સાબરકાંઠા: ગુજરાતમાં દરરોજ કોઈને કોઈ ખૂણામાંથી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત બાદ સાબરકાંઠામાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. પ્રાંતિજ તાલુકાના લીમલા નજીક કારમાંથી IIFL બેંક મેનેજરની લોહીલુહાણ લાશ મળતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી વિગત પ્રમાણે, પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક વડવાસાથી લીમલા રોડ પર ઉભેલી એક સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી IIFL ફાઇનાન્સ બેંકના મેનેજરની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની ભરતભાઈ કાન્તીભાઈ ચૌધરી (ઉંમર વર્ષ 42) તરીકે થઈ હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે અજાણ્યા ઇસમો સ્વિફ્ટ કાર લઈને લીમલા રોડ પર આવ્યા હતા. સ્થાનિક ગ્રામજનોની અવરજવર અને શંકાસ્પદ હલચલ જોઈને અજાણ્યા શખ્સો અંધારાનો લાભ ઉઠાવી કાર સ્થળ પર જ મૂકીને ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ ગ્રામજનોએ કાર નજીક જઈને તપાસ કરતા પાછળની સીટ પર લોહીલુહાણ લાશ મળી આવી હતી.
ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી, પંચનામું કરી બોડીને પોસ્ટમોર્ટમ અર્થે પ્રાંતિજ સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડી હત્યારોની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.