Mon Sep 14 2026

Logo

ઑગસ્ટમાં વીજ વપરાશ 13 ટકા વધીને 169 અબજ યુનિટ

2026-09-02 19:47:46
Author: Ramesh Gohil
ઑગસ્ટમાં વીજ વપરાશ 13 ટકા વધીને 169 અબજ યુનિટ

નવી દિલ્હીઃ ગત ઑગસ્ટ મહિનામાં દેશમાં ગરમીનું વધુ પ્રમાણ હોવાથી એર કન્ડિશનર સહિત વાતાનુકુલિત ઉપકરણોના વપરાશમાં વધારો થવાથી દેશમાં પાવર અથવા તો વીજનો વપરાશ ઑગસ્ટ, 2025ના 149.76 અબજ યુનિટ સામે 12.85 ટકા વધીને 169.01 અબજ યુનિટની સપાટીએ રહ્યો હોવાનું અધિકૃત આંકડાકીય માહિતીમાં જણાવાયું છે. વાસ્તવિક તાપમાન કરતાં વધુ તાપમાનનો અનુભવ અર્થાત્‌‍ બફારાનું પ્રમાણ વધુ રહેવાને કારણે એરકન્ડિશનર જેવાં ઉપકરણોનો વપરાશ વધવાથી પાવરની માગ અને વપરાશમાં વધારો થયો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. 

ગત ઑગસ્ટ મહિનામાં સૌથી વધુ એક દિવસીય માગ (પીક પાવર ડિમાન્ડ) જે ઑગસ્ટ, 2025માં 229.72 ગિગા વૉટ હતી તે વધીને 258.27 ગિગા વૉટની સપાટીએ રહી હતી. નોંધનીય બાબત એ છે કે ગત ઑગસ્ટ મહિનાની પીક પાવર ડિમાન્ડ ગત મે મહિનાની 272.82 ગિગા વૉટની સરખામણીમાં ઓછી રહી છે. ગત સાલ ઉનાળામાં જૂન, 2025માં પીક પાવર ડિમાન્ડ 277 ગિગા વૉટના સરકારી અંદાજ સામે ઘટીને 242.77 ગિગા વૉટની સપાટીએ રહી હતી. જોકે, હાલની વરસાદની સ્થિતિ અને બફારાને ધ્યાનમાં લેતા વર્તમાન સપ્ટેમ્બર મહિનામાં પણ પાવરની માગ જળવાઈ રહે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. 

ઈન્ડિયા મીટરોલોજિકલ ડિપાર્ટમેન્ટે આ વર્ષે દેશમાં વરસાદની ખાધ રહેવાની આગાહી કરી છે. તેમ જ તાજેતરની આગાહી મુજબ સપ્ટેમ્બર મહિનામાં ઓછો વરસાદ રહેશે, એમ જણાવ્યું હોવાથી નિષ્ણાતોના મતે સપ્ટેમ્બર મહિનામાં પાવરની માગ અને વપરાશમાં વધારો થશે.