ભુવનેશ્વર: ઓડિશાના પારાદીપ નજીક સમુદ્રમાં મોટો અકસ્માત ટળી ગયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડે મુશ્કેલીમાં ફસાયેલા બેલીઝ ધ્વજવાળા એમટી સીગલ 9 ટેન્કરને સફળતાપૂર્વક સ્થિર કરીને ડૂબવાથી બચાવી લીધું છે. ટેન્કરમાં 9,000 મેટ્રિક ટન પામ ઓઈલ ભરેલું હતું અને તેમાં 23 ક્રૂ મેમ્બર સવાર હતા. સમયસર કાર્યવાહીને કારણે લોકોના જીવ બચાવી લેવામાં સફળતા મળી હતી.
આ સમગ્ર ઘટનાની મળેલી માહિતી અનુસાર 27 સપ્ટેમ્બરે સવારે લગભગ 7:30 વાગ્યે ટેન્કરના મુખ્ય એન્જિનમાં ખામી સર્જાઈ હતી. આ સાથે જ બેલાસ્ટ ટાંકીમાં ઝડપથી પાણી ભરાવા લાગતાં જહાજ એક તરફ ખતરનાક રીતે ઝૂકી ગયું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા ટેન્કરે તાત્કાલિક મદદ માટે સંદેશો મોકલ્યો હતો. મદદનો સંદેશ મળતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડે આઈસીજીએસ વિશ્વસ્તને ઘટનાસ્થળે મોકલ્યું હતું. કોસ્ટ ગાર્ડની વિશેષ ડેમેજ કંટ્રોલ ટીમ અસ્થિર ટેન્કર પર પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ટીમે સબમર્સિબલ ડી-ફ્લડિંગ પંપ અને અન્ય ડેમેજ કંટ્રોલ સાધનોની મદદથી ટેન્કરમાં ભરાયેલું પાણી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.
Averting a major disaster at sea! Following a critical distress call from MT Seagull 9 off #Paradip, #ICGS Vishwast launched a swift & decisive operation to rescue the unstable chemical tanker carrying 9,000 MT palm oil & 23 crew members. Braving high-risk conditions, the specialist Damage Control Team boarded the ship, deployed submersible pumps, de-flooded ballast tanks, and sealed damaged sea-pipelines to stabilize the tilting vessel. To augment pollution response & continuous surveillance, an ICG Pollution Control Vessel & Offshore Patrol Vessel were also diverted to scene. ICG Dornier aircraft confirmed the minor palm-oil sheen has completely dissipated. The ship is now safely under tow towards Paradip. ICG units remain on active sentinel watch—ensuring safety & protecting our oceans 24/7. #WeProtect #MaritimeSafety #IndianCoastGuard #AlwaysReady
— Indian Coast Guard (@IndiaCoastGuard) September 28, 2026
બચાવ ટીમે દરિયાના પાણીની બે ક્ષતિગ્રસ્ત પાઈપલાઈનો બંધ કરી દીધી હતી, જ્યારે ત્રીજી તૂટેલી પાઈપલાઈનોમાંથી થઈ રહેલા પાણીના પ્રવાહને પણ નિયંત્રિત કરવામાં આવ્યો હતો. સાથે જ ટેન્કરમાંથી કાર્ગો ટ્રાન્સફર અને પાણી બહાર કાઢવાની કામગીરી એકસાથે કરવામાં આવી હતી. આ કામગીરીથી જહાજને ફરી સ્થિર કરવામાં સફળતા મળી અને તેના પલટી જવાનું જોખમ ટળી ગયું હતું.
પરિસ્થિતિ પર નજર રાખવા માટે કોસ્ટ ગાર્ડે એક પૉલ્યુશન કંટ્રોલ વેસલ અને વધારાનું ઑફશોર પેટ્રોલ વેસલ પણ તૈનાત કર્યું હતું. ભુવનેશ્વરથી કોસ્ટ ગાર્ડનું ડોર્નિયર વિમાન પણ હવાઈ દેખરેખ માટે મોકલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બરે ટેન્કરની આસપાસ પામ ઓઈલનું પાતળું સ્તર પણ જોવા મળ્યું હતું, પરંતુ 28 સપ્ટેમ્બરની હવાઈ તપાસ દરમિયાન તે ફરી જોવા મળ્યું નહોતું.
બહુવિધ એજન્સીના સંકલિત પ્રયાસ બાદ પારાદીપ પોર્ટ ઓથોરિટીના ટગ 'ડોલ્ફિન' દ્વારા એમટી સીગલ નવને સુરક્ષિત રીતે પારાદીપ નજીકના એન્કરેજ વિસ્તારમાં લઈ જવામાં આવ્યું છે. ટેન્કરના મુખ્ય એન્જિનની મરામતનું કામ શરૂ કરી દેવાયું હતું અને કોસ્ટ ગાર્ડની ટેકનિકલ ટીમ પણ તેમાં મદદ કરી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડની ઝડપી કાર્યવાહીથી 23 ક્રૂ મેમ્બરના જીવ બચાવવા ઉપરાંત સમુદ્રી પર્યાવરણને પણ સંભવિત નુકસાનથી બચાવી લેવાયું છે. ટેન્કર અને આસપાસના સમુદ્ર વિસ્તારમાં કોસ્ટ ગાર્ડની ટીમો હજુ પણ સતત નજર રાખી રહી છે.