સ્કૂલના પરિસરમાં બાંધેલાં બકરાં મળી આવ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ગોવંડીના સંજય નગર પરિસરમાં આવેલી સ્કૂલમાં બકરાઓ બાંધીને જગ્યા પર અતિક્રમણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગુરુવારે યોજાયેલી શિક્ષણ સમિતિની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવતા તેના પર સવિસ્તર તપાસ કરીને તેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ પ્રશાસનને આપવામાં આવ્યો હતો.
મુંબઈ મહાનગરપાલિકાની સમિતિની બેઠક પૂરી થયા બાદ શિક્ષણ સમિતિના સ્વીકૃત સભ્ય નિખિલ વ્યાસે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. તેમણે કરેલા આક્ષેપ મુજબ ગોવંડીમાં રોડ નંબર આઠ પર આવેલી સંજય નગર બીએમસી સ્કૂલના મેનજમેન્ટને ધમકાવીને સ્કૂલના પરિસરમાં શેડ બાંધીને બકરા બાંધવામાં આવ્યાં છે.
તેઓએ કહ્યું હતું કે પાલિકાના ‘એમ’ વોર્ડમાં ગોવંડી રોડ નંબર આઠની સ્કૂલમાં ગેરકાયદે બકરા બાંધવામાં આવ્યાં છે. આ સ્કૂલ શિક્ષણ માટે છે કે પશુપાલન માટે? સ્કૂલના અભ્યાસમાં પશુપાલનના વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે શું એવો સવાલ પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો? સ્કૂલના સિક્યોરિટી ગાર્ડ શું સ્થાનિક લોકો સાથે મળીને આ કામ કરી રહ્યા છે? એવો સવાલ કરતા તેમણે આ પૂરા પ્રકરણ પાછળ કોણ છે તેની તપાસ કરવાની માગણી કરી હતી.
નિખિલ વ્યાસના પોઈન્ટ ઓફ ઓર્ડરને શિક્ષણ સમિતિના નગરસેવકોએ સમર્થન આપ્યું હતું અને સ્કૂલમાં આ પ્રકાર ચલાવી લેવામાં આવશે નહીં અને સંબંધિત અધિકારી સામે તાત્કાલિક પગલા લેવાની માગણી શિક્ષણ સમિતિના અન્ય સભ્યોએ બેઠકમાં કરી હતી. શિક્ષણ સમિતિના સભ્યોએ પાલિકાના અધિકારીઓને સ્થાનિક ગુંડાઓથી નહીં ડરતા પૂરા પ્રકરણની તપાસ કરવાનો આગ્રહ રાખ્યો હતો. આ પૂરા પ્રકરણમાં જે લોકોનો સમાવેશ હોય તેમની સામે આકરી કાર્યવાહી કરવાની માગણી તેણે કરી હતી.
શિક્ષણ સમિતિના અધ્યક્ષે આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને પ્રશાસનને પૂરા પ્રકરણની તપાસ કરીને સંપૂર્ણ અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.