Mon Sep 07 2026

Logo

ઈન્દોરમાંથી પકડાયો ગુજરાત કેડરનો નકલી આઈએએસ અધિકારી

2026-09-03 13:23:00
Author: Mayur Patel
ઈન્દોરમાંથી પકડાયો ગુજરાત કેડરનો નકલી આઈએએસ અધિકારી

ઈન્દોરઃ ઈન્દોર પોલીસે નકલી આઈએએસ અધિકારીને ઝડપ્યો હતો. આરોપીનું નામ હિમાંશુ પંચાલ છે અને ખુદને ગુજરાત કેડરનો આઈએએસ અધિકારી ગણાવતો હતો. હૉટલનું બિલ નહીં ચુકવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અને જિલ્લા કલેકટર હોવાનું કહીને અનેક લોકોને ચૂનો લગાવ્યો હતો. ઉપરાંત તે લોકોને સરકારી નોકરી આપવાની લાલચ પણ આપતો હતો. તેમજ ડ્રાઈવરો પાસે ફ્રીમાં કાર ચલાવતો હતો. 

એક મહિના પહેલા આવ્યો હતો ઈન્દોર

આરોપી હિમાંશુ પંચાલ આશરે એક મહિના પહેલા ઈન્દોર આવ્યો હતો. જ્યાં તેણે પોતાના ઘરની બહાર આઈએએસ અધિકારીની નેમ પ્લેટ લગાવી હતી. ઘરની અંદર પણ આવો જ માહોલ ઉભો કર્યો હતો. જેનાથી અહીંયા આવતા લોકોને તે અધિકારી હોવાનું લાગતું હતું. તેણે અશોક ચક્રનો ફોટો પણ લગાવી રાખ્યો હતો.

લસૂડિયા પોલીસ મથકની ટીમે ઝડપી પાડ્યો

લસૂડિયા પોલીસે જે આરોપીની ધરપકડ કરી તેનું સાચું નામ હિમાંશુ પંચાલ છે. જોકે તે લોકો સમક્ષ પોતાની ઓળખ IAS રાજ સોની અને જિલ્લા કલેક્ટર તરીકે આપતો હતો. પોલીસ પૂછપરછમાં તેના વિશે ઘણી નવી વિગતો સામે આવી રહી છે. તેણે ઇન્દોરમાં કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા અને અગાઉ અન્ય શહેરોમાં કેવા પ્રકારની છેતરપિંડી આચરી છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

ડ્રાઇવરને નોકરી આપવાની લાલચ

મળતી માહિતી મુજબ, હિમાંશુ પોતાની કાર માટે ડ્રાઇવર રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ માટે તે કેટલાક ડ્રાઇવરોનો સંપર્ક કરતો અને તેમને નોકરીની લાલચ આપતો હતો. તે ડ્રાઇવરોને એવો વિશ્વાસ અપાવતો કે પોતાની ઓળખાણ અને હોદ્દાના કારણે તેમને ભવિષ્યમાં સારી નોકરી અપાવી શકે છે. આ બહાને તે તેમની પાસે પોતાની કાર ચલાવડાવતો હતો. પોલીસને એવી પણ માહિતી મળી છે કે કેટલાક ડ્રાઇવરોને પ્રભાવિત કરવા માટે તેણે હોટલમાં પાર્ટી પણ આપી હતી.

પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ

પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે શરૂઆતમાં તેણે પોલીસ પર પણ પોતાનો રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તે પોતાને ગુજરાત કેડરનો IAS અધિકારી ગણાવતો રહ્યો. જોકે પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં તેની આ ખોટી કહાણી લાંબો સમય ટકી શકી નહીં અને અંતે તેણે પોતાની સાચી ઓળખ હિમાંશુ પાંચાલ તરીકે સ્વીકારી લીધી.

અંગ્રેજી બોલીને લોકોને આંજી દેતો હતો

હિમાંશુ લોકો વચ્ચે એક મોટા અધિકારી તરીકેની છાપ ઊભી કરવા માટે પૂરતી તૈયારી રાખતો હતો. વાતચીત દરમિયાન તે અંગ્રેજી ભાષાનો વધુ ઉપયોગ કરતો અને મોટાભાગે સફેદ શર્ટ પહેરતો હતો. તેનો મુખ્ય હેતુ પોતાના પહેરવેશ અને બોલચાલથી લોકોને એવો વિશ્વાસ અપાવવાનો હતો કે તે ખરેખર કોઈ મોટો સરકારી અધિકારી છે.

ગાંધીનગરમાં પણ ગુનો દાખલ

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હિમાંશુ સામે ગુજરાતમાં પણ ગુનો નોંધાયેલો છે. ચાલુ વર્ષે જ ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ થયો હતો. જેના પગલે પોલીસને આશંકા છે કે તે અગાઉ પણ આ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવતો રહ્યો છે.

લગ્ન માટે કન્યાની શોધમાં હતો

હિમાંશુ અપરિણીત છે અને લગ્ન માટે યુવતીની શોધ કરી રહ્યો હતો. તેણે અનેક મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ પર પોતાના બાયોડેટામાં પોતાને IAS અધિકારી ગણાવ્યો હતો. લગ્નની વાતચીત દરમિયાન પણ તે પોતાની ઓળખ એક IAS અધિકારી તરીકે જ આપતો હતો.