મુંબઈ: મહારાષ્ટ્ર એફડીએ કમિશનર આઈએએસ અધિકારી તુકારામ મુંઢેએ રેસ્ટોરામાં પીરસવામાં આવતા ફૂડની ગુણવત્તાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 'ગ્લોબલ જેન ઝી સમિટ'માં પોતાના બેબાક અંદાજમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર બહાર રેસ્ટોરાંના જમવાથી બચે છે.
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તુકારામ મુંઢેએ 'ગ્લોબલ જેન જી સમિટ'માં પોતાના અંગત જીવન અને કામ કરવાની રીત પર મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના પરિવાર સાથે રેસ્ટોરાંમાં જમવા જતા નથી, જેનું કારણ છે કે તેમની પાસે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને દરેક નાનામાં નાની જાણકારી છે. ખાદ્ય સુરક્ષા અંગે તેમણે કહ્યું હતું કે તેમની ટીમ પહેલા ભોજનમાં વપરાતા કાચા માલની તપાસ કરે છે.
ખાદ્ય સુરક્ષા અને ભેળસેળ વિરુદ્ધ કડક વલણ અપનાવનારા મુંઢેને જયારે તેમના પરિવારમાં તેમની કાર્યવાહીને લઈને થનારી ચર્ચાઓ અને રેડની બદલાતી રીતો પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે બેબાક અંદાજમાં સ્પષ્ટપણે જવાબ આપ્યો હતો. ત્યાર બાદ તેમને પૂછવામાં આવ્યું હતું કે પરિવારમાં શું ચર્ચા થાય છે, ક્યારેય એવું પણ થાય છે કે પરિવારનું કોઈ મનપસંદ રેસ્ટોરાં હોય અને કાર્યવાહી બાદ ત્યાં જવાનું બંધ કરવા કે તે રેસ્ટોરાંને બંધ કરવાની વાત કરવામાં આવતી હોય?
તેમના જવાબમાં મુંઢેએ કહ્યું હતું કે 'આજકાલ તો બહાર જવાનું બંધ કર્યું છે. અમારો પરિવાર વધારે બહાર જતો નથી.' તેમણે એમ પણ કહ્યું કે લોકોથી વધારે જાણકારી તેમની પાસે હોય છે. તેમના આ જવાબથી સ્પષ્ટ હતું કે જાહેર જગ્યાઓ પર ખાણીપીણીને લઈને તેઓ પોતે અત્યંત સતર્ક રહે છે.
સમિટમાં તેમને એ પણ પૂછવામાં આવ્યું કે આજની રેડ અને પહેલાની રેડમાં શું અંતર છે? શું હવે કેમેરા અધિકારીઓ પહેલા સ્થળ પર પહોંચી જાય છે? એટલે કે છાપો મારવાની કાર્યવાહી શરૂ થતા પહેલા જ તેની જાણકારી જાહેર થઇ જાય છે. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ પોતાના અધિકારીઓને કાર્યવાહી દરમિયાન સૌથી પહેલા પાયાની વસ્તુઓની તપાસનો નિર્દેશ આપે છે. તેમના મતે કોઈ પણ ખાદ્ય સામગ્રીની ગુણવત્તાને સમજવા માટે સૌથી પહેલા એ જોવું જરૂરી છે કે તેનાથી ભોજન તૈયાર કરવામાં ઉપયોગ કરવામાં આવતો કાચો માલ કેવો છે.
તેમણે જણાવ્યું કે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવે છે પહેલા કાચા માલની તપાસ કરવામાં આવે, જેનાથી ખાદ્ય પદાર્થ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ જ આગળની પ્રક્રિયામાં તેના સેમ્પલ લેવામાં આવે છે. તુકારામ મુંઢેએ સ્પષ્ટ કર્યું છે કે 'ફૂડના નમૂના તેઓ સૌથી છેલ્લે લે છે.' એટલે કે તેમની પ્રાથમિકતા ફક્ત તૈયાર ફૂડના સેમ્પલ લેવા નહીં, પરંતુ તેની સમગ્ર પ્રક્રિયા અને કાચા માલની તપાસ કરવાની છે, જેના દ્વારા ખાદ્ય પદાર્થો તૈયાર કરવામાં આવે છે.