Sat Sep 05 2026

Logo

ગુજરાતના તમામ હેલીપેડ સતત ‘ઓપરેશનલ’ રાખવા સરકારે કેમ આપી સૂચના? જાણો વિગત

2026-09-03 14:14:00
Author: Mayur Patel
ગુજરાતના તમામ હેલીપેડ સતત ‘ઓપરેશનલ’ રાખવા સરકારે કેમ આપી સૂચના? જાણો વિગત

ગાંધીનગર : રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત અને બચાવ કામગીરી તેમજ વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના રાજ્યના પ્રવાસ દરમિયાન હેલીપૅડની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે. કટોકટીના આવા સમયે હેલીપૅડનો તાત્કાલિક અને વિના અવરોધે ઉપયોગ થઈ શકે; તે હેતુથી રાજ્ય સરકારે એક અત્યંત સકારાત્મક અને મહત્વનું પગલું ભર્યું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ હયાત હેલીપૅડની નિયમિત અને ચુસ્ત જાળવણી કરવા માટે તમામ સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

દર ત્રણ માસે એકવાર ફરજિયાતપણે સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને આપવામાં આવેલા આ નવા દિશા-નિર્દેશો મુજબ હવે રાજ્યના દરેક હેલીપૅડનું ઓછામાં ઓછું દર ત્રણ માસે એકવાર ફરજિયાતપણે સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે, જેથી તેની કાર્યક્ષમતાની સતત ચકાસણી કરી શકાય. નિરીક્ષણ દરમિયાન જો કોઈ પણ પ્રકારની ખામી કે મરામતની જરૂરિયાત જણાશે, તો તેને કોઈપણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે. 

કોની રહેશે જવાબદારી

તમામ હયાત હેલીપૅડ હંમેશા સંપૂર્ણપણે ઉપયોગલાયક એટલે કે 'ઑપરેશનલ કન્ડીશન'માં રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત કાર્યપાલક ઈજનેરને સોંપવામાં આવી છે. આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અધિક્ષક ઈજનેર પણ તેમના કાર્યક્ષેત્રના તમામ હેલીપૅડની સમયાંતરે સતત સમીક્ષા કરતા રહેશે.

હેલીપૅડની ગુણવત્તા જાળવી રાખવા માટે તેની સપાટી, પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ, ડ્રેનેજ વ્યવસ્થા અને એપ્રોચ વિસ્તાર સહિતની તમામ આનુષંગિક સુવિધાઓની નિયમિત મરામત કરવામાં આવશે. આ ઉપરાંત હેલીપૅડ અથવા તેની આસપાસ થતા કોઈપણ પ્રકારના અનધિકૃત દબાણો, બાંધકામ, સામગ્રીનો સંગ્રહ, વાહનોનું પાર્કિંગ, કચરો, ઝાડી-ઝાંખરા કે સરકારી વિભાગો દ્વારા જપ્ત કરાયેલા બિન-વપરાશી વાહનો જેવા તમામ અવરોધોને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે.