Sat Sep 12 2026

Logo

ઈસરોની મોટી છલાંગઃ GSLV-F17 સાથે ‘Eye in the Sky’ મિશન તૈયાર, દરેક ભૌગોલિક સ્થિતિ પર રહેશે બાજ નજર

2026-09-03 15:39:09
Author: Mumbai Samachar Team
ઈસરોની મોટી છલાંગઃ GSLV-F17 સાથે ‘Eye in the Sky’ મિશન તૈયાર, દરેક ભૌગોલિક સ્થિતિ પર રહેશે બાજ નજર

શ્રીહરિકોટા: ભારત ફરી અવકાશમાં પોતાની ક્ષમતાને મજબૂત કરવા જઈ રહ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું GSLV-F17 મિશન EOS-05 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ આવતીકાલે વહેલી સવારે 3.55 વાગ્યે આંધ્ર પ્રદેશના હરિકોટાથી ઉડાન ભરશે. આ પ્રોજેક્ટમાં ભારતને સૌથી વધારે ફાયદો થવાનો છે. 

એકબાજુ નેપાળના પૂરને લઈ ગંભીર રીતે એલર્ટ રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. એવામાં પૂરથી લઈને કુદરતી આફતની અગાઉથી જાણ થાય એ માટે હવે સેટેલાઈટની મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને ભારતના ભૌગોલિક વિસ્તારમાં થનારા પરિવર્તનને લઈને એડવાન્સ એક એલર્ટ મળે એ માટે એક ખાસ ઉપકરણ હવે અવકાશમાં રવાના કરવામાં આવશે. 

ભારત માટે મહત્ત્વનો પ્રોજેક્ટ

આ મિશનને ફક્ત ઉપગ્રહ લૉંચ જ નહીં કરે, પરંતુ ભારતના પૃથ્વી નિરીક્ષણ, આફત વખતે વ્યવસ્થાપન અને વ્યૂહાત્મક દેખરેખ ક્ષમતાઓ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ પ્રક્ષેપણ ભારતને અવકાશમાંથી વ્યૂહાત્મક દેખરેખ કેપેસિટીને વધારશે. EOS-5 ઉપગ્રહ ભારતનો અત્યાર સુધીનો સૌથી અદ્યતન અને શક્તિશાળી 'આઈ ઈન ધ સ્કાય' પ્રોજેક્ટ છે.

EOS-05ને જિયોસિંક્રોનાઈસ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આશરે 36000 કિમીની ઊંચાઈ પરથી દેશના ભૌગોલિક ક્ષેત્ર પર સતત એક વૉચ રાખશે. આ પ્રોજેક્ટ એવા સમયે શરૂ કરવામાં આવ્યો છે જ્યારે નેપાળમાં પૂરના કારણે અનેક તારાજી વેરાઈ છે. આ પૂરના એલર્ટને લઈને ભારત પર આવું જોખમ અચાનક ન આવી ચડે એ માટે આ પ્રકારના સેટેલાઈટ સર્વેલન્સ સતત એક નજર રાખશે. 

મોનટરિંગ સિસ્ટમની જેમ કામ કરશે

આની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ એક હાઈફ્રિક્વન્સી ઈમેજ મોકલશે. નક્કી કરેલા વિસ્તારની લગભગ પાંચ મિનિટ અને ભારતીય વિસ્તારની 30 મિનિટમાં થનારી ઘટના અંગે એલર્ટ આપશે. આનાથી પૂર, ચક્રવાત, જંગલની આગ, કૃષિ, પર્યાવરણમાં થતા મોટા ફેરફાર પર વૉચ રાખવામાં એક મહત્ત્વની મદદ મળી રહેશે. 

અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટના રૂપમાં જોવાય છે

આ સિવાય જે તે પાકની સ્થિતિનું મોનિટરિંગ સેટેલાઈટની મદદથી ઈમેજ સ્વરૂપે કરી શકાશે. ઈસરો અવકાશમાં એકથી એક ચડિયાતા પ્રોજેક્ટ શરૂ કરીને એક માઈલસ્ટોન ઊભા કરી રહી છે. EOS-05 પ્રોજેક્ટનું મહત્ત્વ માત્ર સિવિલિયન એપ્લિકેશન પૂરતું જ સીમિત નથી. રિપોર્ટ અનુસાર આને સ્ટ્રેટેજિક યુઝર માટે પણ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટના રૂપમાં જોવામાં આવે છે.