Mon Oct 05 2026

Logo

ગુરુગ્રામમાં મહિલા બાઇક રાઇડરને ટક્કર મારનાર વ્યક્તિની ઓળખ થયાનો દાવો

2026-09-14 18:57:48
Author: Chandrakant Kanoja
ગુરુગ્રામમાં મહિલા બાઇક રાઇડરને ટક્કર મારનાર વ્યક્તિની ઓળખ થયાનો દાવો

ANI


ગુરુગ્રામ : હરિયાણાના ગુરુગ્રામમાં મહિલા બાઇક રાઇડરને ટક્કર મારનાર વ્યક્તિની ઓળખ છતી થઇ છે. આ વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર  વિગતો શેર કરી છે, કલ્યાણ બૈંસલા નામનો શખ્સ પોતાને આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી ગણાવે છે. આ ઉપરાંત પોતાને ભારતીય રગ્બી ટીમનો સભ્ય પણ ગણાવે છે. 

કલ્યાણ બૈંસલાના દાવાઓની પુષ્ટિ નથી કરાઇ 

આ ઉપરાંત કલ્યાણ બૈંસલા  પ્રોફાઇલ ફોટામાં હાથના મસલ્સ પર દર્શાવી રહ્યો છે. તેમજ'એમેચ્યોર ઓલિમ્પિયા ઈન્ડિયા' નામની બોડી બિલ્ડિંગ સ્પર્ધા જીત્યા હોવાનો દાવો કરે છે. જોકે, કલ્યાણ બૈંસલાના દાવાઓની પુષ્ટિ કરવામાં નથી આવી. 

જોકે, ગુરુગ્રામમાં બનેલી ઘટના બાદ તેણે પોતાનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે. ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર સ્પીડમાં આવી રહેલી કારે  એક સ્પોર્ટ્સ બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે તેના પર સવાર મહિલા રોડ પર પડી ગઈ હતી અને બાઈક કેટલાય મીટર સુધી ખેંચાઈ ગઈ હતી. 

ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર આ ઘટનાની માહિતી શેર કરી 

પોલીસના જણાવ્યા અનુસાર, ટક્કર બાદ કારમાં સવાર લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા. તેમણે જણાવ્યું કે બાઇક ચલાવી રહેલી સિયાને રસ્તા પર પડી જતાં ઇજાઓ થઇ હતી. જ્યારે બાદમાં તેણે ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર આ ઘટનાની માહિતી શેર કરી હતી.

કારમાં સવાર લોકો નશામાં હોય તેવું લાગતું હતું

મહિલા બાઇક રાઇડર સિયાના જણાવ્યા અનુસાર, રવિવારે તે ગોલ્ફ કોર્સ રોડ પર અન્ય કેટલાક બાઈકર્સ સાથે તેની 'એપ્રિલિયા RS 457'સ્પોર્ટ્સ બાઈક ચલાવી રહી હતી ત્યારે એક કારે તેનો પીછો કરવાનું શરૂ કર્યું. તેમજ  આક્ષેપ કર્યો કે કારમાં સવાર લોકો તેની નજીક આવ્યા અને અસભ્ય વર્તન કરવા લાગ્યા હતા. જ્યારે તેણે તેમને અંતર જાળવવાનું કહ્યું તેમજ કારમાં સવાર લોકો નશામાં હોય તેવું લાગતું હતું. તેમજ કાર સ્પીડમાં હોવાથી તેણે બાઈકને ટક્કર મારી હતી. 

વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી 

જોકે, આ ઘટના બાઇક પર લાગેલા કેમેરામાં કેદ થઈ હતી અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. વીડિયોમાં કાર બાઇકને ટક્કર મારતી અને તેને કેટલાક મીટર સુધી ઘસડી જતી જોવા મળે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બાઇકચાલકે કાર વિશે વિગતો આપી છે. જે મનીષના નામે નોંધાયેલી છે. અધિકારીએ વધુમાં કહ્યું કે વીડિયોના આધારે આ બાબતની તપાસ ચાલી રહી છે.

કાર માલિકે કહ્યું અકસ્માત સમયે તે સ્થળ પર ન હતા

તેમજ કારના માલિક મનીષનું કહેવું છે કે અકસ્માત સમયે તે સ્થળ પર ન હતા. મનીષ હરિયાણાના પલવલના રહેવાસી છે. તેમજ તે સેનામાં ફરજ બજાવે છે અને ઘટના બની ત્યારે તેઓ આસામમાં ફરજ પર હતા. તેમણે પોલીસને જણાવ્યું હતું કે રવિવારે તેમના પરિવાર પાસેથી એક મિત્રએ કાર લીધી હતી. જ્યારે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો ત્યારે જ તેમને અકસ્માત વિશે જાણ થઈ હતી.