અમદાવાદઃ સૌરાષ્ટ્રવાસીઓ માટે સાતમ-આઠમ એટલે મિની વેકેશન. નોકરી-ધંધા માટે સૌરાષ્ટ્રની બાહર ગયેલા સૌરાષ્ટ્રના લોકો સાતમ-આઠમના તહેવારમાં વતન પરત આવે છે. પરિવારો સાથે તહેવાર મનાવે છે. ટ્રેનમાં બુકિંગ પેક થઈ જતા પ્રવાસીઓ બસમાં ટિકિટ બુક કરાવી રહ્યા છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી 80 ટકા એસટી અને 70 ટકા ખાનગી બસ ટ્રાવેલ્સની ટિકિટ પેક થઈ ગઈ છે. સીટ બુક થઈ ગઈ છે. ખાનગી બસમાં સામાન્ય દિવસોમાં જે ભાડું ₹500થી ₹600 હોય છે એની સામે અત્યારે ભાડું ₹800 થી ₹1200 સુધી વસુલવામાં આવી રહ્યું છે.
મોટાભાગની સીટ ભરાઈ ગઈ
સાતમ-આઠમના તહેવારના દિવસોમાં સૌરાષ્ટ્રમાં-વતનમાં જતા સૌરાષ્ટ્ર વાસીઓમાં એક લાગણી અનુભવાતી હોય છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસમાં બુકિંગ વધી ગયું છે. બસની સીટ ભરાઈ ગઈ છે. 80 ટકા એસટી બસ અને 70 ટકા ખાનગી બસની સીટ બુક થઈ ગઈ છે. ખાસ કરીને રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા રૂટની મોટાભાગની બસમાં તમામ સીટ ભરાઈ ગઈ છે. તહેવારની સીઝનમાં ટિકિટમાં પણ દોઢથી બેગણો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એસટી અને ખાનગી બસોની ટિકિટમાં તોતિંગ ભાવ વધારાને કારણે પ્રવાસીઓને વધારે પૈસા ખર્ચવા પડશે. છેલ્લી ઘડીએ ટિકિટ મેળવવા ઈચ્છતા પ્રવાસીઓને સીટ માટે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
વધારે ચાર્જ ચૂકવવો પડશે
એડવાન્સ બુકિંગ કરવનારાઓએ પણ વધારે ચાર્જ ચૂકવવાનો વારો આવ્યો છે. અમરેલી જતી બસનું સામાન્ય દિવસોમાં ભાડું ₹500થી ₹600 હતું એ વધીને ₹800થી ₹1100 સુધી પહોંચ્યું છે જ્યારે એસટી બસનું ભાડુ ₹452 સુધી પહોંચ્યું છે.એસટીમાં વધારાની ટ્રિપ અને વધારાની બસ મૂકવા છતા તમામ બેક પેક થઈને જઈ રહી છે. રક્ષાબંધન બાદ હવે સાતમ આઠમના તહેવારમાં એડવાન્સ આયોજન અંતર્ગત વધારાની બસની સાથે 9500 જેટલી ટ્રિપ કરવામાં આવી છે. તહેવારના પહેલાના અઠવાડિયામાં બુકિંગ પેક થઈ ગયા છે. અમદાવાદ, રાજકોટ અને દ્વારકાના બસ સ્ટોપ પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર સૌરાષ્ટ્ર જતા પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.