અમદાવાદઃ અમેરિકા અને કેનેડામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. આગામી વર્ષે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં અમેરિકા અને કેનેડા પ્રવાસે ગયા હતા. આ દરમિયાન બિન નિવાસી ગુજરાતીઓ (NRG)એ અમદાવાદથી અમેરિકા અને કેનેડાના મુખ્ય શહેરો માટે સીધી ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુખ્ય પ્રધાનની અમેરિકા અને કેનેડાની મુલાકાત દરમિયાન એનઆરજી સાથેની બેઠકમાં આ માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સંબંધિત અન્ય સત્તાવાળાઓને આ માંગણી પર વિચારણા કરવા વિનંતી કરી છે.
હાલ આ રીતે કેનેડા, અમેરિકા જાય છે મુસાફરો
હાલમાં અમદાવાદથી યુએસ કે કેનેડાના કોઈપણ શહેર માટે સીધી ફ્લાઇટ નથી. ગુજરાતના મોટાભાગના પ્રવાસીઓ દુબઈ, અબુધાબી અને દોહા જેવા ગલ્ફ દેશોના હબ થઈને કનેક્ટિંગ ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરે છે. કેટલાક મુસાફરો સિંગાપોર કે મલેશિયા થઈને પણ જાય છે. આ કનેક્ટિંગ ફ્લાઇટ્સના કારણે મુસાફરીનો સમય લંબાય છે અને કુલ ખર્ચ પણ વધી જાય છે.
કેટલું હોય છે ઇકોનોમી ક્લાસનું ભાડું
સૂત્રોના કહેવા પ્રમાણે યુએસ અને કેનેડાની ડાયરેક્ટ ફ્લાઇટ્સની માંગ મુસાફરોના વર્ગ મુજબ અલગ-અલગ હોય છે. વૃદ્ધ મુસાફરો ઘણીવાર લે-ઓવર પસંદ કરે છે, પરંતુ યુવા પ્રવાસીઓ, વેપારીઓ અને નોકરી-કામ અર્થે જતા લોકો સામાન્ય રીતે સીધી ફ્લાઇટ્સ જ વધુ પસંદ કરે છે. પ્રથમ વખત યુએસ જતા લોકો પણ નોન-સ્ટોપ સેવાઓને પ્રાથમિકતા આપે છે. અમદાવાદથી યુએસનું વન-વે ઇકોનોમી ક્લાસનું ભાડું હાલમાં રૂ. 70,000 થી રૂ.80,000 જેટલું થાય છે.
અમદાવાદ સિવાય અહીંથી છે સીધી ફ્લાઇટ
કોવિડ-19 પહેલાં એર ઇન્ડિયા અમદાવાદ-નેવાર્ક વચ્ચે સીધી સેવા ચલાવતી હતી. હવે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શરૂ થયેલી હબ-એન્ડ-સ્પોક કામગીરી બાદ ઉદ્યોગ જગતને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીના માળખામાં ફેરફાર થવાની આશા છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુથી ઉત્તર અમેરિકાના ન્યૂયોર્ક, નેવાર્ક, શિકાગો અને સાન ફ્રાન્સિસ્કો જેવા શહેરો માટે પહેલેથી જ સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત દિલ્હીથી કેનેડાના ટોરોન્ટો અને વાનકુવર માટે પણ સીધી સેવાઓ છે.
સૂત્રોના કહેવા પ્રમાણે અમેરિકા અને કેનેડામાં વિશાળ સંખ્યામાં ગુજરાતી અને ભારતીય સમુદાય વસે છે. બીજી તરફ ગુજરાતમાં ઝડપથી વિકસી રહેલા આઇટી અને ટેકનોલોજી સેક્ટરને કારણે બિઝનેસ ટ્રાવેલની માંગ પણ વધી રહી છે. ગુજરાતમાંથી યુએસ અને કેનેડા જતા મોટાભાગના પ્રવાસીઓ પરિવાર અને મિત્રોને મળવા જતા હોય છે. આ દેશોમાં ફરવા માટે જતા લોકોનું પ્રમાણ પ્રમાણમાં ઓછું છે. બિઝનેસ અને કામ અર્થે જતા લોકોની સંખ્યા પણ સારી એવી છે, જોકે તાજેતરમાં વિઝાની સમસ્યાઓને કારણે આ સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થવાથી મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે અને લોકો માટે આ દેશોમાં પહોંચવું વધુ સરળ બનશે.