે પરિવાર સાથે જોઈ શકાય એવી ફિલ્મ્સ બનાવવાનું કેમ બંધ કરી દીધું? 

- દિવ્યકાંત પંડ્યા

એક સમય હતો જ્યારે ફેમિલી ફિલ્મ બોલિવૂડમાં કોઈ અલગ કે નાની કેટેગરી નહોતી. એ જ મેઇનસ્ટ્રીમ સિનેમા હતું.

નિર્માતાઓ એવી ફિલ્મ્સ બનાવવા માગતા હતા જે દાદા-દાદી, માતા-પિતા અને બાળકો સાથે બેસીને જોઈ શકે. ઘણી વખત એ જ વર્ષની સૌથી મોટી ફિલ્મ બનતી. ‘હમ આપકે હૈં કૌન’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘હમ સાથ સાથ હૈં’, ‘કભી ખુશી કભી ગમ’, ‘બાગબાન’, ‘વિવાહ’ અને આવી અનેક ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર થઈ હતી. ઘરોમાં તેમની ચર્ચા થતી, ટીવી પર વારંવાર જોવામાં આવતી અને પરિવારની યાદોનો ભાગ બની જતી. 

આજે બોલિવૂડની મેઇનસ્ટ્રીમ ફિલ્મ્સમાંથી આ આખી કેટેગરી લગભગ ગાયબ થઈ ગઈ હોય એવું લાગે છે.

હૃષિકેશ મુખર્જીએ ‘આનંદ’, ‘બાવર્ચી’, ‘ગોલમાલ’, ‘ચુપકે ચુપકે’ અને ‘ખૂબસૂરત’ જેવી ક્લાસિક ફિલ્મ્સ આપી, જે દરેક ઉંમરના દર્શકો માણી શકતા. બાસુ ચેટર્જીની ‘રજનીગંધા’, ‘છોટી સી બાત’ અને ‘બાતોં બાતોં મેં’ જેવી ફિલ્મ્સે રોજિંદા જીવનમાંથી જ ડ્રામા શોધ્યો. ત્યારબાદ સૂરજ બડજાત્યાએ ફેમિલી વેલ્યુઝને બ્લોકબસ્ટર એન્ટરટેઇનમેન્ટમાં ફેરવી નાખ્યાં.

કોઈને ‘રાજશ્રી ફિલ્મ્સ’નું સિનેમા ગમે કે ન ગમે, પરંતુ એ વાત નકારી શકાય નહીં કે ‘રાજશ્રી’વાળા  એવા દર્શકોને સમજતા હતા,  જેમને હૂંફ, સંબંધો અને પોઝિટિવિટીવાળી ફિલ્મ્સ જોઈતી હતી.

2000ના દાયકામાં પણ ફેમિલી ફિલ્મ્સનું મહત્ત્વ હતું. ‘કભી ખુશી કભી ગમ’, ‘બાગબાન’, ‘હમ સાથ સાથ હૈં’, ‘વિવાહ’, ‘તારે જમીન પર’ અને ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ તથા ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી ફિલ્મ્સ એવી લાગણીઓ પર આધારિત હતી, જે અલગ-અલગ ઉંમરના દર્શકોને સાંકળી શકતી હતી. આ ફિલ્મ્સ જરૂરી નથી કે સરળ કે સિમ્પલ હોય. તે માત્ર એટલું જરૂર સમજતી હતી કે વધારે પડતી હિંસા, ગાળો, અબ્યૂઝ કે શોક વેલ્યૂ પર આધાર રાખ્યા વિના પણ સિનેમા લોકોને એન્ટરટેઇન કરી શકે છે.

આજના સિનેમાના લેન્ડસ્કેપ સાથે તેની સરખામણી કરીએ તો વાત અલગ દેખાય છે. આજે સૌથી મોટી ચર્ચા ‘એનિમલ’, ‘પુષ્પા’, ‘કેજીએફ’, ‘સાલાર’, ‘માર્કો’, ‘કબીર સિંહ’ અને આવી અનેક એક્શન ફિલ્મ્સને લઈને થાય છે. આ ફિલ્મ્સ ગમે કે ન ગમે એ અલગ ચર્ચા છે. મોટો મુદ્દો એ છે કે આજે માર્કેટનું ધ્યાન ક્યાં છે. હિંસા, બદલો, ક્રાઇમ, મર્દાનગી અને હાઈ-ઇન્ટેન્સિટી ડ્રામા કમર્શિયલ સિનેમાના સૌથી મોટા ટૂલ્સ બની ગયા છે.

આવી ફિલ્મ્સ હોવા સામે કોઈ જ વાંધો નથી. ઇન્ડસ્ટ્રીને અલગ-અલગ પ્રકારની ફિલ્મ્સની જરૂર હોય છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે એ વિવિધતા જ ગાયબ થવા લાગે. આજે બોલિવૂડ એક્શન ફિલ્મ્સ બનાવે છે, સ્પાય ફિલ્મ્સ બનાવે છે, ક્રાઇમ ડ્રામા બનાવે છે, હોરર યુનિવર્સ બનાવે છે, ગેંગસ્ટર સાગા બનાવે છે અને ડાર્ક થ્રિલર બનાવે છે, પરંતુ ખરેખર આખા પરિવાર માટે બનાવવામાં આવેલી ફિલ્મ્સ ખૂબ ઓછી થઈ ગઈ છે. છેલ્લે કઈ મોટી બોલિવૂડ બ્લોકબસ્ટર ખાસ કરીને આખા પરિવારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી એ યાદ કરવું પણ મુશ્કેલ છે. એવી ફિલ્મ નહીં જે પરિવાર પણ જોઈ શકે. એવી ફિલ્મ જે ખરેખર પરિવાર માટે બનાવવામાં આવી હોય.

 કેટલાક ફિલ્મમેકર્સ કહે છે કે સમાજ બદલાઈ ગયો છે. જોઈન્ટ ફેમિલી પહેલાં કરતાં ઓછી થઈ ગઈ છે. યંગ ઓડિયન્સની પસંદગી બદલાઈ ગઈ છે. ‘હમ આપકે હૈં કૌન’ કે ‘વિવાહ’માં દેખાતું ભારત આજે એટલું સામાન્ય નથી. આ વાતમાં થોડું સત્ય છે, પરંતુ સમાજ બદલાઈ ગયો એટલે ફેમિલી સ્ટોરીઝ અપ્રસ્તુત થઈ જાય એવું જરૂરી નથી. ઊલટું, બદલાતા પરિવારના સંબંધો નવી વાર્તાઓ માટે વધુ તક આપે છે. સંબંધોની ગૂંચવણ બદલાઈ છે, પરંતુ સંબંધો તો આજે પણ છે.

રોહિત શેટ્ટી પોતાની ફિલ્મ્સને ફેમિલી ફિલ્મ્સ કહીને માર્કેટ કરે છે. ‘ગોલમાલ અગેઇન’નું ઉદાહરણ લઈએ. એ નિ:શંકપણે મોટી કમર્શિયલ સફળતા હતી. લાખો લોકોએ ફિલ્મ એન્જોય કરી, પરંતુ જો તેની સરખામણી હિન્દી સિનેમાની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ્સ સાથે કરીએ તો શું એ ‘અંદાઝ અપના અપના’, ‘જાને ભી દો યારો’, ‘હેરા ફેરી’, ‘ચુપ ચુપ કે’ અથવા હૃષિકેશ મુખર્જીની ક્લાસિક ફિલ્મ્સની બાજુમાં ઊભી રહી શકે ખરી?

આજની સ્ક્રીન પરથી ફેમિલી ફિલ્મ્સના ગાયબ થવાનું સૌથી મોટું કારણ કદાચ ઇકોનોમિક છે. નિર્માતા સ્વાભાવિક રીતે એ જ વસ્તુની પાછળ જાય જે ચાલે છે. જ્યારે હિંસા, આક્રમકતા અને મોટા પાયાના હીરોવાળી ફિલ્મ્સ સતત કરોડો રૂપિયાની કમાણી કરે છે. ત્યારે ઇન્ડસ્ટ્રી એ વાતની નોંધ લે છે. 

કોઈ નિર્માતા પાસે 100 કરોડ રૂપિયા રોકવાના હોય તો તે ફેમિલી ડ્રામા કરતાં આગામી મોટી એક્શન ફિલ્મમાં પૈસા લગાવવાનું વધારે સેફ માને છે. માર્કેટ સ્કેલને રિવોર્ડ કરે છે એટલે ઇન્ડસ્ટ્રી સ્કેલ પાછળ દોડે છે.

હા, દર્શકો પણ આ સ્થિતિ પરિસ્થિતિમાં  સંપૂર્ણપણે નિર્દોષ નથી. હાઇપર-વાયોલન્ટ સિનેમાની લોકપ્રિયતાએ ઇન્ડસ્ટ્રીને એક સ્પષ્ટ મેસેજ આપ્યો છે. ‘એનિમલ’, ‘પુષ્પા’, ‘કેજીએફ’ અને ‘સાલાર’ જેવી ફિલ્મ્સ સફળ થાય છે કારણ કે નિર્માતાઓ લોકોને તે જોવા માટે મજબૂર કરે છે એવું નથી. લોકો મોટી સંખ્યામાં ટિકિટ ખરીદે છે એટલે તે ફિલ્મ્સ સફળ થાય છે. એ પછી એક સાઈકલ શરૂ થાય છે. દર્શકો હિંસાવાળી ફિલ્મ્સ જુએ છે એટલે નિર્માતા વધુ એવી ફિલ્મ્સ બનાવે છે. નિર્માતા ફેમિલી ફિલ્મ્સ ઓછી બનાવે છે એટલે દર્શકો પાસે વિકલ્પો ઓછા રહે છે. સમય જતા આખી કેટેગરી જ નાની થવા લાગી છે!

લાસ્ટ   શોટ
બાય ધ વે, ફિલ્મમેકર્સ બાળકો માટે પણ આજે ઓછી ફિલ્મ્સ બનાવી રહ્યા છે.