અમદાવાદઃ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના નેતાઓને રાજ્યમાં વિવિધ જગ્યાએ લોકોના રોષનો ભોગ બની રહ્યા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભાજપની આબરૂના ધજાગરા થયા હતા. લોક દરબારમાં લોકોએ હોબાળો મચાવતા નેતાઓએ સ્ટેજ પરથી ઉતરવું પડ્યું હતું.
શું છે મામલો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલમાં ગઈકાલે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. દસક્રોઈ વિધાનસભા અંતર્ગત આવતા આ વિસ્તારના રોડ, પાણી, ગટર, લાઈટ અને ગેરકાયદે બાંધકામના પ્રશ્નો માટે યોજાયેલા આ કાર્યક્રમમાં હોબાળો થયો હતો. કાર્યક્રમમાં ચોક્કસ લોકોને જ પ્રશ્નો પૂછવા દેવાતા હોવાના આક્ષેપ સાથે હોબાળો થતાં હોદ્દેદારોને સ્ટેજ પરથી નીચે ઉતરી લોકોને સમજાવવાની ફરજ પડી હતી. મેયરે વિસ્તારના પ્રશ્નોના ઉકેલ અંગેની ખાતરી આપી હતી.
કોણ કોણ હતું લોક દરબારમાં
પ્રાપ્ત માહિતી અનુસાર, નિકોલ વોર્ડના લોક દરબારમાં મેયર હિતેશ બારોટ, ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, ભાજપને અગ્રણી ગોરધન ઝડફિયા, સ્થાનિક કોર્પોરેટર પરેશ લાખાણી અને AMCના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કયા મુદ્દે લોકોએ હોબાળો મચાવ્યો
લોક દરબાર દરમિયાન સ્થાનિક નાગરિકોએ મુખ્યત્ત્વે રોડ પર વધી ગયેલા લારી-ગલ્લાં અને શાકમાર્કેટના ગેરકાયદે દબાણોનાં કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઉપરાંત, AMCએ ફાળવેલા ખાણી-પીણીનાં પ્લોટોને કારણે આસપાસના રહીશોને ભારે ન્યૂસન્સ થતું હોવાની ફરિયાદો કરવામાં આવી હતી.તેમજ નિકોલ રિંગ રોડ પરના એક પ્લોટમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી વિના 200થી વધુ ગેસના બાટલા વપરાતા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો. સ્થાનિકોએ ભવિષ્યમાં હોનારત સર્જાય તો કોણ જવાબદાર તેવો પ્રશ્ન ઉઠાવી ભાજપના નેતાઓની આ પ્લોટમાં સાંઠગાંઠ હોવાના આક્ષેપો પણ કર્યા હતા. કાર્યક્રમમાં માત્ર ચોક્કસ લોકોને જ પ્રશ્નો પૂછવા દેવાતા હોવાનો આરોપ લગાવી લોકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસતાં ભાજપના હોદ્દેદારોને સ્ટેજ પરથી નીચે આવી નાગરિકોને સમજાવવા પડ્યા હતા.