Fri Oct 02 2026

Logo

જિનપિંગ મોદીના ગાલા ડિનરમાં હાજર ના રહ્યા, જાણો શું છે કારણ ?

2026-09-14 10:04:00
Author: Vimal Prajapati
જિનપિંગ મોદીના ગાલા ડિનરમાં હાજર ના રહ્યા, જાણો શું છે કારણ ?

નવી દિલ્હીઃ દિલ્હી ખાતે આયોજિત બ્રિક્સ (BRICS) શિખર સંમેલનના ઉદ્ઘાટન સત્ર દરમિયાન એક અણધારી ઘટના જોવા મળી હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ થોડા અસ્વસ્થ જણાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રારંભિક સંબોધન ક્ષણભર માટે રોકી દીધું હતું. સાત વર્ષના લાંબા વિરામ બાદ ભારતની મુલાકાતે આવેલા ચીની રાષ્ટ્રપતિને તકલીફમાં જોઈ પીએમ મોદીએ પ્રોટોકોલથી પર થઈને તેમની સ્થિતિ અંગે પૃચ્છા કરી હતી.  

‘બધું ઠીક તો છે ને?’ - મોદીએ ટ્રાન્સલેટરને પૂછ્યું  

પીએમ મોદીએ ભાષણ આપતી વખતે ચીની રાષ્ટ્રપતિના અનુવાદક (ટ્રાન્સલેટર) તરફ વળીને પૂછ્યું હતું કે, ‘બધું ઠીક તો છે ને?’ જ્યારે કોઈ સ્પષ્ટ જવાબ ન મળ્યો ત્યારે તેમણે આ જ પ્રશ્ન ફરીથી દોહરાવ્યો હતો. જોકે, શી જિનપિંગને થયેલી અસ્વસ્થતા પાછળ માઇક્રોફોનની ક્ષતિ હતી કે સાઉન્ડ સિસ્ટમની કોઈ ટેકનિકલ સમસ્યા, તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. થોડી સેકન્ડો બાદ શી જિનપિંગે માથું હલાવીને પોતે બરાબર હોવાનો સંકેત આપતાં વડાપ્રધાને પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. 

દ્વિપક્ષીય વાર્તા કરી પરંતુ ગાલા ડિનરમાં હાજરી ન આપી

આ ઘટના બાદ સંમેલનના પ્રથમ દિવસના અંતે યોજાયેલા ગાલા ડિનરમાં શી જિનપિંગની ગેરહાજરીએ રાજદ્વારી વર્તુળોમાં કુતૂહલ સર્જ્યું હતું. વડાપ્રધાન મોદી દ્વારા બ્રિક્સ દેશોના નેતાઓ અને મહેમાનો માટે યોજાયેલા આ ખાસ રાત્રિભોજનમાં અન્ય તમામ દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ હાજર રહ્યા નહોતા. આ ગેરહાજરી અંગે ચીન કે ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની રાષ્ટ્રપતિ અત્યંત વ્યસ્ત સમયપત્રક અને મુસાફરીના થાકને કારણે ડિનર ટાળીને સીધા પોતાની હોટેલ પર આરામ કરવા માટે રવાના થઈ ગયા હતા.  

 

સમિટ પૂરી થયા બાદ દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો

ચીની રાષ્ટ્રપતિ શનિવારે વહેલી સવારે બેઇજિંગથી રવાના થઈ બપોરે 12 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચ્યા હતા. ત્યાંથી સીધા બપોરે 2 વાગ્યે શરૂ થયેલી બ્રિક્સ સમિટમાં જોડાયા હતા. સમિટ પૂરી થયા બાદ તેમણે વડાપ્રધાન મોદી સાથે મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લીધો હતો. આટલા વ્યસ્ત શિડ્યુલ વચ્ચે તેમને આરામ કરવાનો સમય મળ્યો ન હોવાથી થાકના કારણે તેમણે સાંજના કાર્યક્રમમાંથી રજા લીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.