Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં જે પક્ષોને કોઈ ઓળખતું પણ નથી તેમને મળ્યું અધધ કરોડનું દાન, આ રીતે ફૂટ્યો ભાંડો

2026-09-28 15:04:30
Author: Mayur Patel
ગુજરાતમાં જે પક્ષોને કોઈ ઓળખતું પણ નથી તેમને મળ્યું અધધ કરોડનું દાન, આ રીતે ફૂટ્યો ભાંડો

અમદાવાદઃ ગુજરાત પોલીસ દ્વારા એક મોટો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જે રાજકીય પક્ષોને કઈ જાણતું પણ નથી તેમને 1100 કરોડથી વધુનું દાન મળ્યું હતું. આ મામલે પોલીસે ભારતીય રાષ્ટ્રીય જનતા દળ (BNJD) અને તેના ચાર પદાધિકારીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ગુજરાતમાં CID ક્રાઇમની ઇકોનોમિક ઓફેન્સ વિંગ સમક્ષ ત્રીજી ફરિયાદ નોંધાવી હતી. જેમાં રૂ. 1143.85 કરોડના બોગસ રાજકીય દાન ના રેકેટનો આરોપ મૂકવામાં આવ્યો છે. આમાં 'સત્યવાદી રક્ષક પાર્ટી' તેના હોદ્દેદારો અને એક કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ સામેલ છે. BNJDના હોદ્દેદારોના નામ પણ FIRમાં સામેલ છે.

ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ નેટવર્કનો ઉપયોગ બોગસ દાનની રસીદો બનાવવા, દાતાઓને કરમુક્તિ (ટેક્સમાં છૂટ) અપાવવા અને બાદમાં કમિશન કાપીને રોકડમાં નાણાં પરત કરવા માટે કરવામાં આવતો હતો. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રૂ.1143.85 કરોડથી વધુના વ્યવહારો ધરાવતા બે કથિત બોગસ રાજકીય દાનના નેટવર્કની ઓળખ કરી હતી. ત્યારબાદ EOW સમક્ષ અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી. આ બે ફરિયાદો ગરીબ કલ્યાણ પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય જનતા દળ અને સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સાથે સંકળાયેલી છે. ફરિયાદોમાં આ પક્ષોને રજિસ્ટર્ડ બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

કોણે નોંધાવી ફરિયાદ

ઇન્કમ ટેક્સ ઇન્વેસ્ટિગેશન, ભરૂચના ડેપ્યુટી ડાયરેક્ટર સૌરવ ગર્ગ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કથિત રેકેટમાં CMA બ્રિજેશ મહેતાની સાથે 'સત્યવાદી રક્ષક પાર્ટી'ના હોદ્દેદાર સ્વાતિ પટેલ, અન્ય એક હોદ્દેદાર અને બિરેન મહેતા સામેલ હતા. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો આરોપ છે કે આરોપીઓએ ભેગા મળીને કરદાતાઓ પાસેથી દાનની રકમ ચેક અને બેંકિંગ ચેનલો દ્વારા પાર્ટીના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી હતી.  

આ ઉપરાંત ફરિયાદમાં આરોપ છે કે દાતાઓને રાજકીય દાનની રસીદો આપવામાં આવતી હતી, જેના દ્વારા તેઓ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80GGC હેઠળ કરમુક્તિનો દાવો કરી શકતા હતા. કથિત રીતે પાર્ટીના ખાતાઓમાંથી નાણાં ઉપાડવામાં આવતા હતા, જેમાંથી 5% થી 10% રકમ કમિશન તરીકે રાખી લેવામાં આવતી હતી અને બાકીની રકમ દાતાઓને રોકડમાં પરત કરી દેવામાં આવતી હતી.

ફરિયાદ અનુસાર, નાણાકીય વર્ષ 2022-23, 2023-24 અને 2024-25 દરમિયાન પાર્ટીના બેંક ખાતાઓમાં કુલ વ્યવહાર રૂ.415 કરોડનો હતો. ડિપાર્ટમેન્ટનો આરોપ છે કે પાર્ટીની કોઈ વાસ્તવિક રાજકીય પ્રવૃત્તિ નહોતી અને તેના ખાતાઓમાં તેને લગતા કોઈ અસલી વાઉચર, બિલ કે ખર્ચના રેકોર્ડ ઉપલબ્ધ નહોતા.

એક આરોપ એવો છે કે બિરેન મહેતાએ વ્યવહારોની યોગ્ય તપાસ કર્યા વિના જ દાનના અહેવાલો અને બેલેન્સ શીટ તૈયાર કરી અને તેના પર ડિજિટલ સહી કરી હતી. ફરિયાદ અનુસાર, બાદમાં આ દસ્તાવેજો ઇન્કમ ટેક્સ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. વિભાગે એવો પણ આરોપ મૂક્યો છે કે વ્યવહારોને સાચા સાબિત કરવા અને રોકડ ઉપાડવામાં સરળતા રહે તે માટે બોગસ ખર્ચ અને ખરીદીના બિલ બનાવવામાં આવ્યા હતા.

સરકારને કરોડોનું નુકસાન

ફરિયાદમાં સરકારને થયેલા કથિત નુકસાનનો અંદાજ રૂ. 124.5 કરોડ લગાવવામાં આવ્યો છે. આ રકમ કથિત રીતે મળેલા રૂ. 415 કરોડના દાનના 30% જેટલી છે. આ કૌભાંડમાં 56,238 દાતાઓને દાન દર્શાવવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગનો અંદાજ છે કે સરકારી તિજોરીને આશરે રૂ. 343 કરોડનું નુકસાન થયું છે.