બોલિવૂડમાં અત્યારે ‘હનુમાન અંશ’ ફિલ્મની જોરદાર ચર્ચા થઈ રહી છે. માત્ર 2 કરોડ રૂપિયાના અંદાજિત બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરીને સૌને ચોંકાવી દીધા છે. શરૂઆતમાં ફિલ્મની કમાણી ધીમી રહી હતી, પરંતુ બાદમાં દર્શકોનો પ્રતિસાદ વધતા ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત રફ્તાર પકડી હતી.
‘હનુમાન અંશ’ સંત નીમ કરોલી બાબાના જીવન અને આધ્યાત્મિક પ્રભાવથી પ્રેરિત ફિલ્મ છે. ફિલ્મની વાર્તા તૈયાર કરવા માટે લાંબા સમય સુધી સંશોધન કરવામાં આવ્યું હતું. નીમ કરોલી બાબા સાથે જોડાયેલી અનેક વાતોને સમજ્યા બાદ આ વાર્તાને મોટા પડદા પર રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફિલ્મની નિર્માતા અનુપ્રિયા નાગરની ઉંમર માત્ર 21 વર્ષની છે. ખાસ વાત એ છે કે ફિલ્મ બનાવવાનો તેને અગાઉ કોઈ મોટો અનુભવ નહોતો.
બ્રિટનમાં અભ્યાસ દરમિયાન નોકરી કરીને બચાવેલી પોતાની કમાણીનો મોટો હિસ્સો તેમણે આ ફિલ્મમાં લગાવ્યો હતો. પોતાની બચતથી ફિલ્મ બનાવવાનું આ જોખમ હવે તેમના માટે મોટી સફળતામાં બદલાઈ ગયું છે પણ ફિલ્મમાં જેની કોઈ અપેક્ષા કરી નહોતી એના કરતા ડબલ કમાણી કરી એની બેવડી ખુશી છે.
શરૂઆતમાં ‘હનુમાન અંશ’ને બોક્સ ઓફિસ પર ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો. પહેલા દિવસે ફિલ્મે લગભગ 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી અને શરૂઆતના દિવસોમાં શોની સંખ્યા પણ ઘટી હતી. જોકે ત્રીજા અઠવાડિયા બાદ ફિલ્મને દર્શકોનો પ્રેમ મળવા લાગ્યો અને તેની કમાણીમાં સતત વધારો જોવા મળ્યો.
અહેવાલો અનુસાર, ફિલ્મની ભારતમાં ગ્રોસ કમાણી 200 કરોડ રૂપિયાથી પણ આગળ નીકળી ગઈ છે. માત્ર 2 કરોડ રૂપિયાના બજેટની ફિલ્મ માટે આ આંકડો અત્યંત મોટો માનવામાં આવે છે. પણ આ ફિલ્મની સફળતાએ સાબિત કર્યું છે કે યોગ્ય અને સારી વાર્તા અને દર્શકો સાથે જોડાતો વિષય મોટા બજેટ વિના પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકે છે.
‘હનુમાન અંશ’ની સફળતા બાદ ફિલ્મની સિક્વલને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. નિર્માતા અનુપ્રિયા નાગરે આગળની વાર્તા પર કામ કરવાની વાત કરી છે. પોતાની પહેલી જ ફિલ્મથી 21 વર્ષની અનુપ્રિયાએ જે સફળતા મેળવી છે, તે હવે તેમને બોલિવૂડના નવા અને ચર્ચિત યુવા ફિલ્મ નિર્માતાઓમાં સ્થાન અપાવવામાં સફળ નીવડી છે.