Thu Sep 10 2026

Logo

કોલા અને પાણી પછી હવે રૂપિયા 10માં આઈસ્ક્રીમ! મુકેશ અંબાણીએ 'બોમ્બે ક્રીમરી' લોન્ચ કરી અમૂલ-વાડીલાલને આપી ચેલેન્જ

2026-09-02 20:49:17
Author: Darshana Visaria
કોલા અને પાણી પછી હવે રૂપિયા 10માં આઈસ્ક્રીમ! મુકેશ અંબાણીએ 'બોમ્બે ક્રીમરી' લોન્ચ કરી અમૂલ-વાડીલાલને આપી ચેલેન્જ

ભારતીય ટેલિકોમ માર્કેટમાં જિયો દ્વારા ક્રાંતિ લાવ્યા બાદ, હવે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) એ ભારતીય FMCG અને રિટેલ સેક્ટરમાં પોતાનો માસ્ટર પ્લાન સક્રિય કર્યો છે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ 'બોમ્બે ક્રીમરી' (Bombay Creamery) બ્રાન્ડ સાથે ભારતીય આઈસ્ક્રીમ માર્કેટમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે, જેમાં આઈસ્ક્રીમની શરૂઆતની કિંમત માત્ર રૂપિયા 10 રાખવામાં આવી છે.  

રિલાયન્સની બિઝનેસ વ્યૂહરચનાનો મુખ્ય પાયો સામાન્ય ભારતીય ગ્રાહકોની રોજીંદી ખરીદીને ટાર્ગેટ કરવાનો છે. કેમ્પા કોલા અને પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર બાદ આઈસ્ક્રીમ માર્કેટમાં રૂપિયા 10ના પ્રાઇસ પોઇન્ટ સાથે એન્ટ્રી લઈને અંબાણીએ અમૂલ, વાડીલાલ, મધર ડેરી અને ક્વોલિટી વોલ્સ જેવી સ્થાપિત દિગ્ગજ બ્રાન્ડ્સ સામે પ્રાઇસ વોર શરૂ કરી દીધું છે.  

બોમ્બે ક્રીમરીની ખાસિયતો:

રૂપિયા 10થી શરૂઆત: બોમ્બે ક્રીમરી રેન્જમાં કપ, કોન, બાર, સ્ટિક અને ટબ જેવા વિવિધ ઓપ્શન્સ મળશે, જેની પ્રારંભિક કિંમત માત્ર રૂપિયા 10થી શરૂ થાય છે. બજારમાં અગ્રણી બ્રાન્ડ્સની એન્ટ્રી-લેવલ સ્ટીક રૂપિયા 20થી શરૂ થતી હોવાથી રિલાયન્સે સીધો અડધો ભાવ રાખીને ગ્રાહકોને આકર્ષવાની વ્યૂહરચના અપનાવી છે.  

અસલી ડેરી પ્રોડક્ટ: RCPLના ડિરેક્ટર ટી. ક્રિષ્નાકુમારના જણાવ્યા મુજબ, બોમ્બે ક્રીમરી કોઈ સસ્તી ભેળસેળ વિના 100 ટકા અસલી ડેરી ક્રીમ અને ઘટકોમાંથી બનાવવામાં આવી છે, જેથી ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કર્યા વિના દરેક પરિવારને પરવડે તેવા ભાવે અસલી સ્વાદ મળે.  

રોલઆઉટ પ્લાન: આ બ્રાન્ડ હાલ પશ્ચિમ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં રિલાયન્સ રિટેલ તથા જિયોમાર્ટના વિશાળ નેટવર્ક દ્વારા સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.  

મુકેશ અંબાણીનો રૂપિયા 10 પાવર પ્લે:

કેમ્પા કોલા: 

રિલાયન્સે 70ના દાયકાની કેમ્પા કોલા બ્રાન્ડ ખરીદીને 200 મિલીની બોટલ માત્ર રૂપિયા 10માં લોન્ચ કરી. આ એગ્રેસિવ પ્રાઇસિંગના કારણે કોકા-કોલા અને પેપ્સી જેવી વૈશ્વિક બ્રાન્ડ્સને પણ ભાવ ઘટાડવા પડ્યા હતા. FY26માં કેમ્પા બ્રાન્ડે રૂપિયા 4,700 કરોડથી વધુનું ગ્રોસ વેચાણ નોંધાવ્યું હતું.  

પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર:

 રિલાયન્સે પીવાના પાણીના સેગમેન્ટમાં પણ રૂપિયા 10ના પ્રાઇસ પોઇન્ટ સાથે પગપેસારો કરીને માર્કેટમાં ત્રીજું સૌથી મોટું સ્થાન હાંસલ કર્યું છે.  

ઇન્ડિપેન્ડન્સ બ્રાન્ડ: 

ખાદ્યતેલ, કઠોળ, અનાજ અને દૈનિક કરિયાણાની વસ્તુઓ માટે શરૂ કરાયેલી આ બ્રાન્ડે FY26 માં આશરે રૂપિયા 2,600કરોડનું વેચાણ કર્યું છે.  

રૂપિયા 20,000 કરોડના આઈસ્ક્રીમ માર્કેટમાં શા માટે મોટી તક?

ભારતમાં આઈસ્ક્રીમ માર્કેટ રૂપિયા 20,000 કરોડથી વધુનું છે અને ઝડપથી વધી રહ્યું છે. ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં આઈસ્ક્રીમનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો હોવાથી, રિલાયન્સ પોતાની 'લો-કોસ્ટ, હાઈ-વોલ્યુમ' (ઓછી કિંમત, વધુ વેચાણ)ની વ્યૂહરચના દ્વારા માર્કેટ શેર પર કબ્જો જમાવવા માંગે છે.